શ્રધ્ધાના રસ્તે - 2

 

બદતમીઝ દિલ....”

       “યે જવાની હૈ દિવાની” મારી ખાસ ગમતી ફિલ્મોમાંની એક એવી આ મુવી સાથે એક સ્પેશીયલ મેમરી સંકળાયલી છે. મારો દીકરો નાનો હતો ત્યારે ટીવી પર પોગો ચેનલ અને પોગો પર છોટા ભીમ જોતો હોય. જલજ માટે ટીવી એટલે એનીમેશન ચેનલ્સ અને ફિલ્મ એટલે એની જ ફિલ્મો. એક દિવસ ઘેર મહેમાન આવ્યા અને મુવી જોવા જવાનું નક્કી થયું.

       બાળક નાનું હોય, સાથે નોકરી અને પરિવારમાં ઘેરાયલો એ સમય એવો હતો, કે જેમ મેટ્રો સિટીમાં ઝળહળતી લાઈટો વચ્ચે તારાઓના દર્શન કર્યે અરસો થઈ ગયો હોય; તેમ મને પણ બાળક, ઘર, પરિવાર સિવાય કશું જોયે, વિચાર્યે અરસો થઇ ગયો હતો. હા, તો આપણે મુવી જોવા પહેલાં રીવ્યુ જોઈ શકાય એવો ઓપ્શન જ વિસરી ગયેલા. ફિલ્મ કઈ લાગેલી છે એ પણ ખાસ ખબર નહીં. ત્રણેક વર્ષના જલજને કઝીન્સ સાથે બહાર જવાનું એક્સાઈટમેન્ટ હતું એટલે ભાઈ તો તૈયાર થઇ ગયા હતા. તો રંગે-ચંગે સંઘ ફિલ્મ જોવા પહોંચ્યો ત્યાં ફિલ્મ હતી રાઉડી રાઠોડ. શરૂઆતમાં થોડી કોમેડી ચાલી અને બચ્ચાઓનું ફેવરીટ ચિંટા ટા ચીંટા.... આવ્યું ત્યાં સુધી તો ટકી આવ્યા પણ પછી જે રાઠોડજી રાઉડી બન્યા અને દે ધના ધન ચાલુ થયું; પડદા પર બુમાબુમ અને ફાઈટ અને લોહિયાળ ચહેરા જોઇને મારું ત્રણ વરસીયું એવું તો ભડક્યું કે એ અધુરી મુકેલી ફિલ્મ પછી બીજી કોઈ ફિલ્મ જ જોવા પર ઘરમાં સેન્સર લગાડી દીધું. ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી સૌએ “ફિલ્મ ઉપવાસ” પાળેલો.



       તે પછી એક દિવસ તહેવારની રાત આવી. નોકરિયાતો માટે ‘સેટરડે નાઈટ’ એ તહેવારની રાત કહેવાય. એ અરસામાં મારું રાઉડી રાઠોડ જોતી વખતે ત્રણ વર્ષનું રહેલ એવું બચ્ચું જૂની ફિલ્મોના હીરોઝની માફક ફટાફટ મોટું થઈ ને છ સાત વર્ષે પહોંચી ગયેલું. હા તો એ શનિવારે હું અને જલજ ઘેર એકલા હતા. પતિદેવની નાઈટ શિફ્ટ હતી. કોઇ ક્ષણ એવી હોય કે જ્યારે આપણી અને સામે વાળી વ્યક્તિ એ બન્નેની બારી ખુલ્લી હોય. એ દિવસે એ બારી એવી તે ખૂલી કે હવે વાસી વસાતી નથી. હા હા હા. તો એ દિવસે મેં તેને કહ્યું કે ફિલ્મો જોવાની તો મજા આવે, તું ટ્રાય કરી જો, નહીં ગમે તો બંધ કરી દઇશું.

       હજુ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમનો જમાનો ક્યાંય દૂર સુધી ભળાતો નહોતો, લેપટોપ પર ડાઉનલોડેડ ફિલ્મોનું કલેક્શન કરવામાં આવતું. જેના પાસે વધુ સારી ફિલ્મો હોય તેમનો છાકો પડતો. તો તે દિવસે ફિલ્મી-ફોલ્ડર ખોલીને ફીલ ગુડ પીસ પર નજર મારી. અગાઉ કહ્યું તેમ અમો સમાજની મુખ્ય ધારા અલિપ્ત થયેલ હોઈ સરસ મજાનું પોસ્ટર જોઈ યે જવાની હૈ દિવાની પર પસંદગી ઉતારી. અને એ ફિલ્મે બધા બેરિયર તોડી નાખ્યા. આજની તારીખે એ મારા મનમાં વસી ગયેલી ફિલ્મોમાંની એક છે. એ દિવસે મારા બચ્ચાનો ફિલ્મ-ફોબિયા પણ બાય કહીને જતો રહ્યો. એ મહાન ફિલ્મની મારી કહાની તો ફક્ત મૂળ વાતની લિંક છે. મુખ્ય વાત તો છે ફિલ્મના બધા જ મસ્ત ગીતો પૈકીનાં અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત  બદ તમીઝ દિલ...ની.

ના ના ક્રિટિક સાથે મને લાગે કે વળગે નહીં પણ એ ગીતની લિરિક્સને મારી છેક અંદર સુધી કૈંક લાગે વળગે છે. હું જ્યારે શ્રધ્ધાના રસ્તે ચાલી પડું ત્યારે આ બદ તમીઝ દિલ જરૂર વાંકું પાડે.

ઇસ પે ભૂત કોઈ ચડા હૈ, ઠહેરના જાને ના...

ભૂતો ના ભૂતો છે અહીં તો... ભૂત ઉતરે ને પલિત જાગે. એક દિવસ એ લાલચમાં જાય, વધુ ઇન્કમ, વધુ સગવડ, વધુ ખ્યાતિ; બીજા દિવસે ભય ધૂણે; એ.આઈ. આવશે તો બધાના કરિયરનું શું? માતાપિતા હજુ મોટા થશે પછી એમની વેલ બીઈંગ સારી તો રહેશે? ફલાણા પ્રશ્નો જે નડે છે તે દશ ગણા થઈ જશે તો શું? વગેરે. ને ત્રીજે દિવસે વળી સાવ ખોટે ખોટું મન ભટકે પોઈન્ટ લેસ.

ઐયાશી કે વન-વે સે ખૂદ કો મોડના જાને ના, કંબલ બે વજહ યે શરમ કા ઓઢના જાને ના

કોઈ પણ સાધના આરામ અને મોજ શોખના રસ્તે જતી નથી. પણ આપણે સાલો લાંબી ઊંઘ, નરમ પથારી, ગરમ ભોજન, સોશિઅલ મીડિયાનો ચસ્કો એવો ખાઈ ગયો છે કે પાછું વળાતું નથી. ખોટો દંભ આવડે તો ખરો પણ એ ઓલા નાનપણમાં કરડે એવા ધાબળા હતા તેની માફક આ દંભ પણ ચામડીને ચટકા ભરે. એટલે જ આ બ્લોગમાં જે છે છે એ સાવ ખરું પીરસી દીધું છે.

નાતા બેતુકી દિલ્લગી સે જોડના જાનેના, આનેવાલે કલ કી ફિકર સે જોડના જાનેના, ઝીદ પકડ કે ખડા હૈ કમ્બખ્ત; છોડના જાનેના

આ છેલ્લી વાત છે, એમ જ ભટકતું મન છે, કોઈ સંયમ એને પસંદ જ નથી, ફિકર ચિંતા તેને ગમતી નથી, ભલે ગમે તેટલું જ્ઞાન કેમ ન હોય પણ એ જિદ્દી ખોટી નકામી હઠથી હટવા તૈયાર જ નથી થતું!

આ ગીત નહીં પણ પ્રમાણિકપણે મનોસ્થિતિ છે! ખેર, આવા અડિયલને પણ ધક્કા મારી આગળ વધારનાર શક્તિઓ અંગેની વાત આવતા બ્લોગ્સમાં કરીશું, ત્યાં સુધીનો બોધ પાઠ:

“તેરી બાત, મેરી બાત, ઝ્યાદા બાતે બૂરી બાત; થાલીમેં કટોરા લે કે આલૂ ભાત, પૂરી ભાત!”        

   

 

Comments

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)