પોળોનું જંગલ, સાબરકાંઠા
અમદાવાદથી માત્ર દોઢસો કિલોમીટરના અંતરે પોળોનું જંગલ આવેલું છે. પોળોનું જંગલ અત્યાર સુધી બહુ જાણીતું ન હતું. અરે, આપણી સાવ નજીક એક ખૂબ સરસ, નાનકડું વન આવેલું છે એ હજુ પણ ઘણાયને ખ્યાલ નહીં જ હોય. અહીં પહોંચતાં જ એવું લાગે કે જાણે આપણે પ્રકૃતિના ખોળે આવી પહોંચ્યા. અહીં પહોંચતાં પહેલાં જ ચાલુ થઈ જતાં ગામઠી રસ્તાઓ, તેમાં ચાલતા ગ્રામ્યવિસ્તારના આદિવાસી લોકો અને તેમની સાથે નિરાંત જીવે ચાલતાં ઢોર તમને અવશ્ય કોન્ક્રીટના જંગલમાંથી છૂટ્યા હોવાની અનુભૂતિ કરાવે.
હા, એક વાત ધ્યાનમાં રાખવી કે અહીં ઉનાળા દરમ્યાન જવાનું એવોઇડ કરવું. કેમકે ગરમી અહીં સારા એવા પ્રમાણમાં પડે છે. તેની નજીક જ આવેલા ઇડર કરતાં તો અહીં ઠંડક કહી શકાય, છતાં અરવલ્લીની પહાડી ઉનાળાના સમયમાં સારી એવી ગરમ થઇ જતી હોય જે ઉનાળામાં રાત્રીના સમયે પણ એ વિસ્તારને ઠંડુ થતાં અટકાવે છે (શિયાળામાં ઠંડી પણ સારી એવી હોય છે, ખાસ કરીને પોલો ફોરેસ્ટમાં. કેમકે તેની બંને બાજુ પહાડી આવેલી છે, અને વચ્ચે ગામ વસેલું છે). અહીં જવાની બેસ્ટ સિઝન ચોમાસું જ છે પણ શિયાળા દરમ્યાન પણ અહીં ચોક્કસ મજા આવે. અને, જો સારા મિત્રોનો સંગાથ મળે તો આ પ્રવાસ વધુ યાદગાર રહે છે.
રાજસ્થાની બોલીમાં 'પોળ' એટલે ગેટ. આ જગ્યા ગુજરાતથી રાજસ્થાનના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતી તેથી ત્યાં એક પ્રવેશદ્વાર બનેલ હતું જે પોળ તરીકે ઓળખાતું અને એ જ પરથી આ જગ્યાનું નામ પોળોના જંગલો તરીકે પ્રખ્યાત થયું. આ વિસ્તાર પોતાની અંદર છેક દસમી સદીનું ઈતિહાસ ધરબી બેઠું છે. અહીં ૩૫૦ જેટલી વિવિધ વનસ્પતિની જાતો, ૨૬૦ પ્રકારની અલભ્ય જડીબુટ્ટીઓ તેમજ શિયાળામાં વિશાળ સંખ્યામાં આવતાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે.
જો, માત્ર એક દિવસનો પ્લાન બનાવીને ગયા હોવ તો ઘરેથી અથવા રસ્તામાંથી કશુંક ભાથું બાંધીને જવું સારું કેમકે, અહીં કોઈ નામી હોટેલ મળશે નહીં. નાસ્તા જેવું કશુંક મળી શકે પરંતુ પ્રોપર લંચ કે ડિનર માટે બહુ નહિવત ઓપશન્સ છે.
જો તમે આ વિસ્તારથી ખૂબ દૂર રહેતા હોવ કે પછી તમને એકાંત ગમતું હોય હોય તો તમે ચોક્કસથી અહીં એક કે બે રાત્રીનું રોકાણ પણ કરી શકો છો. હા, કચ્છ જેવા છેવાડાથી થોડું દુર પડતું હોવાથી ઇડરમાં રાત્રી રોકાણ કરી બીજે દિવસે સવારે પોળો પહોંચી શકાય. ઇડરનો અનુભવ પણ અહીં તમારી સાથે શેર કરવાની મજા આવશે. અમને ઇડર પહોંચવામાં સારું એવું મોડું થયેલું. ત્યાં જે પહેલી દેખાઈ તેમાં હોટેલ 'મેનેજર'ને ઉઠાડીને રૂમ્સ બૂક કર્યા. (થાક અને સમય બંને એવા ના હતા કે રૂમ્સ જોઇને હોટેલ સિલેક્ટ કરીએ). રૂમ પર પહોંચીને જોયું ત્યારે રૂમની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. બે વ્યક્તિમાં પણ ભીડ કહેવાય તેવો રૂમ, જયારે ફાટી જાય ત્યારે જ બેડ પરની ચાદર બદલાવવી તેવો નિયમ રાખ્યો હોવાની પૂરી શક્યતા ધરાવતો બેડ, બોયઝ હોસ્ટેલના ઓશિકાને પણ સુગંધિત કહેવડાવે તેવા તકિયા, દરવાજો ખોલતાં જ બાથરૂમમાં અંદર કઈ રીતે જવું તેનું કરવું કરવું પડતું પ્લાનિંગ, બ્રશ બાદ કોગળા કરવાથી વોશ બેઝીનના પાઈપ કરતાં વધુ બહાર આવતું પાણી... વિગેરે જેવા અનેક 'અવિસ્મરણીય' અનુભવો રહ્યા એ હોટેલમાં. પણ જો સરસ મિત્રોનો સંગાથ હોય તો આ બધી અગવડ પણ મજાક મસ્તીના ઓઠા હેઠળ સગવડ બની રહે. ક્યારેક આવા અનુભવને કારણે જ પ્રવાસ વધુ યાદગાર રહી જાય છે.
પોળોના જંગલોમાં જોવા જેવા સ્થળો તો તમારા એક દિવસમાં જ જોવાઇ જશે, બાકીના દિવસમાં બધું ભૂલીને બસ 'સ્વ' સાથે કે સ્વજન સાથે સમય વિતાવશો તો ઘરે જશો ત્યારે એક વર્ષ સુધીના રિચાર્જ સાથે જશો તેની ગેરન્ટી.
અહીં રોકાણ માટે પોળો રિસોર્ટ નામની પ્રાઇવેટ હોટેલ છે જેમાં ટેન્ટ તેમ જ નોર્મલ રુમ્સ બન્નેની વ્યવસ્થા છે, જો કે બન્ને એકબીજાથી અમુક અંતરે છે. એક વાત અહીં યાદ રાખવી કે જો થોડી પણ ગરમી શરૂ થઈ હોય તેવી સીઝનમાં તમે જતા હોવ તો ટેન્ટ કરતાં નોર્મલ રુમ્સની પસંદગી કરવી. નાનું બાળક સાથે હોય તો પણ ટેન્ટ કરતાં રૂમ વધુ સગવડદાયક રહેશે. અમે ટેન્ટમાં રહ્યા હતા જેનો એકંદરે અનુભવ સારો રહ્યો હતો.
નોર્મલ હોટેલની જેમ જ અહીં ઓનલાઈન બુકીંગ પહેલેથી થઈ શકે છે, છતાં એ બુક કર્યા બાદ સાઇટ પર આપેલા નમ્બર પર કનફર્મ ચોક્કસ કરી લેવું કેમકે ટેન્ટ્સ ઓછા હોવાથી અને વિકેન્ડમાં ભીડ વધુ હોવાથી ક્યારેક તમે ત્યાં પહોંચો છતાં રૂમ વેકેન્ટ ના થયા હોવ તેવું બને. અહીં સ્વિમિંગ પુલ સાથે કેમ્પ ફાયર અને કેરમ જેવી ઇન્ડોર ગેમ્સ માટેની વ્યવસ્થા પણ છે. અને હોટલનું બ્રેકફાસ્ટ, લંચ પણ સારું છે. આ સિવાય કદાચ પ્રાઇવેટ હોટેલ અહીં કોઈ નથી. હા, ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ છે ખરું.
ચાલો, તો આટલી માહિતી પીરસ્યા પછી હવે અહીંના સ્થળોની વાત. પહેલાં તો અમારી ફેવરિટ તેવી ટ્રેકિંગ એક્ટિવિટીની વાત કરીએ. અહીં જંગલોમાંથી જ નાની નાની ટેકરીઓની ચડાઈ કરીને અડધા કલાકથી ત્રણ કલાક સુધીનું ટ્રેકિંગ કરી શકાય છે. અહીં એ યાદ રાખવું કે પોળોના જંગલોમાં લોકલ ગાઈડ્સ આખા દિવસ માટે સસ્તામાં મળી રહે છે (જો કહીએ તો હોટેલવાળા જ ગાઈડ એરેન્જ કરી આપે અથવા કોઈ સ્થળ પરથી પણ ગાઈડ કરી શકીએ). તેને આખો દિવસ જો સાથે ના રાખવો હોય (અમે રેકમેન્ડ કરીએ કે બધાય સ્થળો માટે ગાઈડ રાખવો) તો પણ ટ્રેકિંગ માટે ખાસ રાખશો.
તમને ઉપર જઈને રિટર્ન આવવાનો રસ્તો મળે કે ના મળે એ વિચારીને નથી કહેતા, પણ ગાઈડ સાથે આવે ત્યારે આખા ટ્રેકિંગ દરમ્યાન વચ્ચે આવતાં કેટલાય વૃક્ષોની જાણકારી એ તમને આપશે. અને એ સિવાય પણ આ જગ્યા વિશેની ઘણી બાબતો તમે તેની પાસેથી આ ટ્રેકિંગ દરમ્યાન જાણી શકો છો.(મોટા ભાગના ગાઈડ્સ અહીં લોકલ વસતા આદિવાસીઓ પૈકી છે તેથી અહીંની સંસ્કૃતિ વિશે, તેમની જીવનશૈલી વિશે પણ અવનવી બાબતો જાણી શકશો). અમારા અનુભવ પરથી કહીએ તો તમારામાં જિજ્ઞાસા હોય તો એ સ્થળ વિશેના તમારા બધાય પ્રશ્નોના જવાબ એ જરા પણ ચિડાયા વિના આપશે. ટ્રેકિંગમાં પર્વત, વૃક્ષો અને ઝરણાં (પાણી ના હોય તો પણ ખુબ સુંદર નદીનો પટ)નું ત્રિવેણીસંગમ તમને અદ્ભુત અનુભવ આપશે. ઝરણાં કે નદીનો પટ તો ફોટોગ્રાફીના શોખીનો માટે જાણે સ્વર્ગ છે. તો ત્યાં જઈને ગાઈડ સાથેની ટ્રેકિંગ ચોક્કસ કરશો જ. હા, ટ્રેકિંગ નામ સાંભળીને જેમને ગભરામણ થતી હોય એમને જરાય ગભરાયા વિના ટ્રેકિંગ પર જવું, અહીંની પહાડી પર નોર્મલ ટ્રેક જ છે. નોર્મલ ફીટ વ્યક્તિ આરામથી ટ્રેકિંગ કરી શકે છે.
ટ્રેકિંગ સિવાયની જો બીજી ખુબ સરસ જગ્યા હોય તો અહીંનો ડેમ. હરણાવ નદીના પાણીથી ભરપુર વણજ ડેમ ખુબ વિશાળ છે. આ આખી જગ્યા જંગલ વિસ્તારમાં આવેલી હોવાથી ડેમમાં અંધકાર પછી જવાની પરમીશન નથી. અમને જો કે ત્યાં પહોંચવામાં ખાસ્સું મોડું થયું હતું અને અંધારું પણ ઉતરી આવેલ હતું તેથી અમે અવઢવમાં હતાં કે જવું કે નહિ. સદનસીબે અમે જવાનું નક્કી કર્યું અને વધારે સારા નસીબે ત્યાં કોઈએ અમને રોક્યા નહીં અને એ ડેમ પર વિતાવેલી માત્ર પંદર મિનીટ અમારા સહુ માટે અવિસ્મરણીય બની રહી. ઘોર અંધકાર, વૃક્ષોમાંથી આવતો તમરાં અને ક્યારેક બીજા વિચિત્ર અવાજો (પાછું સવારે જ ગાઈડ પાસેથી સાંભળ્યું હોય કે આ જંગલમાં દીપડા અને રીંછ પણ સારા એવા પ્રમાણમાં આવેલા છે ;) ), પાંદડાઓ પર થતો સળવળાટ, વિશાળ જળરાશી અને તેમાં ઝીલાતું ચંદ્ર અને તારાઓનું પ્રતિબિંબ. અદ્ભુત દ્રશ્ય હતું એ. જાણે એ રાત ત્યાં જ વિતાવીએ. (પણ મનમાં રહેલો ડર અમને હોટેલ તરફ પાછો જ લઇ ગયો) હા, મારા જેવા ફોટોગ્રાફીના શોખીન માટે આ મુલાકાતની એકમાત્ર નેગેટીવ વાત કહી શકાય કે ઘોર અંધકારને કારણે એકેય ફોટા અહીં શેર કરવા જેવા ના આવ્યા.
છેક પંદરમી સદીમાં બનેલા (અને હાલ ખંડિત રહેલા) લાખેણાના જૈન દેરા અચૂક જોવા. અહીના નકશીકામ, શિલ્પ કલાકારી, સ્તંભ વિગેરે તમને મંત્રમુગ્ધ કરશે. આ દેરાની અંદર જેટલી મજા આવશે તેથી વિશેષ મજા તમને અહીંના પ્રાંગણમાં આવશે. વિશાળ વૃક્ષો અને તેની ઉપરથી પડતાં પાંદડાનો અવાજ, વૃક્ષોએ આશરો આપેલા કરોળિયાના વિશાળ જાળાં, આખા વૃક્ષમાં રહેલા ખવાઈ ગયેલા પાનની પણ સુંદરતા તમને એક અલગ જ ભાવવિશ્વમાં લઇ જાય છે.
શરણેશ્વર મહાદેવનું મંદિર અહીં આવેલું એકમાત્ર મંદિર છે જેમાં દિવસ અને સાંજ બન્ને સમયે પૂજા કરવામાં આવે છે. આ મંદિર પણ પંદરમી સદીનું બનેલું કહેવાય છે. અમે જયારે અહીંની મુલાકાત લીધી ત્યારે ડ્રોન દ્વારા અહીં એક કપલનું પ્રિ-વેડિંગ શૂટ કરવામાં આવતું હતું. બાદમાં જાણતા ખબર પડી કે ઓછા બજેટમાં પ્રિ વેડિંગ શૂટ કરવા માટેનું આ બેસ્ટ સ્થળ છે. પાછું અમુક રિસોર્ટસમાં કે પ્રાઇવેટ જગ્યાઓમાં શુટિંગ માટે લેવામાં આવતાં તોતિંગ ચાર્જમાંથી પણ બચી શકાય છે. હા, અમારા ખ્યાલથી રેવા મુવીનું શૂટિંગ પણ પોળોના આજુબાજુના વિસ્તારોમાં જ થયું છે.
જૈન મંદિરમાં જવા માટેના રસ્તામાં જ ખુબ સુંદર હરણાવ નદીનું પાણી પસાર થાય છે. એકદમ ચોખ્ખું પાણી તમને તેની અંદર ધુબાકા મારવા પ્રેરે છે. એકદમ સ્વચ્છ પાણી તેની અંદર રહેલા લીસા નદીના પથ્થરો અને અમુક જગ્યાએ નદીના પટમાં ઉગી નીકળેલા વૃક્ષો તમને મોહી લેશે.
આટલી જગ્યા જાણે ઓછી હોય તેમ હજુ એક ખુબ સુંદર જગ્યાની મુલાકાત અચૂક લેવી અને બોટની ભણતા વિદ્યાર્થીઓ માટે આ જગ્યા સ્વર્ગ જ કહેવાય. વિજયનગરમાં આવેલું વિજયનગર બોટનિકલ ગાર્ડનમાં બસોથી વધુ ઔષધીય પ્લાન્ટ્સ છે. અરે, અમુક પ્લાન્ટ્સ તો લુપ્ત થવાની અણી પર છે તેનું ખાસ સંવર્ધન કરીને તેને વધારવાનો પ્રયાસ પણ અહી કરાય છે. અહીં નોકરી કરી રહેલા લોકો પણ સરસ, સરળ છે. ત્યાંના વૃક્ષોની સંભાળ રાખતા કાકાએ અમને એક એક પ્લાન્ટ વિષે ખુબ ડીટેઇલમાં નાનામાં નાની જાણકારી આપી. આ મોટા બોટનીકલ ગાર્ડનને જોવા માટે ઓછામાં ઓછા ત્રણ કલાક આપવા જોઈએ. અહીં ખુબ બધા વિદ્યાર્થીઓ અભ્યાસના હેતુથી આવે છે.
હા, વિદ્યાર્થીઓ પરથી યાદ આવ્યું, અહીંના આસપાસના આદિવાસી બાળકો માટે સરકારે ખુબ સરસ પ્રાથમિક શાળા પણ બનાવેલ છે. જેની અનાયાસે જ અમને મુલાકાત લેવાનો મોકો મળ્યો હતો. વેકેશન હોવા છતાં અહીં ઘણા છોકરાઓ હતાં જે અહીં જ રહેતાં હતા. ખુબ સુંદર વાતાવરણ હતું શાળાનું અને નાના ભૂલકાઓને પોતાનું કામ જાતે કરતાં જોઈ થોડી શરમ પણ આવી. પાયાની બધી સગવડ ધરાવતી આ શાળામાં હજુ બાળકોના રહેવાના રૂમ્સ વધુ સારા બની શકે કે એટલીસ્ટ સુવા માટે સારા બેડ મડી શકે તો ખુબ સારું એ વિચાર જરૂર આવ્યો.
હા, છેલ્લે અમને જેમાં મજા આવી હતી અને રેકમેન્ડ પણ કરીએ એવું ત્યાંનું મ્યુઝિયમ પણ જોવા જેવું છે. મ્યુઝિયમમાં ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના વૃક્ષો, પ્રજાતિઓ, પ્રાણીઓ વિશે ખૂબ ડિટેઇલ્સમાં જાણકારી આપેલી છે. બાળકોને પણ મજા આવે એ માટે ત્યાં એ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણી, પક્ષીઓના અદ્દલ અવાજ કાઢતું એક મીની મોડેલ પણ બનાવેલું છે. જેમાં, પક્ષીઓના અવાજ સાંભળવાની બાળકો સાથે મોટા લોકોને પણ મોજ પડે છે.
આ સિવાય પણ ઘણી નાની જગ્યાઓ અહીં આવેલી છે જે જોવામાં આવે તો દરેક જગ્યાએ કશુંક નવું જાણવા ચોક્કસ મળે. આશા રાખીએ પોળોના જંગલોની તમારો પ્રવાસ અમારા પ્રવાસ જેવો જ યાદગાર રહે.
Nimish bhaI.. very informative.. simple but effective writing..keep writing
ReplyDeleteવાહ... આજે જ મુલાકાત લેવાનું મન થઈ જાય એવી જગ્યા છે ...
ReplyDeleteખૂબ આભાર..
Deletewah very nice tour article
ReplyDeletewah very nice tour article
ReplyDeleteThank u :)
Deleteયાર નિમીશ, સચોટ, મુદ્દાસર અને ઊંડાણપૂર્વક નું વર્ણન....જવાનું મન થાય એવું...તારી સલાહ મુજબ ચોમાસામાં મુલાકાત ગોઠવીએ....
ReplyDeleteપરાગ, ખૂબ આભાર ડિયર. ચોક્કસ જજે. કહું મજા આવશે તેની ગેરન્ટી. અને રિટર્ન આવ્યા બાદ આ બ્લોગ કોઈ રીતે હેલ્પ થઈ શક્યો હોય તો લખજો અહીં અને વળી કશું નવું ડેવલપમેન્ટ હોય તો પણ કહેજે
DeleteA wonderful time indeed
ReplyDeleteIndeed
Deleteવાહ,ખૂબ સરસ મજેદાર લેખ.
ReplyDeleteખૂબ આભાર દોસ્ત
Deleteexcellent!!
ReplyDeleteThank u very much :)
DeleteSuper Nimishbhai
ReplyDeletethanks a lot Pranali
DeleteAs we wr there to accompany you, i must say one must visit this place with friends and in monsoon season. If we wld hv visited polo in monsoon one thing u cld hv added - waterfalls.... I can still re-live tht beautidfull evening which u have mentioned. One thing to add - tht swimming pool of the resort, full of frogs... Enjoyed tht too :) one of the most memorable and refreshing trip ever
ReplyDeleteOh yes frogs.. :) i totally forgot. Really it was very refreshing trip. Thanks a lot bhabhi
Deletesachi vat ame pan joyu
ReplyDelete