ઊટી-કુન્નુર, તમિલનાડુ.

મિત્રો, સહુને કન્ટેન્ટ પસંદ આવે છે અને ખાસ તો ઉપયોગી થાય છે એ જાણીને આગળ લખવાનું પ્રોત્સાહન મળે છે. અને સાથે થોડી જવાબદારી પણ વધે છે. અમારી કોશિશ એવી હોય છે કે અહીંથી તેવી જ માહિતી પીરસીએ જે મિત્રોને ગૂગલ પર સરળ રીતે અવેલેબલ ના હોય, જે અનુભવ અમે ત્યાં કર્યા હોય તેની વાત વધુ અને માત્ર જાણકારી ઓછી હોય. હા, એ સિવાય પણ કશું જાણવું હોય તો ચોક્કસ કોમેન્ટમાં પૂછી જ શકો છો. 

તો ચાલો આજે તમને અમારા ઊટી અને કુન્નુરના અનુભવો જણાવીએ. પહેલા તો ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય કે યાર સાઉથ પ્રત્યે કેમ આટલા મહેરબાન છો? જ્યાં જોઈએ ત્યાં હરિયાળી અને ઝરણાં, પર્વતો અને દરિયા.. કેટલીય વિવિધતા. જો કે, સારું છે તે દૂર છે. આપણે ત્યાં ફરવા જઈએ તો તેની કિંમત વધુ સમજાય.. કહે છે ને ઘર કી મુર્ગી દાલ બરાબર. એમ કદાચ એ બધું આપણે અહીં જ મળ્યું હોત તો આજે સાઉથના દ્રશ્યોની આટલી કિંમત ના હોત..

એની વે, આજે જેની વાત કરવાની છે એ તમિલનાડુનું ખૂબ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તમે જો મૈસુર બાજુ (કર્ણાટક) જતા હોવ તો અહીં ચોક્કસ જવું જોઈએ. (કર્ણાટક, કેરળ, તમિલનાડુ બધા રાજ્યો નજીકમાં આવેલા છે. તમે ગુજરાતના વિસ્તારની દ્રષ્ટિએ અનુમાન ના લગાવશો). આ હિલ સ્ટેશન પર પહોંચવા માટેનો (જો મૈસુરથી જતાં હોઈએ તો) રસ્તો જ પહેલા તો મનોહર છે. મૈસુરથી ઊટી માત્ર ત્રણ કલાકની ડ્રાઇવ છે જે મુદુમલાઈ નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. અહીંથી પસાર થવાનો અનુભવ ખૂબ અનોખો છે. કેમકે, હાથી, હરણાં કે વાંદરા જેવા પ્રાણીઓ એકદમ સરળતાથી રોડની સાવ બાજુમાં ઝુંડમાં મળી આવે છે. હાથી મહારાજની તો વાત જ શું કરવી એય ને પોતાની અલમસ્ત ચાલમાં પોતાની દુનિયામાં ખોવાયેલ ફકીરની જેમ ચાલ્યા જાય. જાણે દુનિયાની કોઈ પરવાહ જ નહીં. એવી જ રીતે ખાસ્સા મોટા ઝુંડમાં ડોટેડ ડિયર પણ જોવા મળે જે આરામથી ઘાસની લિજ્જત માણતા હોય.








આ નેશનલ પાર્ક સાંજે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી પબ્લિક વિહિકલ્સ માટે બંધ હોય છે. (વાહનોની ઓવર સ્પીડને કારણે અહીં થતા ખૂબ બધા એક્સિડન્ટ્સ નિવારવા માટેનું પગલું છે. અહીં, યાદ રહે કે આપણે પ્રાણીઓના વિસ્તારમાં છીએ તેઓ આપણા વિસ્તારમાં નહીં.) જો કે, નેશનલ પાર્કની અંદર જ રિસોર્ટસ આવેલા છે ખરા. અહીં સરકાર દ્વારા સફારી(નાની ગાડી) ચાલે છે, જે થોડે અંદર સુધી કાચે રસ્તે લઇ જાય છે. જેનો સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૫ નો જ હોય છે. આ સમય સિવાય પણ અહી પ્રાઇવેટ સફારી ચાલે છે. જો કે, આ રસ્તામાં જ આસાનીથી પ્રાણીઓ જોવા મળતાં હોવાથી સફારી ના કરીએ તો પણ ચાલે તેવું છે.




નેશનલ પાર્ક પસાર કરી આગળ વધીએ એટલે ઊટી તરફના રસ્તામાં નીલગીરી હિલ આવે છે. અહીં ટેકરી પર ખુબ ઊંચા નીલગીરીના વૃક્ષો આવેલ છે. આમ, ઊટી તરફનો પ્રવાસ નીલગીરીની સુગંધ અને ભરપુર ઓક્સીજન સાથે આગળ વધે છે.



ગુજરાતી તરીકે આગળ વધતાં પહેલા ફૂડની વાત કરી લઈએ. આમ તો આખા સાઉથમાં જે ફેમસ છે તે આર્યાસ(Aaryas) રેસ્ટોરન્ટની બ્રાંચ ઊટીમાં પણ આવેલી છે જે ઓથેન્ટિક સાઉથ ઇન્ડીયન ફૂડ માટે ખરેખર સરસ છે. આ જગ્યાને પસંદ કરવાનું એક હાઇજીન અને ટેસ્ટ સિવાયનું એક બીજું કારણ તેની સર્વિસ પણ છે. ગામમાં આવેલી બીજી હોટેલ્સ ટ્રાય કરેલી જેઓને ઓર્ડર આપવાના અડધા કલાક પછી પણ ટેબલ પર ડીનર પહોંચ્યું નહોતું. પેટ પૂજાની વાત થઇ ગઈ એટલે હવે આગળ વધીએ.


તો જ્યાં પહોંચવાનો રસ્તો જ આટલો સુંદર હોય તો સ્થળ કેટલું સુંદર હશે. એ પરિકલ્પના સાથે જ આપણે ઊટી પહોંચીએ અને રસ્તામાં આવતા સિનિક પોઇન્ટ્સ જ આપણી આશા પર મહોર મારી આપે. કેટલીય ફિલ્મોના શૂટિંગમાં આવેલ શૂટિંગ પોઇન્ટ હોય કે પાયકારા લેઈક હોય, તેને જોતાં જ તેના પ્રેમમાં પડી જવાય તેવું મોહક. હા, પોઇન્ટ્સ વિશે ખાસ ડિટેઇલ્સ નહિ લખીએ પણ જે પોઇન્ટ્સ મસ્ટ વિઝીટ છે અને તેમાં અચૂક કરવાની એક્ટિવિટી જણાવીશ. તો ધૂમમ્સ આચ્છાદિત પાયકારા લેઈકમાં બોટિંગ કરવાનું કોઈ હિસાબે ના ચૂકશો, આજુબાજુ પર્વતમાળા અને વચ્ચે ધુમ્મસ આચ્છાદિત આ લેઈકમાં અચૂક બોટિંગ કરવી. (અહીં જો માત્ર બે જ જણા ગયા હોવ તો બોટિંગ  મોંઘુ પડી શકે, કેમકે બોટિંગ ચાર્જ બોટ દીઠ ફિક્સ છે અને બે વ્યક્તિ માટેની બોટના ચાર્જીસ ખૂબ વધુ છે. છતાં જો બે જ લોકો ગયા હોવ તો એક બીજો ઉપાય છે કે લાઈનમાં ઉભેલા અથવા આવી રહેલા બીજા કપલને પુછા કરી શેરિંગ બોટ કરી ભાડું અડધું કરી શકાય..)



નિલગીરીના વૃક્ષો અને તેની વચ્ચેથી પસાર થતો રસ્તો તમને ફાઇનલી ઊટી પહોંચાડે ત્યારે પ્રવાસનો થાક જરા પણ ના વર્તાય. હોટેલમાં ચેક ઇન કરીએ એટલે ખ્યાલ આવે કે અલ્યા, આ હોટેલમાં પંખા તો છે જ નહીં.. અને બપોર ઢળતા જ મારા જેવા લોકો જે પંખા ના હોવા બાબતે બૂમ પાડતા હોય તે રજાઈ શોધવા નીકળી પડતા હોય છે. યસ, ત્યાં બારેમાસ એટલું ઠંડુ વાતાવરણ રહે છે કે હોટેલમાં પંખાની પણ જરૂરત રહેતી નથી. સાઉથના દરેક સ્થળોએ જોવા મળતી સફાઈ અચૂક ઉડીને આંખે વળગે પણ ઊટીને એ બાબતે અપવાદ ઘણી શકાય. અહીં બીજા હિલ સ્ટેશન્સના પ્રમાણમાં સફાઈનું પ્રમાણ થોડું ઓછું છે. સાથે અમારા જેવા ચાય ના શોખીનોએ પણ થોડું નિરાશ થવું પડે. વધુ પડતું કોફીનું ચલણ હોવાથી અહીં ચાય સરસ મળતી નથી.

ખાસ જોવાના સ્થળો વિશે લખીએ એ પહેલાં એ પણ જણાવી દઈએ કે ત્યાં પૂછતાં અને અનુભવે પણ એવું જાણ્યું કે ઊટી કરતાં કુન્નુરની હોટેલમાં રહેઠાણ સસ્તું પડે છે. અને ત્યાંની ચોખ્ખાઈ પણ ઊટી કરતાં વધુ લાગી.

ઊટી-કુન્નુરના ઘણા પોઇન્ટ્સ છે જેમકે, પાયકારા લેઈક, વોટર ફોલ, શૂટિંગ પોઇન્ટ, બોટનીકલ ગાર્ડન, ડોલ્ફીન નોઝ, વિગેરે. આ બધા પોઇન્ટ્સ ચોક્કસ જોવા જેવા પણ જે અચૂક જોવા જેવા છે તેની હવે વાત કરીએ.

આગળ વાત કરી એ ઊટી લેઈકમાં બોટિંગ તો ખાસ કરવી જ, એ સિવાયનું એક મસ્ટ વિઝીટ પ્લેસ એટલે નીલગીરી પર્વતમાળાનો સહુથી ઊંચો પોઇન્ટ ડોડાબેટા પિક. તમિલનાડુના હાઈએસ્ટ પોઇન્ટ પર સુસવાટા મારતો પવન, બાથમાં લેવા મથતા વાદળો, કોફીની સુવાસ અને ફેરિયાઓ પાસેના ગરમ કઠોળની વરાળ તમારું ભવ્ય સ્વાગત કરે. આમ જોઈએ તો એ પિક પોઇન્ટ સિવાય કશું નથી.. છતાં અહીં તમારી હાજરી હોવી એ જ તમને અંદરથી રોમાંચિત કરે છે. એક સમય પછી તો પગથીયે પગથીયે ઠંડી વધતી હોય તેવો અનુભવ થાય. તેથી, આ અચૂક જઈને અનુભવવાની જગ્યા બની રહે છે.



બીજી એવી જગ્યા છે લેમ્બ'સ રોક.. આ જગ્યા તો બીજા હિલ સ્ટેશન પર જોવા મળતાં પોઈન્ટ જેવી જ છે. પણ આ જગ્યાએ પહોંચવા માટેનો દોઢ બે કીમી લાંબી પગદંડી આ પોઈન્ટને મસ્ટ વિઝીટ પોઈન્ટ બનાવે છે. વર્ષો જુના ઊંચા વૃક્ષો, તેમના થડ, તેમના કેટલાય મીટર સુધી ફેલાયેલા મુળિયા, સુકાયેલા પર્ણ પણ ચાલવાથી થતો પગરવ અને સાથે તમરાંનો આવાજ આ સ્થળ સુધી પહોંચવા રોમાંચ જગાવે છે. અહીં જંગલી ભેંસોનો(ત્યાંની ભાષામાં ગૌરનો) પણ સામનો થઇ શકે છે એટલે જરા સાવધાની રાખવી.



કુન્નુરમાં બીજું ખાસ જોવા જેવું છે સિમ્સ પાર્ક. ખૂબ વિશાળ આ પાર્કમાં કેટલીય જાતના ફૂલો, વૃક્ષો આવેલા છે. કેટલાક તો ખૂબ વર્ષો જુના વૃક્ષો પણ છે. અને ખુશીની વાત તો એ કે આખા પાર્કની જાળવણી ખૂબ સરસ રીતે થઈ રહી છે. મધ્યમાં આવેલું પોન્ડ પણ બાગને વધુ સુંદરતા બક્ષે છે.

અને ઊટી-કુન્નુર ગયા હોઈએ એટલે છેલ્લે છૈયા છૈયા કર્યા વિના નહીં જ આવવાનું.. યસ, આ ખૂબ પ્રખ્યાત ગીતનું શૂટિંગ જ્યાં થયેલું છે, એમ કહીએ કે જેની ઉપર થયેલું છે તે નીલગીરી મોન્ટેઇન ટ્રેઈન (ટોય ટ્રેઈન)ની જર્ની અચૂક કરવી. ઊટી-કુન્નુર-ઊટી બંને સાઈડની કે માત્ર કોઈ એક સાઈડની મુસાફરી પણ તમે લઈ શકો. હા, સિઝન દરમ્યાન પ્રવાસીઓનો ધસારો સારો એવો હોય એટલે સમયસર લાઈનમાં લાગી જવું હિતાવહ છે. પણ એકવાર ટીકીટ મળી ગયા પછી લાઈનમાં ઊભીને કરેલી મહેનત તમને ચોક્કસ વસુલ લાગશે. નાની મોટી ટેકરીઓ, વચ્ચે આવતા નિલગીરીના ઉત્તન્ક વૃક્ષો,પહાડોમાંથી બનાવેલી ટનલો, વચ્ચે આવતાં નાના ગામડાઓ અને દૂર દૂર સુધી ફેલાયેલા ટી ગાર્ડન્સનો નજારો તમારા આખા પ્રવાસને અવર્ણનીય બનાવશે.


આ વિસ્તારમાં અંગ્રેજોએ એ સમયે બનાવેલી ટ્રેઈન માટે ખરેખર તેમને સલામી આપવાનું મન થાય. પૂરા ૪૫ વર્ષ બાદ આ રૂટની ટ્રેઈનનું કામ પૂરું થયું અને ૨૦૦૫માં જ તેણે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી. જો કે રૂટ પર અમુક જગ્યાએ આવતાં નાના ગામડાઓમાં સાથે સાથે ચાલતું ગંદા પાણીનું નાળું અવશ્ય આંખમાં ખુંચે છે. (એક આડવાત, આમ તો આપણે ટીકીટની કે રેટની ચર્ચા બ્લોગમાં કરતાં નથી કારણકે એ તો સમયાન્તરે બદલતાં હોય પણ અહીં ઉદાહરણ આપવા માટે લખવું જરૂરી છે કે ૨૦૧૬ મુજબ ટ્રેઇનના ફર્સ્ટ ક્લાસનો દર ૧૦૦ રૂપિયા હતા જયારે નોર્મલ ડબ્બાનો માત્ર દસ રૂપિયા.. આટલા બધા તફાવત પછી પણ અમે સલાહ આપીશું કે તમે આ અનુભવ લેવા ફર્સ્ટ ક્લાસની ટીકીટ લો.. માત્ર ૧૬ જ સીટ હોય છે ફર્સ્ટ ક્લાસની એટલે જો તમે નસીબદાર હોવ તો જ તમને મળી શકે પણ અહી બેસવાનો ફાયદો એ છે કે આગળ એક ગાર્ડ હોય એ સિવાય કશું જ હોતું નથી એટલે આખો વ્યુ તમે કેપ્ચર કરી શકો છો).



તો, હવે જ્યારે પણ સાઉથ ઇન્ડિયાની મુલાકાત લેવાનું વિચારો તો ઊટી કુન્નુરને અચૂક તમારા લિસ્ટમાં મુકજો.

Comments

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2

પોળોનું જંગલ, સાબરકાંઠા