ચાડવા રખાલ,કચ્છ.


આગલા બે બ્લોગમાંથી એકમાં બીજા રાજ્યમાં અને બીજામાં આપણા રાજ્યમાં ફરી આવ્યા તો હવે આપણો જિલ્લો કેમ બાકી રહે? હા, આજે ફરીએ આપણા કચ્છમાં.


૨૦૦૧નો કારમો ભૂકંપ કચ્છના લોકો માટે વજ્રઘાત સમાન હતો, કેટલીય ઝીંદગી એક ઝાટકે રોળાઈ ગઈ. કેટલાય કુટુંબોએ સ્વજનો ગુમાવ્યા. પોતાનું ઘર, શેરી અરે આખેઆખા ગામ ગુમાવ્યા. પણ, કચ્છની ખુમારી વિશે કોઈ અજાણ નથી. ભૂકંપ બાદ દાયકો પાછળ ચાલ્યું ગયેલું કહેવાતું કચ્છ આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની હાજરી પુરાવે છે. ભૂકંપે કચ્છના લોકો પાસેથી ચોક્કસ ખૂબ ઘણું છીનવ્યું, પણ આ જ ભૂકંપે કચ્છને અમુક ભેંટ આપી છે જે ભુલાય તેમ નથી. તેમાંની એક ભેંટ એટલે પ્રવાસન ક્ષેત્રનો વેગ. કચ્છ ભારતના નકશામાં ક્યાં આવેલ છે એ પણ જેમને ખ્યાલ ન હતો તે લોકો હવે પોતાના વિદેશી મિત્રોને પણ કચ્છ જોવા માટે ગર્વથી આમંત્રણ આપે છે. કચ્છના પ્રવાસનને મળેલા વેગ વિશે તો આપણે શાંતિથી વાત કરીશું કોઈ નવા બ્લોગમાં. આજે વાત કરીએ ચાડવા રખાલ વિશે કે જેના વિશે કચ્છમાં પણ બહુ ઓછા લોકો જાણે છે.
ભૂતકાળમાં કચ્છના રાજાઓએ ૪૫ જંગલને રિઝર્વ તરીકે જાહેર કરેલા જેમને રખિયાલ તરીકે ઓળખવામાં આવતા. આઝાદી પછી આ રિઝર્વ રાજાઓની પ્રાઇવેટ પ્રોપર્ટી બની. હવે આ બધી પ્રોપર્ટીઝ પ્રવાસીઓને આકર્ષે છે. જો કે, ભુજથી માત્ર ૧૫-૧૭ કિમિ દૂર સામત્રા ગામ પાસે આવેલ ચાડવા રખાલ વિશે લોકોમાં હજુ જોઈએ તેટલી માહિતી નથી.


૪૫ રિઝર્વ રખિયાલમાંથી સહુથી મોટું રિઝર્વ એટલે ચાડવા રખાલ. તેને એક ખૂબ સુંદર પ્રાગસર નામનું તળાવ છે. જેમાં ઘણાં મગરમચ્છ અને કેટલીય જાતિની માછલીઓ જોવા મળે છે. આ સ્થળનું આકર્ષણ કહી શકાય તો તે છે તેનું નૈસર્ગિક વાતાવરણ. કેટલાય વર્ષો જુના વૃક્ષોથી આચ્છાદિત જંગલમાં તમને જાણે કોઈ ઇતિહાસ તમારી સામેથી પસાર થતો દેખાય. સૂકા પાંદડાનો અવાજ, અવનવા પક્ષીઓનો અવાજ, અચાનક બાજુમાંથી પસાર થતાં નીલગાય જેવા જાનવરો, તળાવ પર પડતો તડકો અને એ તડકાને શેકતો મગર.. આ બધું જાણે તમને કોઈક અલગ જ દુનિયામાં લઈ જાય. હા, હજુ અહીં લોકોનો ધસારો ઓછો છે એટલે આ સ્થળ પ્લાસ્ટિકસ કે પોલ્યુશનથી થોડું દૂર રહી શક્યું છે.


અહીં જવા માટે  પ્રતિ વ્યક્તિ લગભગ ૬૦રૂપિયા જેટલી ટીકીટ છે (જેની રીસીપ્ટ આપવામાં આવતી નથી એટલે એન્ટ્રી ફી ચેન્જ થતી રહે છે) કોઈ પાર્કિંગ ચાર્જ નથી. રિઝર્વની બહાર જ અત્યારના રાજાએ આ પ્રોપર્ટીની સંભાળ માટે નિયુક્ત કરેલા લોકોનો પરિવાર રહે છે. જેમની પાસેથી જંગલમાં થોડે દૂર આવેલા મંદિર વિશે, તેમણે પાડેલી નીલગાય વિશે, જંગલમાં ભટકતા દીપડા વિશે ઘણી જાણકારી મળી રહે છે.


વરસાદ પડતો હોય ત્યારે કે વરસાદની ઋતુ બાદ તુરંત જ જવામાં આ વિસ્તાર વધુ રમણીય લાગી શકે. બાકી કોઈપણ ઋતુમાં જઈ શકાય. મોરના ટહુકા સતત સંભળાય અને કેટલીય મોટી સંખ્યામાં મોર સાવ નજર સામે રમતાં દેખાય. 


હા, આ સ્થળ એવું છે કે જેમાં જેટલા વધુ લોકોનો સંગાથ એટલી વધુ મજા, ત્યાં જંગલમાં વિશાળ જગ્યા છે એટલે સાથે ગયા હોવા છતાં એકાંત પ્રિય લોકોને તેમનું એકાંત મળી જ રહે. સામત્રા ગામથી રખાલ સુધીની ૬-૭ કિમીનો રસ્તો તદ્દન નિર્જન છે, એટલે રાઈડ કરવાની ખૂબ મજા આવે પણ સાંભળીને ચલાવવું હિતાવહ. વનભોજન માટેની એકદમ આઈડિયલ જગ્યા કહી શકાય. હા, નાના બાળકો સાથે ગયા હોવ તો તેમની બધી જરૂરિયાતની સામગ્રી સાથે રાખવી, સાથે પાણી તેમ જ કશુંક રેડી ખાવાનું પણ રાખવું સારું કેમકે ત્યાં તરતમાં જ કશું મળી રહે તેવી કોઈ વ્યવસ્થા નથી.



વહેલી સવારે કે નમતી બપોરે મિત્રો સાથે આ સ્થળે જો જઈ ચડીએ તો સમયનો કશો ખ્યાલ ના રહે તેની ગેરન્ટી. 


કચ્છ બહારના લોકો માટે એક જરૂરી સૂચના - આમ તો કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અસાંજો કચ્છડો બારે માસ.. આ વાત બાકી બધી રીતે સાચી પણ જો પ્રવાસ કરવા કચ્છ આવતા હોવ તો આ વાત મન પર લઈને ના આવતા. કચ્છનો ઉનાળો પ્રવાસીઓને એવોઇડ કરવા જેવો છે... (હા, અમદાવાદના ઉનાળા કરતાં તો કેટલોય ગણો ઓછો આકરો ઉનાળો હોય છે, છતાં..) તે સિવાય કોઈપણ ઋતુ પસંદ કરી અહીં આવી શકાય, જો કે શિયાળો બેસ્ટ ઋતુ કહી શકાય કેમકે કચ્છને ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ અપાવનાર રણોત્સવ પણ તે જ ઋતુમાં ઉજવાય છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના પહેલા નંબરના જિલ્લામાં ફરવાલાયક સેંકડો જગ્યાઓ છે જેની વાત ફરી ક્યારેક..


છેલ્લે એટલું જ કહેવાનું કે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.. હાઇન... (આ હું નહિ પણ સદીના મહાનાયક કહે છે...)


Comments

  1. Good one. May consider blogging in English for wider coverage

    ReplyDelete
    Replies
    1. Thanks a lot Arman bhai for appreciation. Will surely consider ur suggestion. The only thing I'm scared about is less experience of english writing. But I think I should definadefi give it a try.

      Delete
  2. અદ્ભૂત વર્ણન.....

    ReplyDelete
  3. Wah... Javanu man thai gayu

    ReplyDelete
  4. Very well written and informed. Perhaps, kachchh os the second largest District in India, first being Ladakh

    ReplyDelete
    Replies
    1. Oh.. will surely search and edit the blog if I'm wrong mama. Thanks a lot for ur valuable input and appreciation

      Delete
  5. Wah..khub saras.kutch vishe ghani mahiti kutchhio ne pn nathi hoti..saras ..vachvani mja aavi ane ek place list ma add thayu..waiting eagerly for next blog..😊

    ReplyDelete
  6. Wow very nice! Kutch nahi Dekha to kuch nahi Dekha, nice new place introduc

    ReplyDelete
  7. વાહ... કચ્છ વિશ લીસ્ટ ઘુંટાતુ જાય છે. અઠવાડિયા નું આયોજન કરવામાં આવશે.

    ReplyDelete
    Replies
    1. Yes, અઠવાડિયું લઈને આવશો તો મસ્ત ફરાશે :)

      Delete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2

પોળોનું જંગલ, સાબરકાંઠા