સીટી ટોક (ભુજ-કચ્છ)

આજ ખુશ તો બહુત હોંગે તુમ, હાઇન.. વાંચકોને નહિ, અમારું મન અમને કહે છે. અમારા ભુજ વિશે લખવાનું છે એટલે પાર્ટી જરા રાજાપાઠમાં છે. ચાલો વધુ કંઈ નથી લખવું જલ્દીથી ભુજ પહોંચી જઈએ. હા, બ્લોગની લંબાઈ બહુ લાંબી રાખી તમને ત્રાસ નથી આપવો અને એક બ્લોગમાં ભુજ સમાશે પણ નહિ 😊 એટલે બે બ્લોગમાં આપણે ભુજની મુલાકાત લઈશું. પહેલા બ્લોગમાં ભુજના થોડા ઇતિહાસ સાથે અમુક જગ્યાઓની મુલાકાત લઈશું અને બાકીની જગ્યા બીજા બ્લોગમાં સમાવીશું. હા, એકવાત યાદ રાખશો કે કચ્છની મુલાકાત જૂનથી ફેબ્રુઆરી સુધીના સમયે લેવી. અને જો એન.આર.આઈ હોવ તો માત્ર નવેમ્બરથી જાન્યુઆરી.

ભુજ એક ઐતિહાસિક શહેર છે. કચ્છ જિલ્લાનું વડું મથક છે તેથી ગુજરાતના બધા શહેર સાથે બાય રોડ સારી રીતે કનેક્ટ છે. દેશના લગભગ બધા મોટાં શહેરો સાથે ગાંધીધામ, ભુજ સુધીની ટ્રેઈન સેવા પણ છે. મુંબઈથી સીધી ફ્લાઇટ પણ મળી રહે છે.

આગળ કહ્યું તેમ ઐતિહાસિક શહેર હોવાથી અહીં જુનું ભુજ એક આખા કિલ્લાની અંદર વસેલું. એ કિલ્લાને પાંચ ગઢની દીવાલ અને છઠ્ઠી બારી હતી. ભૂકંપના નુકશાન થયું હોવાથી આખો કિલ્લી હવે બચ્યો નથી છતાં તેના ઘણા અંશો જોવા મળે છે. ભુજ શહેર નાની મોટી ટેકરીઓ વચ્ચે વસેલું છે. ટેકરીઓ પર વિકસાવવામાં આવેલ બધા સ્થળો રમણીય છે. 

છેક પ્રાગૈતિહાસિક કાળનું કચ્છ રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. કેટલાય રજવાડા બદલાયા, કેટલાય યુદ્ધો ખેલાયા, કેટલીય પ્રાકૃતિક વિપદાઓ સહન કર્યા બાદ પણ આજનું કચ્છ એ જ ખુમારીથી જીવંત છે. તો તેના ઇતિહાસ વિશેની વધુ વાત પડતી મૂકીને તેના જોવાલાયક સ્થળો વિશે જાણકારી મેળવીએ.


૧. ભુજીયો ડુંગર : ભુજમાં પ્રવેશતાં જ ભુજની શાન સમા ભુજીયા ડુંગરના દર્શન થાય. આ ડુંગર પર નાગ દેવતાનું મંદિર છે. અહીં ભુજીયો કિલ્લો પણ આવેલો છે જે તે સમયે ભુજનું લશ્કરી રક્ષણ હતું. દર વર્ષે નાગપંચમીના દિવસે અહીં તળેટીમાં મેળો ભરાય છે. શ્રધ્ધાળુ કે ટ્રેકિંગનો શોખીન હોય એમને માટે સવાર બહુ જ વહેલી પડે છે અને કાચી પગદંડી, પથ્થરોથી બનેલા રસ્તા પર જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ડુંગર અને ભુજ બંનેની ભવ્યતા મોહિત કરે. ડુંગર પરથી ભુજ ખૂબ સરસ સુંદર લાગે છે.

ખૂબ અઘરું કહી શકાય તેવું ચઢાણ નથી પણ છતાં ઘૂંટણ કે દમની તકલીફ ધરાવતા લોકો માટે ટ્રેકિંગ હિતાવહ નથી. અમે વર્ષો પહેલાં જ્યારે ગયા હતા ત્યારે કિલ્લામાં રખાયેલો સરંજામ જોઈને ખૂબ રોમાંચિત થયા હતા. હવે એ ત્યાં હશે કે નહીં એ ખ્યાલ નથી. અમે મુલાકાત લીધેલી ત્યારે તળેટી લગભગ નિર્જન રહેતી પણ હાલમાં સાંભળ્યું છે એ મુજબ તળેટીમાં સારો એવો વિકાસ કરી પર્યટન સ્થળ તરીકે વધુ સરસ વિકાસ કરેલ છે.


૨. ટપકેશ્વરી મંદિર : ભુજથી માત્ર આઠ કિલોમીટરના અંતરે ટપકેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. મંદિરની આજુબાજુ ટેકરીઓ આવેલી છે. ટેકરીમાંથી સતત ઝરતા પાણી નેે કારણે ટપકેશ્વરી નામ પડ્યું છે.



પહાડીઓની ઉપર કુદરતી રીતે બનેલી ગુફાઓ આવેલી છે. વડીલો પાસેથી સાંભળ્યા મુજબ ભૂતકાળમાં અહીં જંગલી પશુઓનો પણ વસવાટ હતો. ટ્રેકિંગનો એકદમ શોખ ધરાવતા લોકો એક તરફથી જઈ બીજી તરફથી ઉતરી શકે છે જ્યારે નાના બાળકો સાથે કે વડીલો સાથે ગયેલા લોકો નાના ટ્રેકિંગ રુટ પર જઈ શકે છે. છ વર્ષથી ઉપરના બાળકો આસાનીથી કરી શકે તેવો સરળ ટ્રેક છે તેથી ખાસ ડરવા જેવું નથી. હા, ઉપર પહોંચ્યા પછી ગુફાની આસપાસના ખડકો મિનરલથી ભરપૂર હોવાથી થોડા લપસણા છે જેથી તે જગ્યાએ બાળકોનું ખ્યાલ રાખવું. અને હા, સાથે પાણી તેમજ થોડો નાસ્તો જરૂર રાખવો કેમકે આટલી સરસ જગ્યા હોવા છતાં પ્રવાસીઓની સંખ્યા અહીં ઓછી હોતાં રવિવાર સિવાય કશું મળવું મુશ્કેલ હોય છે


૩. સુરલભીટ : ભુજના એક છેડે આવેલું સુરલભીટ પણ તેની ઊંચાઈ અને જડેશ્વર મહાદેવના મંદિરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. દર શ્રાવણી સોમવારે સાંજે અહીં તળેટીમાં ખૂબ સુંદર મેળાનું આયોજન થાય છે. પણ ભક્તોની ભીડતો આખા શ્રાવણ મહિના દરમ્યાન, ખાસ કરીને વહેલી સવારે જામેલી હોય છે. અહીંની ટેકરી પરથી ઉગતા સૂર્યના દર્શનનો લાભ લેવો એક લહાવો છે. સુરેેખ પગથિયાં અને સમાંતર હેન્ડ રેલિંગ ચડાઈને એકદમ આસન બનાવે છે. કોઈપણ નોર્મલ ફિટ વ્યક્તિ અહીં ઉપર આસાનીથી જઇ શકે છે. 

૪. ખારી નદી : કહેવાય છે અમુક સમુક સમયે સ્મશાનની મુલાકાત અચૂક લેવી જેથી જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવે, ભૌતિક વસ્તુઓ પ્રત્યે વધુ પડતો લગાવ થયો હોય તો તેનાથી બચી શકાય, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય. પણ હિન્દુઓના સ્મશાન એવા ભુજની ખારી નદીની જો કોઈ પ્રવાસી કીડો મુલાકાત લે તો તેને આખી દુનિયા ફર્યા વિના મરવાનું જ નથી તેવો પોતાની સાથેનો વાયદો કરીને ત્યાંથી પાછો ફરે.

ભૂતનાથ મહાદેવના સાન્નિધ્યમાં અહીં મૃતાત્માના અંતિમ સંસ્કાર થાય છે તેથી તે ખારી નદી સ્મશાન તરીકે વધુ પ્રચલિત છે. પણ મંદિરથી થોડું જ નીચે ઉતરતાં નદીનો પટ શરૂ થાય છે. ના જાણે કેટલાય વર્ષોથી આ પટ કોરો જ છે.. હા ચોમાસામાં પાણી વહી નીકળે ખરા પણ નદી કહી શકાય તેવું નહીં. અહીં જે જોવાલાયક છે તે નદીનો પટ અને સમયની થપાટો સાથે બનેલા ખડકોની કુદરતી કોતરણી. લગભગ વર્ષો પહેલાં નીકળેલા લાવાના ઠંડા પડેલા પીળી ઝાંય ધરાવતા ખડકો જાણે આપણે સાદ આપી તેની પાસે બોલાવી રહ્યા હોય તેવું લાગે.. (અરે, સ્મશાન છે એટલે એવું લાગે છે એમ નહિ યાર..) સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણો સાથે ભળેલા ખડકોનો રંગ ક્યારેય ભુલાય નહિ. અમુક ખડકોમાંથી હજુ પાણી ઝરે છે જે ખૂબ આહલાદક લાગે છે.


૫. છતેડી : ભુજના હાર્દ સમા વિસ્તારમાં આવેલી છતેડી અચૂક જોવાલાયક છે. પ્રિવેડિંગ શૂટ કે ફોટોગ્રાફ માટે ભુજની એક આદર્શ જગ્યા છે. છતેડી શિલ્પ સાહિત્ય માટે પ્રખ્યાત છે. આ છતેડીને આપણે હમ દિલ દે ચુકે સનમ જેવી પિક્ચરમાં પણ જોઈ છે. છતેડી એટલે સ્થાનિક ભાષામાં છત્રી. અહીં રાજાશાહી લોકોના સ્મારકને છત આપવામાં આવી છે. અહીં વહેલી સવાર કે મોડી સાંજ વિતાવવી એક લ્હાવો બની શકે.


૬. રામકુંડ : છતેડીની ખૂબ નજીક આવેલું છે રામકુંડ. રામકુંડ એ લગભગ 300 વર્ષ જૂનો કુંડ છે જે કલાત્મક દ્રષ્ટિએ અદભુત છે. રામકુંડની ચારે બાજુ ગોખલાઓ બનાવેલા છે. અને તહેવારોના દિવસોમાં એ ગોખલાઓમાં દિવા કરવામાં આવે ત્યારે આ કુંડની શોભા બમણી થઈ જાય છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ કુંડની બનાવટ પણ ખૂબ સરસ છે. જેમને સૈકાઓ જૂની કોતરણીમાં રસ હોય તેમણે રામકુંડની મુલાકાત અચૂક લેવી જોઈએ.

૭. હમીરસર તળાવ : આ બ્લોગનો અંત દરેક ભુજવાસીઓના મનપસંદ સ્થળથી કરું. હમીરસર તળાવ એ ભુજનું એકદમ હૃદય કહી શકાય. બચ્ચાંથી માંડીને વૃદ્ધોને પોતાના કિનારે આનંદના હિલોળા લેવડાવતું હમીરસર ભુજનું એક માનવસર્જિત તળાવ છે. આશરે ૪૫૦ વર્ષ પહેલાં રાઓ હમીરજીએ આ તળાવ બનાવેલું જે ભુજના પીવાના પાણીની સમસ્યા દૂર કરે છે. આગળ કહ્યું તેમ અબાલ વૃદ્ધ સહુને આ જગ્યા પ્રિય છે. અને તેથી જ જ્યારે પણ આ તળાવ ઓગનાય (છલકાય) છે ત્યારે સમગ્ર ભુજમાં એક ઉત્સવનો માહોલ બની જાય છે, ઘર ઘર મેઘલાડુ ખવાય છે અને બાળકોને શાળામાંથી રજા પણ મળે છે. આ તળાવની આજુબાજુ ખેંગાર પાર્ક, રાજેન્દ્ર પાર્ક, દાદા દાદી પાર્ક, વોકિંગ ટ્રેક જેવી જગ્યાઓ આવેલી છે. ઉપરાંત સહુનો પ્રિય પેન્શનર ઓટલો તો ખરો જ. અહીં ઉનાળુ સાંજ ઢળ્યા બાદ જાણે મેળો ભરાતો હોય છે. કચ્છનો ઉનાળો આકરો, છતાં તેની ઉનાળુ સાંજ રમણીય હોય છે. તેથી હમીરસર કિનારે દરેક ઉનાળુ  સાંજે માનવ મહેરામણ ઉમટેલું જ હોય છે. કોઈ ફેમિલી, કોઈ ટીનેજર મિત્રોની ટોળકી કે કોઈ વડીલોનું ગ્રુપ એકબીજાની કંપનીમાં મસ્ત હોય છે. ભુજનો પ્રખ્યાત સાતમ આઠમનો મેળો પણ હમીરસર કિનારે જ ભરાય. 

આ બ્લોગને અહીં વિરામ આપીએ. તો ફરી જલ્દી જ મળીએ છીએ ભુજમાં જ.. 😊

Comments

  1. Very good description of tourist places of Bhuj. Surprisingly, I have not visited quite a few of them.

    ReplyDelete
    Replies
    1. Will visit all these places in ur next kutch visit mama. Pls do visit without any time limit

      Delete
  2. Was eagerly waiting for the blog on "પાંજો ભુજ"..,Today the waiting is over... મસ્ત વર્ણન...Looking forward for the part-2 👍

    ReplyDelete
  3. Aah bhuj... Wah bhuj.... Bhuj ni hova chhata ramkund baki...

    ReplyDelete
  4. બસ,હવે મુંબઇ મિશન 15/03/2019 ના પુરૂં થાય છે!
    પછી આપે સુચવેલા દરેક સ્થળ ની મુલાકાત માટે આયોજન કરવું જ છે!અને કચ્છ અને રાજસ્થાન માટે વિશેષ લગાવ એટલા માટે છે - ત્યાં વસતા લોકો ની વિષય પરિસ્થિતિ માં પણ ટકી રહેવાની જીજીવિષા!
    આભાર નિમિશભાઈ !

    ReplyDelete
    Replies
    1. ચોક્કસ આવો. કચ્છમાં તમને બહુ મજા આવશે એ નક્કી.

      Delete
  5. મોજ પડી ગઈ ભાઈ !!
    ભુજ માટે 2 બ્લોગ નહિ એક નાનકડું પુસ્તક લખવું પડે ભાઈ 👍🏻 ખુબજ સરસ

    ReplyDelete
    Replies
    1. વાહ.. એકદમ સાચી વાત કપિલ. ભુજ બે બ્લોગમાં ના સમાઈ શકે.

      Delete
  6. પ્રવર્ષ16 March 2019 at 19:16

    ખુબ જ સરસ ન્યાય આપ્યો છે.... ઉત્તમ શૈલી.

    ReplyDelete
  7. Ek important jova layak sthad bhulai gyu. Government engineering college:-)

    ReplyDelete
    Replies
    1. એ પર્સનલમાં લખીને મોકલાવું? ;)

      Delete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2

પોળોનું જંગલ, સાબરકાંઠા