સીટી ટોક (ભુજ-૨)

ભુજની મુલાકાતનો અંતિમ ભાગ લખીએ ત્યારે ખાસ એ લખવાનું મન થાય કે ભુજ એ માત્ર એક સ્થળ નથી, પણ એક ભાવના, એક લાગણી છે. 

કચ્છ રણ વિસ્તારમાં આવેલું છે તેથી તેનું ભૂગોળ પ્રતિકૂળ છે, ભારતની સહુથી પશ્ચિમ સરહદ પર આવેલું હોવાથી ગુજરાત કે ભારતના કોઈ પણ સ્થળથી તે દૂર પડે છે. વળી, ભુજ ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી ગરમી અને ઠંડી બંને અહીં સારા એવા પ્રમાણમાં રહે છે તેથી અહીંનું હવામાન પણ પ્રતિકૂળ છે. તેમ છતાં ભુજમાં ટૂંક સમય માટે કે હંમેશ માટે રોકાણ કરનાર પણ ભુજના પ્રેમમાં પડી જાય છે. અમે તેવા કેટલાય લોકોને ઓળખીએ છીએ જેઓ તેજસ્વી પ્રતિભા ધરાવે છે છતાં માત્ર ભુજ પ્રેમને કારણે મેટ્રો સિટીઝમાં રહેલી કેટલીય ઉજ્જવળ તકો જતી કરેલ છે. આવા તેજસ્વી લોકો મેટ્રો શહેરોને પડતાં મૂકી ભુજ પર પસંદગી ઉતારતા હોય તો તેની પાછળ કંઈક તો રહસ્ય હશે જ. 

મેટ્રો સિટીઝ જેવી સગવડતાઓના અભાવ છતાં ભુજ હંમેશ ઇવેન્ટફુલ રહ્યું છે. કોઈપણ ધર્મ, જ્ઞાતિ, ફળીયો કે પડોશીઓનો નાનામાં નાનો પ્રસંગ પણ અહીં ઉજવવાની સંસ્કૃતિ રહી છે. આ પ્રસંગો મોટા શહેરોમાં ઉજવાતી પાર્ટી લાઈફથી એ રીતે અલગ પડે કે ભુજના આવા પ્રસંગોમાં સમાજનો મોટો ભાગ ભાગ લે છે. જેને કારણે આનંદ સાથે સામાજિક શિસ્ત પણ રહે છે.

ભુજમાં દરેક તહેવારોની ઉજવણી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ થતી હોવાથી તે ઉજવણીઓ વિશિષ્ટ સ્વરૂપ લઈ ચુકી છે. જેમ કે, દિવાળીના ચાર દિવસો દરમ્યાન થતી ઊજવણી. તે દિવસોમાં વહેલી સવારે થતી અદભુત અને વિશિષ્ટ મંગળા આરતી અને તે બાદ એક જગ્યાએ ભેગા થઈ સામુહિક ફટાકડા ફોડી થતી ઉજવણી દરેક ભુજવાસીઓ માટેનું ટોનિક છે. ભુજમાં ઉજવણી અને ઉજાણી લાઈફ સ્ટાઈલનો એક ભાગ બની ગયેલ હોવાથી ભુજવાસીઓના હૃદયમાં જે સતત ઉમંગ અને ઉત્સાહ રહે છે તેને ભુજ બહાર વસતા ભુજવાસીઓ હંમેશ મિસ કરે છે.



વિસ્તરતા ભુજમાં ઉજવણી, ખાણી-પીણી અને આનંદ-પ્રમોદના સાધન અને  સ્થળો સતત વિકસી રહ્યા છે. ભુજ શહેર સાથે ભુજની આજુબાજુ કન્ટ્રી સાઈડ પર પચીસેક કિલોમીટરના વિસ્તારનો પણ ખૂબ સરસ વિકાસ થયો છે. ઘણા જોવાલાયક પ્રવાસન સ્થળો વિકસ્યા છે. હા, ભુજનું ડેવલપમેન્ટ રહેણાંક માટે જ કરવામાં આવેલું હોવાથી સામાન્ય ટુરિસ્ટ સ્પોટસ પર રહેતી સગવડનો અહીં થોડો અભાવ હોઈ શકે પણ કોઇ સ્થાનિક મિત્રની મદદથી બન્ને ભાગમાં લખેલા સ્થળો વિશે ચોક્કસથી માહિતી મેળવી શકાય. અને હવે તો ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સની સરસ સગવડ છે.

કચ્છમાં સદીઓ જૂની હસ્તકલાની પરંપરા રહી છે, જેને કારણે કચ્છી હસ્તકળા ધરાવતા કપડાં, એસેસરીઝ અને ગૃહ સજાવટની વસ્તુઓનો વેપાર અત્યારે ચરમસીમા પર છે. શોપિંગ શોખીનો માટે એક બીજી માહિતી એ પણ દઈએ કે કચ્છનું ચાંદી કામ પણ પ્રખ્યાત છે. આ પુરાતન સ્થળની મુલાકાત પહેલાં જો આવી વિશેષ બાબતો જાણતા હશો તો મુલાકાતનો આનંદ બેવડાઈ જશે એ નક્કી. તો, ચાલો હવે આગળના સ્થળો માણીએ..


૧. પ્રાગ મહેલ : ઓગણીસમી સદીમાં બનેલો આ મહેલ અત્યારે આમ જોવા જઈએ તો રાજાશાહી જમાનાનું મ્યુઝિયમ કહેવાય. ઇટાલિયન ડિઝાઈનર અને ત્યાંના જ મજૂરો દ્વારા બનાવવામાં આવેલ આ મહેલની બનાવટનું કામ ૧૮૬૫માં શરૂ કરી ૧૮૭૯માં પૂરું કરવામાં આવ્યું. અત્યારે આ મહેલમાં રાજાઓએ શિકાર કરેલા પ્રાણીઓને મસાલા ભરીને રાખવામાં આવ્યા છે, વિશાળ ખંડોમાં તે જમાનામાં વપરાતાં હથિયારો, વનસ્પતિઓના પાન દ્વારા થતી પેઇન્ટિંગસ, ખૂબ વિશાળ ઝુમ્મરો, તે વખતના વાસણો, રાચરચીલા જેવી કેટલીય અલભ્ય વસ્તુઓ ત્યાં જોવા મળે છે. ઇતિહાસ શોખીનોએ આ લ્હાવો ચૂકવા જેવો નથી જ.. આ મહેલ પાછળ એક મંદિર પણ આવેલું છે જેની શિલ્પ કારીગરી માણવા લાયક છે.

૨. આયના મહેલ : પ્રાગમહેલ અને આયના મહેલ એક જ પ્રાંગણમાં આવેલું છે. આ મહેલનું નિર્માણ અઢારમી સદીમાં કરવામાં આવેલું હતું. પણ આ મહેલનું નિર્માણ કોઈ ફોરેનરે નહિ પણ કચ્છી મિસ્ત્રીએ કરેલું હતું. સફેદ આરસની દીવાલો પર અહીં અરીસા જડવામાં આવેલા છે. ૨૦૦૧ના ભૂકંપમાં આ વારસાને સારું એવું નુકશાન થયું હતું પણ જે ભાગ સલામત રહ્યો તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. અહીં મહારાવનો દરબાર ખંડ, શયન ખંડ, સંગીત ખંડ વિગેરે જોઈ શકાય છે.

૩. ઘડિયાળ ટાવર : પ્રાગમહેલની બાજુમાં જ એક ખૂબ ઊંચું ટાવર આવેલું છે. જે ઘડિયાળ ટાવર તરીકે ઓળખાય છે. પ્રાગ મહેલ સાથે જ બનાવવામાં આવેલ આવું સરસ ટાવર કદાચ આખા ભારતમાં જોવા નહીં મળે. નીચેથી ઉપર જવાના રસ્તે જ ઘડિયાળને ચલાવતી તોતિંગ મશીનરી જોવા મળે. અને એકવાર ઉપર પહોંચ્યા બાદ તો એક ભુજીયો, સુરલભીટ, હમીરસર, રાજેન્દ્ર બાગ, આશાપુરા મંદિર અને આખું ભુજનું વિહંગાવલોકન તમને મંત્ર મુગ્ધ કરી નાખે. ટાવરના દીવાલોની રચના પણ ખૂબ જ સરસ છે. તો માત્ર એક જ પ્રાંગણમાં આટલો સરસ ઇતિહાસ ધરાવતી ત્રણ ત્રણ ઇમારતો મળે તો અહીંની મુલાકાત તો કેમ ચૂકાય?


૪. કચ્છ સંગ્રહાલય : આગળના બ્લોગમાં કહ્યું હતું તેમ કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળનો છે. અને પાછો ઇતિહાસ ઘણો રસપ્રદ પણ છે, તો ઇતિહાસની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. તો એ માટે અહીં હમીરસર તળાવની એકદમ નજીક કચ્છ સંગ્રહાલય આવેલું છે. ખૂબ મોટા સંગ્રહાલયમાં કચ્છનો લગભગ તમામ ઇતિહાસ સમાવવાનો પ્રયાસ કરેલ છે. અને તેની જાળવણી અને દેખરેખ પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે. કચ્છના ઇતિહાસની મુલાકાત લઈ હમીરસરના કિનારે થાક ઉતારી શકાય.




૫. સ્વામિનારાયણ મંદિર : મ્યુઝિયમ અને હમીરસરથી ચાલતા જવાય તેટલા અંતરે આવેલું છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર. આ મંદિર પહેલા દરબારગઢ ખાતે આવેલ હતું. ભક્તો માટે આ મંદિરનું માહાત્મ્ય બહુ વિશેષ છે કેમકે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમ્યાન છ મંદિરો બનાવેલા તેમાંનુ એક એટલે આ ભુજનું સ્વામિનારાયણ મંદિર. જુના મંદિરને ભૂકંપના નુકસાન થતાં ભૂકંપ બાદ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું જે અત્યારે પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ બની રહ્યું છે. વિશાળ મેદાન, ધ્યાનાકર્ષક ડિઝાઇન, મોહિત કરે તેવી શિલ્પ કારીગરી વિગેરે તો દરેક સ્વામિનારાયણ મંદિરની ખાસિયત છે. દિવાળીની સાંજે થતા અહીં લાખો દિવા જોઈને ખરેખર રામ ભગવાન વનવાસમાંથી આજે ફરી પાછા ફર્યા હોય તેવી અનુભૂતિ થાય.

૬. રક્ષક વન : થોડા વર્ષો પહેલા જ ભુજ ખાવડા રોડ પર બનેલું રક્ષક વન અચૂક જોવા જેવી જગ્યા છે. હા, અહીં વહેલી સવારે અથવા સાંજ ઢળ્યા બાદ મુલાકાત લેવી કેમકે આખી ખુલ્લી જગ્યા હોવાથી બપોરના સમયે તાપ લાગશે. કચ્છ બોર્ડર સેનાની ત્રણેય પાંખો માટે મહત્વનું સ્થળ છે અને તેથી જ આ રાક્ષકવન દેશના વિરોને સમર્પિત કરવામાં આવેલું છે. રુદ્રમાતા ડેમની નજીક બનેલું આ સ્થળ આપણા વિરોની ગાથા રજૂ કરે છે. અરે માત્ર વિરો જ નહીં પાકિસ્તાન સામેના ૭૧ના યુદ્ધમાં એરફોર્સની હવાઈપટ્ટીને થયેલ નુક્શાનનું રેકોર્ડ સમયમાં સમારકામ કરી ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર માધાપરની વિરાંગનાઓને પણ યાદ કરવામાં આવી છે. ફોટો પોઇન્ટ, આરોગ્ય વન, રાશિ વન, ઝૂલતા પુલ, ચકલી હાઉસ જેવી કેટલીય સરસ જગ્યાઓનો લ્હાવો અહીંની મુલાકાત આપે છે.

ભુજથી અહીં જવાના રસ્તે કચ્છની "પ્રખ્યાત" પાલારા જેલ આવે છે. તેના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા આખા કચ્છમાં પ્રખ્યાત છે. તો તે ખાવાનું ભૂલશો નહિ. અને હા, સમય હોય તો પાલારા મહાદેવ અહીંથી ખૂબ નજીક છે. નાની ટેકરીઓ વચ્ચે આવેલું આ મંદિરમાં સાંજની આરતી સમયની મુલાકાત અવિસ્મરણીય બની રહીશે.

પાલારા જેલના ભજીયા સિવાય, કચ્છ જેના માટે ખૂબ જાણીતું છે તે દાબેલી તો જ્યાં સુધી ના ખાધી હોય ત્યાં સુધી ભુજની મુલાકાત પુરી થયેલી ના ગણાય. સાથે શંકરના વડા પાઉં-મરચાં પાઉં, ખાવડા સ્વીટસના મેસુક, અડદિયા ગોવિંદજી માધવજીનું શ્રીખન્ડ, બાસુંદી કે રસ મલાઈ,  બચુમાલીના પકવાન, લક્કડીયા કે ચવાણું, ગ્રીન રોકની પુરણપોળી(ગુજરાતી થાળી), માધુની ભેળ કે જોષીના દહીંવડાં જેટલી વેરાયટી તમારા પ્રવાસને મજેદાર સાથે ચટાકેદાર પણ બનાવશે.


ભુજ માટે હવે એમ કહી શકાય કે એ દિવસે ના વધે તેટલું રાતે વધે છે. તેથી અહીં થોડા સમય પહેલા બનેલા વંદે માતરમ મેમોરિયલ, એલ.એલ.ડી.સી મ્યુઝિયમ અજરખપુર, ત્રી મંદિર વિગેરે વિશે હજુ આખો બ્લોગ થઈ શકે તેમ છે. પણ હજુ અમે જ તેની મુલાકાત ના લીધી હોઇ તે વિશે લખવું બરાબર નથી. હા આ સ્થળોની તમે ચોક્કસ મુલાકાત લેજો કેમકે ખૂબ સરસ છે તેવું સાંભળ્યું છે. આ માત્ર ભુજની વાત થઈ છે હો મિત્રો.. આખા કચ્છનું નહિ. કચ્છના મોટાભાગના શહેરો જોવાલાયક સ્થળોથી ભરપૂર છે એટલે માત્ર એક બે દિવસ લઈને જો કચ્છ આવવાનું પ્લાન કરતા હોવ તો ફરી વિચારશો... ભુજવાસીઓ માટે ભુજ એ એમની એક હયાતીનો એક ભાગ છે તો પ્રવાસીઓ માટે પણ તે આવો જ અનુભવ બની રહે તેવી શુભેચ્છા. 



Comments

  1. વાહ સરસ.
    સાચું કહ્યું ભાઈ, ભુજની બહાર વસતા ભુજવાસીઓ ભુજ ની દરેક વસ્તુ મિસ કરે છે

    ReplyDelete
    Replies
    1. યસ.. ભુજ પ્રત્યેનું આકર્ષણ હંમેશ કાયમ રહે છે. ભુજ માટે એક અલગ જ લગાવ હેલો હોય છે.

      Delete
  2. નિમિષભાઈ! તમારા બ્લોગ વાંચી ને થાય કે..... બસ , નિકળી પડીયે.

    ખંભે પછેડી ને દીઠો ચાંદ!

    ReplyDelete
    Replies
    1. બસ નીકળી જ પડો ભુપેન્દ્રભાઈ :)

      Delete
  3. ખૂબ સુંદર વર્ણન......

    ReplyDelete
  4. Kutch vada pan may b nai gaya hoy badhi vagya e..may b have hase..
    as read Kari ne.... keep it up

    ReplyDelete
  5. વાહ ભાઈ, ખૂબ તાદ્રશ્ય વર્ણન કર્યું છે તમે. ત્રણેક વખત અમે સપરિવાર કચ્છ ભુજની મુલાકાતે આવેલા. આ વર્ણન વાંચી ફર્યા હતા તે બધા સ્થળો નજર સમક્ષ આવી ગયા ને જાણે ફરીથી ભુજમાં ફરી રહી હોઉં એવું અનુભવી રહી...

    ReplyDelete
  6. ખુબ ખુબ આભાર સરલા'દી...

    ReplyDelete
  7. Dil khush thai gyu vachine..wah wah wah wah wah wah....anek laagnio mishra thaine aavi...shabdo khute chhe...

    ReplyDelete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2

પોળોનું જંગલ, સાબરકાંઠા