સીટી ટોક (ભુજ-૨)
ભુજની મુલાકાતનો અંતિમ ભાગ લખીએ ત્યારે ખાસ એ લખવાનું મન થાય કે ભુજ એ માત્ર એક સ્થળ નથી, પણ એક ભાવના, એક લાગણી છે. કચ્છ રણ વિસ્તારમાં આવેલું છે તેથી તેનું ભૂગોળ પ્રતિકૂળ છે, ભારતની સહુથી પશ્ચિમ સરહદ પર આવેલું હોવાથી ગુજરાત કે ભારતના કોઈ પણ સ્થળથી તે દૂર પડે છે. વળી, ભુજ ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી ગરમી અને ઠંડી બંને અહીં સારા એવા પ્રમાણમાં રહે છે તેથી અહીંનું હવામાન પણ પ્રતિકૂળ છે. તેમ છતાં ભુજમાં ટૂંક સમય માટે કે હંમેશ માટે રોકાણ કરનાર પણ ભુજના પ્રેમમાં પડી જાય છે. અમે તેવા કેટલાય લોકોને ઓળખીએ છીએ જેઓ તેજસ્વી પ્રતિભા ધરાવે છે છતાં માત્ર ભુજ પ્રેમને કારણે મેટ્રો સિટીઝમાં રહેલી કેટલીય ઉજ્જવળ તકો જતી કરેલ છે. આવા તેજસ્વી લોકો મેટ્રો શહેરોને પડતાં મૂકી ભુજ પર પસંદગી ઉતારતા હોય તો તેની પાછળ કંઈક તો રહસ્ય હશે જ. મેટ્રો સિટીઝ જેવી સગવડતાઓના અભાવ છતાં ભુજ હંમેશ ઇવેન્ટફુલ રહ્યું છે. કોઈપણ ધર્મ, જ્ઞાતિ, ફળીયો કે પડોશીઓનો નાનામાં નાનો પ્રસંગ પણ અહીં ઉજવવાની સંસ્કૃતિ રહી છે. આ પ્રસંગો મોટા શહેરોમાં ઉજવાતી પાર્ટી લાઈફથી એ રીતે અલગ પડે કે ભુજના આવા પ્રસંગોમાં સમાજનો મોટો ભાગ...