સીટી ટોક - ૨ (મૈસોર ૨.૦- કર્ણાટક)
ગયા બ્લોગમાં શરુ કરેલી મૈસોરની સફર આગળ વધારીએ.
આખા કર્ણાટક રાજ્યમાં સહુથી પહેલી યુનીવર્સીટી મૈસોરમાં શરુ કરવામાં આવેલી. આગલા બ્લોગમાં વાત કરી તેમ મૈસોર એક ઐતિહાસિક શહેર છે છતાં જયારે તેની મુલાકાત લઈએ ત્યારે તેના પહોળા રસ્તા, મોટા મકાનો, આધુનિક ઈમારતો વિગેરે આપણું ધ્યાન અવશ્ય આકર્ષિત કરે છે. તેનું કારણ એ છે કે ભારતમાં ખુબ ઓછા શહેરો ટાઉન પ્લાનિંગ દ્વારા બનાવવામાં આવેલા છે, મૈસોર એવા જૂજ શહેરોમાંથી એક છે જેનું વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ કરીને શહેર વસાવવામાં આવેલું.
મહેલ,મંદિર અને મ્યુઝીયમ (સેન્ડ)ની મુલાકાત બાદ ચાલો મૈસોરની બીજી બાજુ નિહાળવા.
* મૈસોર ઝૂ :-
આ ઝૂ ભારતનું ત્રીજા નંબરનું જૂનામાં જુનું ઝૂ કહેવાય છે. ઝૂ ખરેખર વિશાળ છે, જેમાં પ્રાણીઓના કુદરતી આવાસ જેવા જ મોટા મેદાનો બનાવવામાં આવ્યા છે. ઝૂમાં લગભગ ચાર કિલોમીટર જેટલું ચાલવાનું છે જેમાં લગભગ ભારતમાં જોવા મળતાં બધા પક્ષી પ્રાણીઓ જોવા મળે છે.
જનરલી ઝૂમાં જઈએ તો અજીબ પ્રકારની દુર્ગંધ અને સાથે ગંદગી પણ જોવા મળે પરંતુ અહીં મૈસોર શહેર જેવી જ ચોખ્ખાઈ જોવા મળે. મતલબ, પ્રવાસી દીઠ લેવાતા ૫૦ રૂપિયા ખરેખર ઝૂની દેખરેખ પાછળ ખર્ચ કરવામાં આવે છે.
મોટી ઉંમરના લોકો, ઘૂંટણમાં તકલીફ વાળા લોકો કે ઓછો સમય લઇ ઝૂની મુલાકાતે ગયેલા લોકો માટે ઝૂમાં મોટરાઈઝ વિહિકલ (ગોલ્ફ કાર)ની વ્યવસ્થા છે, જેમાં ૨૦૧૬ મુજબ વ્યક્તિ દીઠ ૧૨૫ રૂપિયા ટીકીટ હતી. નાના બાળકો સાથેના પ્રવાસીઓ માટે પણ આ સારો વિકલ્પ છે.
* શ્રીરંગાપટ્ટનમ :-
મૈસોરથી બાવીસ કીલોમીટરના અંતરે આવેલું શ્રીરંગાપટ્ટનમ લાકડાની બનાવટની વસ્તુઓ તેમજ અત્તર માટે પ્રખ્યાત છે. અહીંની કાષ્ઠની બનાવટની વસ્તુઓનું સારું એવું બજાર છે જ્યાંથી વસ્તુઓ વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.
આ આખા ગામને કાવેરી નદી એક બાજુથી ફરી વળે છે તેથી આ ગામડું નદીના ટાપુ સમાન બની રહે છે. નવમી સદીમાં બનેલું રંગનાથ સ્વામી મંદિર પરથી આ શહેરનું નામ પડેલું છે. આ શહેરનો ઈતિહાસ રસપ્રદ છે. અહીં વિજયનગર સામ્રાજ્ય હતું, અહીંથી બાજુના રજવાડાઓ મૈસોર તેમજ તાલકાડ પર નજર રખાતી.અરે વાડીયાર રાજાને લાગ્યું કે હવે વિજયનગર સામ્રાજ્ય પતન તરફ છે ત્યારે તેમણે રંગરાયા ને હરાવી ૧૬૩૦ સુધી સાશન કર્યું, અને ત્યારબાદથી અહીં ચામુંડેશ્વરીને સમર્પિત દસ દિવસની નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું.
ત્યારબાદ હૈદર અલી અને ટીપુ સુલતાનના નેતૃત્વમાં રંગાપટ્ટનમ મૈસોરની રાજધાની બની ગઈ. ટીપુ દરેક રાજ્ય પર પોતાની સલ્તનત જમાવવા નીકળેલ તેથી અહીં તેણે વાડીયાર મહારાજની સત્તા છીનવી. તેથી જ અહીં ટીપુનો હવા મહેલ તેમ જ જુમા મસ્જીદ પણ જોવા મળે છે.
૧૭૯૯માં અહીં ટીપુ સુલતાનની બ્રિટીશ સેના સાથે યુદ્ધ શરુ થયું જેમાં પોતાના જ વિશ્વાસપાત્રના દગાને કારણે ટીપુનું મૃત્યુ થયું. ટીપુના આ મૃત્યુ સ્થળને અહીં સ્મારક બનાવવામાં આવેલું છે. ત્યારબાદ ટીપુના મહેલને લુંટી કેટલીય કિંમતી વસ્તુઓ ઇંગ્લેન્ડ લઇ જવામાં આવી. ઈંગ્લેન્ડના મ્યુઝીયમમાં રહેલી અમુક વસ્તુઓ સમયાન્તરે નીલામ કરવામાં આવી જેમાંની ટીપુની એક તલવાર વિજય માલ્યાએ ખરીદી છે. (જો કે, હવે આ તલવાર બેંક પાસે હોય તો કહેવાય નહી..)
હજુ જો કે હવા મહેલમાં પણ ટીપુ સુલતાનની ઘણી વસ્તુઓ જોવા મળે છે. તેનો વિશાળ બગીચો પણ સરસ મેઈન્ટેન કરેલો છે.
* SGS આશ્રમ, સુકવન :-
શ્રી ગણપતી સચ્ચિદાનંદ આશ્રમ કે SGS આશ્રમ ભારતનાં બીજા આશ્રમોની જેમ જ એકરોમાં ફેલાયેલ છે, પણ અહીં જવાનું કારણ મંદિરની મુલાકાત સાથે આશ્રમમાં જ આવેલી બે ખુબ સરસ જગ્યાઓ છે.
તેમાંની એક જગ્યા એટલે સૂકવન તરીકે ઓળખાતું પક્ષીઓ માટેનું ખુબ મોટું અભયારણ્ય. અહીં વિવિધ જાતના નાના મોટા અલગ અલગ કલર ધરાવતા ખૂબ ઘણા પ્રકારના પોપટ આવેલા છે. અહીં પક્ષીઓ સાથે ફોટો પડાવવાનો અનુભવ ખરેખર નવીન બની રહે છે. અહીં બીમાર તેમજ ઘાયલ પક્ષીઓની સારવાર પણ થાય છે અને તેમને આશરો પણ આપવામાં આવે છે. પક્ષી પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગ કહી શકાય.
આશ્રમની બીજી જગ્યા કે જેમણે અમને આકર્ષિત કરી તે ત્યાનું બોન્સાઇ પાર્ક. વિવિધ પ્રકારના ફૂલોથી લઈને વડનું પણ બોન્સાઇ જોવાનો લ્હાવો અહીં પહેલીવાર મળ્યો.
* વૃંદાવન ગાર્ડન :
૬૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું વૃંદાવન ગાર્ડન વિશ્વના સહુથી સુંદર 'ટેરેસ ગાર્ડન' પૈકીનું એક કહેવાય છે. ઠેર ઠેર આવેલા ફુવારાઓ, ઝાડીઓને કાપીને બનેલી મોહક ડીઝાઇન્સ રંગબેરંગી વિવિધ જાતના ફૂલો, ખુબ વિશાળ વોક-વે અને આખા ગાર્ડનની ચોખ્ખાઈ આ મુલાકાતને વધુ સુંદર બનાવે છે.
અહીં સાંજ ઢળ્યા બાદ શરુ થતો મ્યુઝીકલ ફાઉન્ટેઇન શો વર્ષોથી પ્રખ્યાત છે. તેનો સમય સાંજના ૬:૩૦ થી ૭: ૩૦નો અને વિકેન્ડમાં ૬:૩૦ થી ૮: ૩૦ નો છે. સડક, રાજા હિન્દુસ્તાની, તેઝાબ વિગેરે જેવી અનેક ફિલ્મોનું શુટિંગ અહીં થયેલું છે, પણ પડોસન ફિલ્મનું મહેમુદ અને સાયરા બાનુ વચ્ચેનું ખુબ જ કોમિક સીન આ ગાર્ડનમાં ફિલ્માવવામાં આવ્યું છે. અહીં નજીક આવેલો વિશાળ ડેમ પણ સમય હોય તો જોવાલાયક છે.
આપણે આ બંને બ્લોગમાં મૈસોરમાં ખાસ જોવાલાયક સ્થળોનો સમાવેશ કરેલ છે. એક વાત યાદ રાખવી કે મૈસોર આઈટી હબ તરીકે પણ પ્રખ્યાત છે તેથી અહીં ડિસ્કોથેક, સિનેમા જેવા સ્થળો પણ આવેલા જ છે, તેથી પાર્ટી લવર લોકોને પણ આ ઐતિહાસિક શહેર નિરાશ નહીં જ કરે.
વાહ. જમાવટ દર વખત જેમ.
ReplyDeleteખૂબ આભાર...
Deleteખૂબ જ મજેદાર.
ReplyDeleteખૂબ આભાર...
Deleteતમે અમારી સફરને તાજી કરી રહ્યા છો.... મજા આવી ગઈ. વાંચીને ફરી એ દુનિયામાં ફરી આવી... ખૂબ સુંદર આલેખન
ReplyDeleteખૂબ આભાર સરલા'દી..
Delete