માંડવી - કચ્છ.
અમુક ગામ કે શહેર સાથે જાણે આપણો એક અનોખો સંબંધ હોય છે, જાણે કંઇક અજીબ લેણાદેણી. આપણી સ્મૃતિઓ સંકળાયલી હોય તેવા શહેરનો વિચાર પણ મગજમાં ઝબકી જાય તો હોંઠ પર એક સ્મિત અને મગજ પર યાદોની પરત ચડતી જાય. આવું એક શહેર એટલે અમારું મોસાળનું અને દરેક કચ્છીઓને વ્હાલા એવા દરિયાઈ શહેર માંડવીની... પર્યટન ક્ષેત્રે કચ્છને અગ્રેસર રાખવામાં સફેદ રણ પછીનો જો કોઈનો નંબર હોય તો તે છે માંડવી.
કચ્છ ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રદેશ છે, તેની એક તરફ રણ, બે તરફ સમુદ્ર અને અને એક તરફ કચ્છનો અખાત આવેલો છે. ભૂવિસ્તાર ડુંગરાળ પણ ખરો. સમુદ્રના તમામ કિનારાઓમાં પણ પાછું વૈવીધ્ય જોવા મળે... જેમાં સહેલાણીઓને માફક આવે તેવા રેતાળ, છીછરા અને શાંત કિનારાઓ ઉપરાંત શોખીનો માટે સવારીઓ, ખાણીપીણી વિગેરે દ્રષ્ટીએ નિહાળીએ તો માંડવીનો નંબર અવ્વલ આવે.
મહાભારતમાં ઋષિ માંડવ્યની એક વાર્તા આવે છે જેના શ્રાપને કારણે ખુદ યક્ષને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો, આ જ ઋષિ માંડવ્ય પરથી માંડવીનું પડ્યું હોવાનું કહેવાય છે. ફક્ત ૪૦૦ વર્ષ પાછળ નજર કરીએ તો અહીના ખારવાઓએ એ સમયે અહીં શીપ બિલ્ડીંગ નાના પાયે ચાલુ કર્યું, પછી તો અહીં વહાણો બનાવવાની ઇન્ડસ્ટ્રી બની ગઈ, અહીના જહાજવાડામાં બનેલા જહાજો છેક ઇંગ્લેન્ડ સુધી જવા લાગ્યા. આજે પણ લાકડાના જહાજો બનાવવાનું કામ નાના પાયે ચાલે જ છે, જે માંડવીના પ્રવેશદ્વાર તેવા રુકમાવતી બ્રીજ પરથી પસાર થતાં જ જોઈ શકાય છે. સ્ટીમબોટના પ્રવેશ પહેલાં માંડવી શહેરની આવક કચ્છનું વડું મથક ભુજ કચ્છ કરતાં અનેક ગણી વધુ હતી કારણકે માંડવીમાં જ કચ્છનું મોટામાં મોટું પોર્ટ હોવાનું જાણવામાં આવ્યું છે. અહીંથી દુનિયાભરમાં કેટલીય વસ્તુઓનો આયાત નિકાસ થતી. વર્ષો પહેલાં કચ્છના વિદ્યાર્થીઓને મેટ્રીકની પરીક્ષા આપવા મુંબઈ જવું પડતું, ત્યારે પણ વિદ્યાર્થીઓને માંડવીના દરિયાને ખેડીને જ જવું પડતું. વચ્ચે એક આડ વાત.. હાજી કાસમની વીજળીનું નામ સાંભળ્યું છે? આ નામનું એક કાવ્ય તેમજ નવલકથા પ્રખ્યાત વહાણની સત્યકથા પરથી બનેલું છે, જે રીતે ટાઈટેનીક ઇતિહાસમાં અમર છે તે જ રીતે હાજી કાસમ જેનો કેપ્ટન હતો અને જેમાં લગાવેલા વીજળીના ગોળાઓને કારણે વીજળીના હુલામણા નામ તરીકે પ્રસિદ્ધ થયું તેનો બાદમાં કરુણ અંત આવેલો.
જો કે બાદમાં કંડલા અને મુન્દ્રા પોર્ટના અપ્રતિમ વિકાસ બાદ માંડવીનો પોર્ટ તરીકે ઉપયોગ ઘટતો ચાલ્યો. સ્ટીમ બોટને મુન્દ્રાનો દરિયો આકર્ષે તો માંડવીના દરિયાએ વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષ્યા. તો ચાલો આવા અનોખા શહેરના અચૂક જોવા જેવા સ્થળોએ..
• બૌતેર જીનાલય.
માંડવીથી આશરે ૮-૧૦ કિલોમીટર પહેલાં કોડાય પુલ પર જૈનોનું તીર્થધામ બૌતેર જીનાલય આવેલું છે. ૭૨ નાના શિખરો અને એક મુખ્ય શિખર સાથે સફેદ માર્બલથી બનેલ આ વિશાળ જીનાલય બનતાં દાયકાઓ લાગ્યા છે. આ મંદિર ખૂબ વિશાળ છે. જિનાલયના પ્રાંગણમાં પગ મુકતાં જ તેની વિશાળતા, ત્યાંની શાંતિ અને ચોખ્ખાઈ નજરે ચડે છે. અહીંની કેન્ટીનમાં ખૂબ વ્યાજબી દરે બ્રેકફાસ્ટ અને લંચ/ડીનર પણ મળે છે અને અહીં ધર્મશાળા પણ આવેલી છે.
• માંડવી બીચ, વિન્ડફાર્મ.
માંડવીના દરીયાકીનારો પૈકી આ એક દરીયાકીનારો વિશ્વના પર્યટકોને માંડવી સુધી ખેંચી લાવે છે. અહી દાયકાઓ પહેલા ચણવામાં આવેલી પવન ચક્કીઓના કારણે આ કિનારો વિન્ડફાર્મ બીચ તરીકે ઓળખાયો. અહીના દરિયાકિનારાની લંબાઈ, બહુ ઊંચા નહિ તેવા દરિયાઈ મોજા, રેતીલી જમીન વિગેરે જેવા અનુકુળ કુદરતી સંજોગો આ દરિયાકિનારાને ખાસ બનાવે છે. હવે તો આ દરિયાકિનારે પર્યટકોને રીલેક્સ થવા આરામ ખુરશી, દરિયાઈ રેતી પર સફર માણવા ઊંટ કે ઘોડાની સફારી, ATV કે સ્પીડબોટની સવારી જેવા અનેક વિકલ્પો મળે છે. સાથે જ ખાણીપીણીના સ્ટોલ્સ તો ખરા જ. આ બધા આકર્ષણોને પરિણામે કિનારા પર પ્રવાસીઓનું પ્રમાણ વધતું જાય છે, વેકેશનમાં તેમજ રણોત્સવ દરમિયાન ખાસ્સી ગીર્દી પણ રહે છે.
હાલે આ કિનારો અતિ વ્યસ્ત અને પ્રચલિત થયો હોઈ શની-રવિની સાંજે જો પોતાના વાહનથી આવતા હોવ તો તમારે તમારું વાહન બીચના પાર્કિંગથી થોડે દુર રાખવું હિતાવહ છે નહી તો પરત ફરતી વખતે ગાડી ક્યારેક એક-બે કલાક ટ્રાફિકમાં ફસાઈ શકે છે.
અને હા, સાથે સાથે પર્યાવરણ પરત્વેની આપણી ફરજ પણ નિભાવવી પડશે. આજથી દસ વર્ષ પહેલા આ કિનારો એકદમ સ્વચ્છ, નિર્મળ હતો. જયારે તાજેતરની મુલાકાતમાં જોયું તો કિનારા પર તો ખુબ બધી ગંદગી હતી જ પણ પગ બોળીને દરિયા કિનારે ઉભીએ તો પાણીમાંથી પણ પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટીકની બોટલ, નાળીયેરના ખાલી ઠુંઠા, મકાઈના ડુંડા જેવા કેટલાય નકામાં કચરા પગને અથડાઈ જતાં હતા. સ્થાનિક મછવારાઓને મતે અહીના દરિયાઈ જીવો અને વનસ્પતિને આ કચરાને કારણે સારું એવું નુકસાન થયું છે. થોડો કચરો ઉઠાવીને કચરા ટોપલીમાં નાખશો તો અમે તમારા આભારી રહીશું, એટલીસ્ટ તેમાં વધારો કરશો નહી.
• વિજય વિલાસ પેલેસ.
અગાઉ અમારા બ્લોગમાં ચર્ચા કરી છે તે મુજબ શિયાળો કચ્છ જોવા માટે ઉચિત ઋતુ છે. પરંતુ માત્ર એપ્રિલ-મે મહિનાને બાદ કરતાં માંડવીની મુલાકાત ગમે તે સમયે લઇ શકાય છે. અને તેનું કારણ છે દરિયાને કારણે અહીનું સમશીતોષ્ણ વાતાવરણ અને આ ખાલી અમારો અનુભવ નથી, અહીના કચ્છના રાજા પણ અમારા સૂરમાં સૂર મિલાવે છે અને તેથી જ ભુજમાં રહેતા મહારાજાએ પોતાના ગ્રીષ્મ મહેલ કે કહો કે વેકેશન મહેલ માટે આખા કચ્છમાંથી માંડવીને પસંદ કર્યું. ભવ્ય પેલેસની ટોચ પરનો નજારો તેમ જ સુસવાટા મારતા દરિયાઈ પવનનો અનુભવ અદ્ભુત હોય છે, પેલેસની અંદર શાહી વસ્તુઓનું પ્રદર્શન પણ મુકેલું છે જે મહેલની મુલાકાતને રસપ્રદ બનાવે છે. અહીં લગાન, હમ દિલ દે ચુકે સનમ જેવી કેટલીય ફિલ્મોના શુટિંગ પણ થયા છે, તેની બાજુમાં જ એક સરસ બીચ રિસોર્ટ પણ આવેલો છે.
ઇતિહાસના જાણકારો માટે શ્યામજી કૃષ્ણાવર્માનું નામ અજાણ્યું નહી હોય, મૂળ માંડવીના એવા તેઓ ફ્રીડમ ફાઈટર હતા જેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસ બનાવેલું જેથી ભારતના યુવાનો જે ભણવા માટે ઇંગ્લેન્ડ જતાં હોય તેમને ત્યાં સરળતા રહે, પરંતુ આ ઇન્ડિયા હાઉસ બાદમાં આઝાદીની ચળવળ માટેનું મુખ્ય કાર્યાલય બન્યું અને તેથી જ માંડવીના જ વીર શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક અહી માંડવી ખાતે બનાવવમાં આવ્યું. આ સ્મારક ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ છે, અહીં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા તેઓની જીવની અને આઝાદીની ચળવળ ખુબ સુંદર રીતે દર્શાવવામાં આવે છે. એમનું મૃત્યુ સ્વિત્ઝર્લેન્ડના જીનેવા શહેરમાં થયેલ તેમજ તેમની અંતિમ ઈચ્છા મુજબ 2003માં તેમના અસ્થીઓ પુરા સન્માનથી મેળવીને અહી તેમના વતનમાં મુકીને સ્મારક બનાવવામાં આવેલ છે તેમજ એક સ્વર્ગીય દેશભક્તના સ્મારકને શોભે એવું વાતાવરણ, શિસ્ત તથા સ્વચ્છતા જાળવવામાં આવ્યા છે એ બાબત પ્રશંશનીય છે.
આ ઉપરાંત, માંડવીમાં અને આજુબાજુના વિસ્તારોમાં સ્વામીનારાયણ મંદિર, અંબે ધામ વિગેરે જેવી ધાર્મિક જગ્યાઓ પણ આવેલ છે, અંબેધામમાં પ્રદર્શન પણ ઘણું સરસ છે.
માંડવી બીજી પણ એક બાબત માટે પ્રખ્યાત છે. આખા કચ્છની સાપેક્ષે માંડવીનું સ્ટ્રીટ ફૂડ અત્યંત સ્વાદિષ્ટ અને નાવીન્ય ભરેલું છે. કચ્છની પ્રખ્યાત દાબેલીનું જન્મસ્થાન જ માંડવી છે, આ ઉપરાંત રગડો, ટોસમાંથી બનાવવામાં આવતી કડક, ભાજીકોન, ગ્લાસમાં ફ્લેવર્સના લેયર્સ કરી બનાવવામાં આવતા બરફના ગોલા, વિગેરે જેવી અવનવી-ચટપટી વાનગીઓ આરોગવા માંડવીનું આઝાદ ચોક માનવ વસ્તીથી ઉભરાતું હોય છે. બેકરીની વાનગીઓ પણ માંડવીમાં તાજી મળે અને જમવા માટે તો સ્વાદમાં વર્ષોથી વખણાતી અને આગ્રહ કરી જમાડવામાં પ્રખ્યાત તેવી ઓશો રેસ્ટોરન્ટ તો છે જ, જે મેઈન માર્કેટમાં જ આવેલી છે. રહી શોપિંગની વાત તો અમે શોપિંગના ખાસ શોખીન ન હોઈ વિશેષ સૂચન આપી શકીએ નહી પરંતુ કચ્છ બહારથી આવતા લોકો માટે લોકલ કચ્છની હસ્તકલા બનાવટ તેમજ અન્ય વસ્તુઓ મુખ્ય માર્કેટમાં વ્યાજબી ભાવે મળી રહે ખરી. દાબેલીનો મસાલો જે ખુબ સ્વાદિષ્ટ હોય છે તે હવે લગભગ ગુજરાતના મોટાભાગના શહેરોના માર્કેટમાં મળી રહે છે.
પેઢીઓથી કચ્છીઓનું ‘હોલીડે પ્લેસ’ રહેલ કચ્છ બહારના પ્રવાસીઓ માટે પણ ‘હેપી હોલીડે’ બની રહે તેવી શુભેચ્છા.
Marvellous Mandvi.....wonderful writin....
ReplyDeleteThanks a lot for appreciation :)
Deletereally awsm..kindly add Godhra Ambe dham . Prvt beach for near palace. Serena Beach resort.
ReplyDeleteSure dear.. thanks a lot
DeleteGREAT MANDVI...
ReplyDeleteThank you very much
DeleteMsttttt
ReplyDeleteHalo vacation 😄
ReplyDeleteHalooo
DeleteVaah khub saras varnan
ReplyDeleteStreet food na pics mukya hot to maja padat 😉😄😄😋
Hahaha.. true.. tu aav etle jaie, padie ane khaie
DeleteVery well discribed. Pla add
ReplyDeleteVijay vilas palace na rasta na. 5 ti 6 private beach che je torally relex mate che..
And.holi dhuleti ni alag j majaa che beach par.
ReplyDelete