ઉદયપુર, રાજસ્થાન
ભારતના મોટામાં મોટા રાજ્ય રાજસ્થાન એટલે કે રાજા રજવાડાઓના સ્થાનમાં તેના નામ પ્રમાણે રજવાડી સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. મૂળ રણવિસ્તાર હોવા છતાં યોગ્ય મોસમ લઈએ તો તેની ભૂગોળનું વૈવિધ્ય પણ માણવાલાયક છે. રજવાડાઓના વિલીનીકરણ પછી મોટાભાગની મહેલાતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકીને પર્યટનના વિકાસ દ્વારા હુંડીયામણ રળવાનો ઉપાય આબાદ કામ કરે છે. પાછું, રજવાડી લોહીના આધિપત્યવાળું હોવાના કારણે તેનો ઈતિહાસ પણ પરાક્રમોના પાનાથી ભરેલો છે. રાજસ્થાન વિશાળ અને સૂક્ષ્મથી વિરાટ વિવિધતા ધરાવતું હોવાને કારણે એકસાથે તેને નિહાળી લેવું તેમજ એક જ બ્લોગમાં તેના વિષે સમાવી લેવું ન્યાયી બનશે નહી. તેથી, રાજસ્થાનની દક્ષીણે આવેલ રૂપકડા ઉદયપુર અને તેની આસપાસના સ્થળો વિષે આજે જાણીશું. રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે. સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું. રાજસ્થાનના પ્રમુખ શહેરોને રંગોના નામ સાથે પણ જોડવામાં આવે છે જે પ...