ઓફ ધ બીટ

બ્લોગ લખવાનું શરુ કર્યું ત્યારે આ નવા અધ્યાય વિષે એક સંશય હતો. વાંચકોની પસંદગી, તેમની સંખ્યા અને ખાસ તો અમારા રેગ્યુલર રહેવા બાબતે. આજે દસમો બ્લોગ લખતા સમયે આ ત્રણેય સંશય દુર થયા તેનો ખુબ આનંદ છે. તો ચાલો બ્લોગની શરૂઆત પહેલા આપને સહુ પોતપોતાની પીઠ થાબડી લઈએ.

આજે આપણે કોઈ જગ્યાની મુલાકાત નહિ લઈએ અને આમ જુઓ  તો અનેક જગ્યાઓની મુલાકાત લઈશું. આજે એવા અનુભવોની વાત કરીશું જેણે અમને અરીસો બતાવ્યો અને કદાચ અમારા આ અનુભવોમાંથી તમને પણ કશીક પ્રેરણા મળશે.

1) થોડા સમય પહેલાં જ્યારે અમે કેરેલાની મુલાકાતે ગયેલા ત્યારે મુન્નારમાં મનોજ નામનો અમારો ખૂબ સરસ ગાઈડ હતો. ખૂબ થોડા જ સમયમાં તેની સાથે દોસ્તી થઈ ગયેલી જેના ઘણા કારણોમાંથી એક કારણ હતું તેનું તેની આસપાસના પર્યાવરણ વિશેનું તેનું ઊંડું જ્ઞાન. ત્યાંના કોઈપણ વૃક્ષ, પ્રાણી-પક્ષી, આબોહવા, ખેતી, માણસોના વર્તન અરે, ત્યાંના પોલિટિક્સ વિશે પણ ઊંડાણમાં નિખાલસ ચર્ચા કરી શકે. જનરલી ગોખીને આવતા ગાઈડ કરતાં આ ગાઈડ એટલે જ અમને અલગ લાગ્યો.


વહેલી સવારે તે અમને હોટેલની નજીકમાં આવેલું પોન્ડ જોવા લઈ જવાનો હતો. પરંતુ રાતે વરસાદ પડેલો અને તેથી ત્યાંની માટીમાં થઈ જતી લિચીઝ (અડસિયાના નાના સ્વરૂપ જેવી જીવાત, જે તમને ખ્યાલ પણ ના આવે એમ ધીમેધીમે ચામડીમાં છિદ્ર કરે. લોહી ઘણું નીકળે છતાં આપણે દુખાવો ના થાય. ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે જે લોહી નીકળે તે બધું ખરાબ લોહી હોય છે તેથી તેઓ તો લિચીઝનો ટ્રીટમેન્ટમાં પણ ઉપયોગ કરે છે.)ને કારણે અમને ત્યાં જવા બાબતે સંશય હતો. તે સવારે સમયસર આવી ગયો તેને જોતાં અમને થોડી હિંમત આવી અને તેની પાછળ ચાલવા લાગ્યા. આગળ જતાં જમીન એકદમ ચીકણી હોવાથી પોન્ડની સાવ નજીક ના જઈ શક્યા પણ જો એ દિવસે અમે તેની સાથે ના ગયા હોત તો કેટલુંય જાણવાનું ગુમાવ્યું હોત એ નક્કી.

ત્યાં રસ્તામાં કેટલીય લિચીઝ દેખાતાં તેણે એક પોતાના હાથમાં લઈને અમને બતાવી અને જોતજોતામાં તેના હાથમાંથી લોહી પણ ચાલુ થઈ ગયું. તેણે સિફતપૂર્વક લાઈટરની આગ બતાવી તેને દૂર કરી (આગ અથવા મીઠું(સોલ્ટ), આ બંને લિચીઝના દુશ્મન). થોડે આગળ જતાં તેણે અમને દૂર અંગુલીનિર્દેશ કરતાં કહ્યું કે પેલી વસાહત દેખાય છે ત્યાં અમારું ઘર છે. અમે હતાં એ જગ્યાએથી ખાસ્સું નીચે જવું પડે તેમ લાગતાં પૂછ્યું રોજ કાઈ રીતે આવજાવ કરો છો? તેણે કહ્યું પગે.. અને તેણે ત્યાં પહોંચવાના કાચાં પગથિયાં અને પગદંડી પણ બતાવી. અમે ફરી પૂછ્યું તમારા આવવા જવાના રસ્તે તો આ લિચીઝ તમને કેટલીય ચોંટી જતી હશે તો તેનું કોઈ પરમેનેન્ટ સોલ્યુશન ના લાવી શકો? તેણે હસીને જવાબ ના આપ્યો.

થોડે આગળ જતાં જ તે પગથિયાં આવ્યાં જ્યાંથી તેઓ આવજાવ કરતાં હતા. એક નાનું બાળક મમ્મી સાથે એ પગથિયાં પરથી ઉપર ચડી સ્કૂલ જતું હતું. મનમાં ઘણા સવાલો રમતાં હતાં એ પૂછીએ ત્યાં મનોજે ઈશારો કરતાં કહ્યું, "સર, ઇધર થોડા સંભાલના" અમને લાગ્યું અહીં વધુ પ્રમાણમાં લિચીઝ હશે એટલે થોડા આઘાપાછા થઈ તેણે ઈશારો કર્યો હતો ત્યાં જોયું. પણ ત્યાં તો એક મોટું બાંકોરું દેખાયું. અમે કોઈ જવાબ ના આપ્યો એટલે એણે આગળ કહ્યું, "ઇધર કોબ્રા 'રહેતા' હૈ." બે સેકન્ડ્સ શોકમાં રહ્યા બાદ અમારા સહુના મનમાં એક જ વાત હતી,"હારા, અમે સંભલના શબ્દ કૂતરું કે ગાય દસ ફૂટ દૂર હોય ત્યારે વાપરીએ.. કોબ્રા તો બાજુના ગામમાં હોય તો પણ અમે એક જ શબ્દ વાપરીએ 'ભાગો' જ્યારે તું તો બે ફૂટ દૂર બાંકોરું બતાવીને સંભલનાની ઠોકે છે." પણ, જાહેરમાં કશું બોલવું કોઈએ હિતાવહ ના સમજ્યું એટલે પહેલા તો મૌનવ્રત ધારણ કરી સહુ સલામત અંતરે પહોંચ્યા. પછી પૂછ્યું, 
 "તમે જોયો છે કોબ્રા?"
"હા, ઘણીવાર"
"આ તો તમારે રસ્તે જ બેઠો છે તમને ડર નથી લાગતો."
"નહિ, હજુ સુધી એણે એવું કશું કર્યું નથી"
"પણ હમણાં જ બાળક તેની મમ્મી સાથે પસાર થયું તે લોકોને પણ બીક નથી લાગતી?"
"નહિ, બધાયને ખ્યાલ છે."

હવે, વિચારો.. બધાયને ખ્યાલ છે.. શેનો ખ્યાલ છે? કે અહીં કોબ્રાનું 'ઘર' છે. આ જગ્યાએ આપણે હોઈએ તો? આપણે જો જંગલમાં ગયા હોઈએ અને સાપ આડો આવે તો જે હાથમાં મળે તે ફટકારીએ જ્યારે આ લોકોએ તો પ્રકૃતિ સાથેનું એટલું અદભુત તાદાત્મ્ય સાધી લીધું છે કે ઝેરીલા કોબ્રાના દરને પણ તેઓ સાહજિક રીતે તેનું ઘર કહે છે.

તેને ફરી પૂછ્યું, તારું ઘર આટલું નીચે દેખાય છે, જંગલી રસ્તો છે અને પાછો સુમસામ પણ, સ્ટ્રીટ લાઇટની પણ સગવડ નથી અને તું છેક મોડી રાતે ઘર તરફ નીકળે છે એ અમે જાણીએ છીએ તો રસ્તામાં આવા જનવરોથી ડર નથી લાગતો? અમારો પ્રશ્ન સમજ્યો જ ન હોય એમ કહ્યું, "અમારી પાસે ટોર્ચ હોય ને.. અને ફરી રાતે તો આગિયા પણ અજવાળું ફેલાવે આ જંગલમાં.." કેટલો નિર્દોષ જવાબ. કોઈ જ ડર નહિ પણ પ્રકૃતિ પ્રત્યેનો આદર.. દરેક જીવની કિંમતને સરખું આંકવાનું કેટલું સુંદર ઉદાહરણ. ત્યારબાદ તો તેણે ત્યાંના હથીથી લઈને કોકોના ઝાડ સુધીની વાતો કરી અને એ દરેક વાતોમાં તેનો તેની આજુબાજુના પર્યાવરણ પ્રત્યેનો આદર ડોકાતો રહ્યો. અમે મુન્નારમાંથી ખાલી ચાયના બગીચાના સુંદર દ્રશ્યો જ નહીં પ્રકૃતિ પ્રત્યેનો એક નવો અભિગમ લઈને પાછા ફર્યા.


2) પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય સાથે દક્ષિણના લોકોની એક બીજી પણ સરસ આદત છે, તે છે સ્વચ્છતા. કેબ ડ્રાઇવર હોય કે કોઈ નાનો દુકાનદાર હંમેશ તેઓ પોતાના શરીર સાથે આજુબાજુના વિસ્તારની સ્વચ્છતા બાબતે પણ જાગૃત હોય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આપણે આપણા ઘર સિવાયની સ્વચ્છતામાં જાણે માનતા જ નથી. ગુજરાતીઓના ફરવાના શોખને કારણે આખી એક ઇન્ડસ્ટ્રી ધમધમે છે તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી પણ દુઃખ ત્યારે થાય જ્યારે એકદમ પ્રાકૃતિક જગ્યા પર આપણે આપણા બંધુઓને માવો ખાઈ થૂંકતા કે પ્લાસ્ટિકસના રેપર અહીં તહીં ફેંકતા જોઈએ.



2.1) કચ્છમાં માંડવીના કેટલાય દરિયાકિનારા ભલભલા વિદેશી બીચની બરોબરી કરે તેવા છે. તેમાંય વીંડફાર્મ તરીકે ઓળખતો દરિયાકિનારો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે તેનું કારણ છે છીછરો દરિયો, વિશાળ કિનારો અને ખૂબ આક્રમક નહિ તેવા મોજાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં જઈએ ત્યારે પાણીમાં પગ ડૂબાડીએ તે સાથે જ નાસ્તાના પાઉચ, પોલીથીન, પ્લાસ્ટિકની પાણીની બોટલ જેવી કેટલીય વસ્તુઓ તમારા ચરણ સ્પર્શ કરવા ધસી આવે. શું આ સાફસફાઈ એ સરકારનું જ કામ છે? આપણી તેમાં કોઈ જ જવાબદારી આવતી નથી? જે કોઈ એમ માનતા હોય કે અમે તો ટેક્સ આપીએ છીએ એટલે સાફ સફાઈ રહેવી જોઈએ સરકારનો વિષય છે એમના માટે નજરે જોયેલો અહીં શેર કરીએ.

2.2) અમે રાજકોટમાં એક આઈસ્ક્રીમની દુકાનમાં ગયેલા. ત્યાં એક ટબુકડી પોતાના પિતા સાથે આવેલી. તેણે આઈસ્ક્રીમનો કપ ખાલી કર્યો અને તેની ઉપરનું ઢાંકણું અને કપ લઈને ટેબલ પરથી ઉઠી. તેના પપ્પાએ કહ્યું અહીં મૂકી દે, તેણે ના પાડી. અમને રસ પડ્યો. તે બહાર ગઈ તેને ડસ્ટબીન ના દેખાયું, દુકાનદારે કહ્યું ત્યાં બહાર જ ફેંકી દે.. તેણે ના પાડી. તે ખાસ કપ નાખવા માટે લગભગ પચાસેક મીટર દૂર આવેલા ડસ્ટબીન પાસે ગઈ અને ફાઇનલી પોતાનું મિશન પૂરું જ કર્યું. તે ટબુકડી અમને ખૂબ બધું શીખવી ગઈ..

2.3) સ્વચ્છતા વિશેના આપણા બેજવાબદાર વલણનું હજુ એક ઉદાહરણ આપીએ તો આપણા દેશદેવી માં આશાપુરાના દર્શને નવરાત્રીના દિવસોમાં લાખો આસ્થાળુઓ પગપાળા આવે છે. ક્યારેક તો એક દિવસમાં જ લાખોની સંખ્યામાં લોકો ઉમટે છે. જે લોકો પગપાળા પ્રવાસ કરતા નથી તેઓ પદયાત્રિકોની સેવા કરીને પુણ્ય મેળવે છે. સો દોઢસો કિલોમીટર સુધીનો રસ્તો સતત ધમધમતો રહે છે. પણ જ્યારે નવરાત્રી પુરી થાય કે સેવામાં લાગેલા કેમ્પ ઉપડે ત્યારે કેમ્પની આજુબાજુની, મંદિરના પરિસરની આજુબાજુની, અરે પુરા સો દોઢસો કિલોમીટર સુધીના રસ્તાની હાલત ખરેખર દયનિય હોય છે. આ ગંદગી શું માતાજીને પસંદ પડતી હશે? આપણી સાચી યાત્રા કે માનતા તો જ સફળ થયેલી ગણાય જો આખા રસ્તા પર આપણે એક ચોકલેટનું રેપર પર અહીં તહીં ના ફેંક્યો હોય. છેલ્લા અમુક વર્ષોથી જ્યાં જ્યાં કેમ્પ લાગેલા હોય છે ત્યાં કચરાટોપલીની વ્યવસ્થા અચૂક હોય છે. તો હવે આપણી, પદયાત્રિકોની જવાબદારી બને છે કે નવરાત્રી પછી આવતા લોકો માટે પણ એ રસ્તો રમણીય બની રહે.

3) હજારો વર્ષો પહેલાની આપણી પાસે કેટલી સુંદર ધરોહર છે. ના જાણે કેટલાય પ્રાચીન મંદિર, ગુફા કે ખંડેર છે જેના પર કેટલુંય અધ્યયન થયું છે અને હજુ પણ કેટલુંય બાકી છે. આપણે આ ધરોહરને જોઈને અભિભૂત થવાની જગ્યાએ શું કરીએ છીએ? ખૂબ સુંદર આર્ટમાં 'ચીકુ લવ્ઝ મીકુ' લખીને આપણા હિસાબે તે આર્ટમાં વધારો કરીએ છીએ. પ્લીઝ, આપણી સંસ્કૃતિના આ સુંદર,ભવ્ય વારસાને આપણી આવનારી પેઢી માટે સાચવી રાખો. આવી પ્રાચીન જગ્યાની મુલાકાતે જઈએ ત્યારે ત્યાં લખેલું હોય તેને ભલે ભૂંસીએ નહિ પણ કમસેકમ આપણું યોગદાન તે લખાણમાં ના આપીએ શું એટલા જવાબદાર નાગરિક આપણે ના બની શકીએ?



તો જવાબદાર નાગરિક તરીકે આપણી પાસેથી શું અપેક્ષિત છે?
આપણે જ્યાં પણ ફરવા જઈએ ત્યાં એક કાપડની થેલી સાથે રાખી શકીએ, વેહિકલમાં જે કાંઈ ખાઈએ તે બારી ખોલીને જાહેરમાં ફેંકવા કરતાં તેને તે થેલીમાં નાખી હોલ્ટ કે ડેસ્ટિનેશન પર પહોંચીને ડસ્ટબીન ગોતીને નાખીએ, આપણી આજુબાજુ કોઈ કચરો ફેંકતું દેખાય તો તેને વિનયપૂર્વક તે કચરો ડસ્ટબીનમાં નાખવા સમજાવીએ, સાથે કોઈ કમ્પની હોય જે આપણે કહેતું હોય કે યાર જવા દો આવું ના વિચારાય ફેંકી દો.. તો તેમની વાત માનવા કરતાં આપણી વાત પર કાયમ રહી તેમને પણ પ્રેરણા આપીએ, આપણે કોઈ સેવાનું કામ કરીએ જેમકે પદયાત્રિકોની માટેનો કેમ્પ તો પહેલા કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વિશે પણ વિચારીએ, ખાસ તો કોઈ સંસ્થા એવી મળે કે જેમને સમાજસેવા કરવી હોય તેમને કમસેકમ પોતાના ગામમાં ઠેરઠેર કચરાટોપલી નાખવાનું કહેવું જોઈએ. અને માત્ર કચરા ટોપલી રાખી દેવાથી તો ત્યાં ઉકરડો બની જવાની શક્યતા રહે એટલે એટલું જ જરૂરી છે તેને સમયસર ખાલી કરવાની વ્યવસ્થા, કોઈપણ ઐતિહાસિક જગ્યાની મુલાકાતે જઈએ ત્યારે માત્ર તે આર્ટથી અભિભૂત થઈએ. એક નાની લીટી પણ આપણા તરફથી ના કરીએ. 

શું આપણી આજુબાજુના કે પર્યટન સ્થળોની સુંદરતા જાળવી રાખવા માટે ઉપરના સ્ટેપ્સ અનુસરવા એટલા અઘરાં છે? માત્ર આટલું જ કરવાથી ચોક્કસપણે સ્વચ્છતા પ્રત્યે આપણો ફાળો સો ટકાનો હશે. વપરાયેલા શબ્દો જો કઠોર લાગ્યા હોય તો માફ કરશો પણ હવે પછી જ્યારે પણ હવે ફરવા નીકળો ત્યારે ઉપરના પોઇન્ટ્સ યાદ કરીને નીકળશો તેવી આશા અમે ચોક્કસ રાખીશું.



Comments

  1. પ્રવર્ષ શુક્લ4 March 2019 at 13:26

    ખુબ જ સરસ માહિતી. જાણવા યોગ્ય.

    ReplyDelete
  2. સરસ, વાંચવાની મજા આવી. સ્વચ્છતા ત્યા પ્રભુતા.

    ReplyDelete
  3. માહિતી પ્રદ લેખ..
    જળો..એક જાતની જાડી ઈયર જેવી હોય છે જેનો આયુર્વેદમાં અમુક રોગોમાં ઉપયોગ થાય છે. શરીરમાંથી અશુદ્ધ લોહી એ ચૂસી લે જેથી શરીરમાં એ રોગ વાળું લોહી ચૂસાઈ જાય. એ જળોનો ઉપયોગ પરી પણ થઈ શકે. એને દબાવીને એના અંગમાંથી એ ખરાબ લોહી કાઢી ફરીથી.

    ReplyDelete
    Replies
    1. વાહ લતાબેન. જળો.. મને તેનું ગુજરાતી નામ ખ્યાલ નહોતું. લિચીઝ લખવામાં થોડું અજુકતું લાગતું હતું. હવે આ નામ નહિ ભુલાય. જળો.. ભણવામાં પણ આવ્યું છે એ વિશે. ખૂબ આભાર આટલી મસ્ત માહિતી આપી જ્ઞાન વધારવા માટે.

      Delete
  4. Bhu maja avi avnchi ne...specially cobra part

    ReplyDelete
  5. Aapnu Maanas have kadach badlay ane tamara vade lakhayeli blog thi pretty. Thank you.

    ReplyDelete
    Replies
    1. આમીન પ્રત્યન્ચભાઈ. Thanks for lovely comment

      Delete
  6. Good article and Happy double digits.keep writing.

    ReplyDelete
  7. સુંદર શબ્દોને સથવારે સુંદર આલેખન

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ આભાર સરલા'દી..

      Delete
  8. આર્ટિકલ ખરેખર રસપ્રદ જણાયો.

    સેલ્ફ ડીસીપ્લીનની વાત માત્ર કરનાર લોકો ખુદ તેનું અનુસરણ કરતા નથી એવું મેં ઘણી જગ્યાએ અનુભવેલ છે. ખાસ કરીને સ્વચ્છતાની બાબતમાં.

    એ બાબતે તમે ખૂબ જ પ્રેરણાદાયી લખેલ છે.

    ReplyDelete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2

પોળોનું જંગલ, સાબરકાંઠા