સીટી ટોક - ૨ (મૈસોર, કર્ણાટક)
દેવી દેવતાઓના નામ પરથી ઘણાં શહેરોનાં નામ આપણે સાંભળ્યા છે, પણ આજે જે શહેરનું નામ દાનવ માહિસાસુર પરથી પડ્યું છે તેવા શહેરની વાત લઈને અમે આવ્યા છીએ. મૈસોર, મૈસુરુ કે મૈસુર એ મહિસુરુમાંથી અપભ્રંશ થયેલું કહેવાય છે. આ વિસ્તારમાં માહિસાસુરનું રાજ હતું અને ત્યાંના લોકોને આ દાનવના ત્રાસમાંથી ચામુંડી દેવીએ છુટકારો અપાવ્યો તેવી કથા છે. ચામુંડી દેવીને યાદ રાખજો તેમનું સ્મરણ ફરી કરીશું બ્લોગમાં..
આ સમયે કે જ્યારે આપણા ભારતનું રાજકારણ ગરમાયું છે, ૨૦૧૯ની ચૂંટણીનો સમય નજીક આવે છે એ પણ એક કારણ છે મૈસોરને યાદ કરવાનું. શા માટે? ચૂંટણીમાં આંગળી પર કરવામાં આવતી શાહીનું નિશાન જેના પર જોક છે કે 'આ કલર વાળ પર લગાડી આપો, ડાઈ દર પંદર દિવસે નીકળે છે અને તમારી આ શાહી ત્રણ મહિને પણ માંડ નીકળે છે' તે ચોટકણી શાહી આખા ભારતમાં માત્ર મૈસોરમાં બને છે.. વિચારો, લોકસભા ચૂંટણીમાં વપરાતી આખા ભારતની શાહી માત્ર મૈસોરમાં બને છે. તો, આ વખતે વોટ આપીને બહાર નીકળો ત્યારે મૈસોરને યાદ કરી લેજો :) ચાલો કર્ણાટકના બેંગ્લોર પછીના બીજા મોટા શહેર મૈસોરની મુલાકાતે..
મૈસોર ભારતના એવા જૂજ રજવાડાં પૈકીનું એક છે જેમાં ખૂબ લાંબા સમય સુધી એક જ પરિવારનું રાજ રહ્યું હોય, મોટે ભાગે તેઓ અજેય અથવા યુદ્ધના ભોગ ના બન્યા હોય. અહીં લગભગ ૫૦૦વર્ષો સુધી માત્ર વોડિયાર વંશે રાજ કર્યું છે. જેમ ખીચડી પાર્ટીઓની સરકારના રાજ કરતા બહુમત મેળવેલી પાર્ટી વધુ સારા નિર્ણયો લઈ કામ કરી શકે તેમ જ અહીં મૈસોરની બાબતમાં થયું. એક જ વંશના રાજને કારણે વીજળી, પાણી, રસ્તા, રેલ જેવી સુવિધાઓમાં તે હંમેશ મોખરે રહ્યું.આજે પણ જ્યારે મોખરે રહેવાના માપદંડો થોડા બદલાયા છે ત્યારે પણ મૈસોર ભારતના સ્વચ્છ શહેરો પૈકી એકમાં આવે છે. તેની સ્વચ્છતા તો મુલાકાતની પહેલી નજરમાં જ વસી જાય.
* મૈસોર મહેલ :
મૈસોરનું નામ જેમણે સાંભળ્યું હોય તેમણે મૈસોર મહેલ વિશે ના સાંભળ્યું હોય તે શક્ય જ નથી. શહેરમાં આવેલા સાત મહેલોને કારણે તે 'સીટી ઓફ પેલેસ' તરીકે જ ઓળખાય છે. ઘણા મહેલો અત્યારે સરકારી ઓફીસ તરીકે વપરાય છે, જેમકે સ્વતંત્ર ભારતને મદદ કરવા એક મહેલને જનરલ હોસ્પિટલ બનાવી આપી અને રાણીના એક મહેલને CTFRI માટે દાન આપ્યો છે. રાજાશાહી સુંદર સ્થાપત્ય કે જેનો અત્યારે જાહેરહિતના કામો માટે પણ ઉપયોગ થાય છે તેને કારણે મૈસોર હાઇટેક શહેર બન્યું હોવા છતાં તેમાં એથનિક દેખાવનો અહેસાસ થાય છે અને આ બાબત શહેરને એક નવીન અનુભવ બનાવે છે. સહુ મહેલોમાં મૈસોર મહેલની વાત ન્યારી છે. તે ભારતનું તાજ મહેલ પછીનું બીજું સહુથી પ્રસિદ્ધ પ્રવાસી આકર્ષણ છે.
મહેલનો દિવસનો નજારો |
જૂનો મહેલ સંપૂર્ણ લાકડાનો બનેલ હતો જે એક રાજકુમારીને લગ્ન દરમ્યાન લાગેલી આગમાં નાશ પામ્યો, ત્યારબાદ ૧૮૯૬માં એ જ જગ્યાએ અત્યારનો બનેલો મહેલ શરૂ કરવામાં આવ્યો જેનું કામ છેક ૧૯૧૨માં પૂરું થયું. એટલું જ નહીં ત્યારબાદ પણ સમયાંતરે અમુક ફેરફારો થતા રહ્યા.
મહેલના વિશાળ પ્રાંગણમાં ૧૮મંદિર આવેલ છે, મહેલના ગેટ પરથી પ્રવેશ કરતાં જ તેની ભવ્યતાનો ખ્યાલ આવે. ત્રણ માળની ભવ્ય ઇમારત, મહેલની ચારેકોર બગીચા અને હજારો લોકો એકદમ આરામથી સમાઈ જાય તેટલું પ્રાંગણ પ્રવાસીઓને પહેલી મુલાકાતના જ પ્રેમમાં પાડે છે.
હા, વેકેશનમાં તેમાં પણ જાહેર રજાઓના દિવસે અહીં ભીડ ખૂબ જ હોય છે તેથી ટીકીટ માટેની મોટી લાઈનની ગણતરીપૂર્વક જવું. વળી, ટિકિટ માત્ર પેલેસની અંદર જવા માટે જ.. જો પેલેસને માત્ર તેના પ્રાંગણથી નિહાળવો હોય તો કોઈ ફી નથી. એકવાર અંદર ગયા પછી પાણી વિગેરેની વ્યવસ્થા સરસ છે. મહેલને આમ તો હવે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. તેથી ઇતિહાસમાં રસ ધરાવનારાઓ માટે એક વધારાનો ફાયદો કહી શકાય. જો કે મહેલના અમુક વિસ્તારને જ જોવા મળે બાકીના ભાગમાં હજુ રાજા અને તેમનો પરિવાર નિવાસ કરે છે. મહેલની કોતરણી, છત પરનું અદભુત આર્ટ વર્ક, વિશાળ દરબાર હોલ વિગેરે તે સમયની જાહોજલાલી દર્શાવે છે.
અહીં પ્રાંગણમાં આવેલા મંદિરો પૈકી એક મંદિરની સામેના મેદાનમાં હાથી રાખવામાં આવેલો છે. મહાવત તેને આમથી તેમ ફેરવે અને હાથી સામે તમે અમુક રૂપિયા ધરો એટલે તે તેને સૂંઢમાં લઈને મહાવતને આપે સાથે સૂંઢ તમારા માથા પર રાખી આશીર્વાદ આપે. દક્ષીણ તરફના જંગલોમાં હાથીઓનું પ્રમાણ સારું એવું છે, આ વિશાળકાય પ્રાણીનો રાજકીય મોભો દર્શાવવા માટે આ વિસ્તારમાં વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. સમગ્ર મ્યુઝીયમની મુલાકાત દરમ્યાન હાથી સજાવટની વસ્તુઓ પણ અન્ય રાજાશાહી સરસામાન સાથે સ્થાન ધરાવે છે. હાથીની ડીઝાઇન્સનો કોતરણી કે ચિત્રકામમાં પણ ઉપયોગ જોવા મળે છે, એ રીતે જોઈએ તો હાથી આ સ્થળની સંસ્કૃતિનો એક ભાગ છે.
મંદિરની પાછળની જગ્યાએ એકલા નંદીનું મન્દિર છે, જેના માટે બીજો રસ્તો લેવો પડે, જ્યાં ભારતનો ત્રમ્બકેશ્વર અને રામેશ્વર પછીનો ત્રીજા નમ્બરનો મોટો નંદી છે. ઉપરની બંને જગ્યાએ તો મહાદેવજી સાથે નંદી છે જ્યારે મૈસોરમાં માત્ર નંદીનું મંદિર છે. શરૂઆતમાં કાળા કલરનો નંદી આજે એકદમ સફેદ થઈ ગયો છે.. વૈજ્ઞાનિક માને છે કે કદાચ તેને ચડાવવામાં આવતા તેલના કેમિકલની અસર થઈ હોઈ શકે.
મંદિરની પાછળની જગ્યાએ એકલા નંદીનું મન્દિર છે, જેના માટે બીજો રસ્તો લેવો પડે, જ્યાં ભારતનો ત્રમ્બકેશ્વર અને રામેશ્વર પછીનો ત્રીજા નમ્બરનો મોટો નંદી છે. ઉપરની બંને જગ્યાએ તો મહાદેવજી સાથે નંદી છે જ્યારે મૈસોરમાં માત્ર નંદીનું મંદિર છે. શરૂઆતમાં કાળા કલરનો નંદી આજે એકદમ સફેદ થઈ ગયો છે.. વૈજ્ઞાનિક માને છે કે કદાચ તેને ચડાવવામાં આવતા તેલના કેમિકલની અસર થઈ હોઈ શકે.
હવે, જેમણે મૈસોર મહેલમાં ભારતના બીજા મહેલો કરતા એકદમ અનેરો જે શો અહીં થાય છે તેની વાત કરીએ. જાહેર રજાના દિવસે તેમજ દર રવિવારે મૈસોર મહેલ એકદમ સાંજના સાત વાગ્યે ઝગમગી ઉઠે છે. આખા મહેલ પર કાયમ માટે લાખો બલ્બ ગોઠવવામાં આવ્યા છે જે રજાના દિવસો પર એકદમ સાત વાગ્યે એકસાથે ઝળહળી ઉઠે છે. માત્ર મહેલની ઇમારત જ નહીં, મંદિરો, મહેલના ગેટ જેવી પ્રાંગણમાં આવેલી દરેક વસ્તુઓ લાઈટથી ઝળહળી ઉઠે છે.
અદ્બુત મહેલ |
અંધારું થતાં જ એકસામટા આટલા બલ્બના થતા પ્રકાશમાં મહેલ એવો શોભી ઉઠે છે કે પરિસરમાં હજ્જારોની ભીડમાં પણ અમુક ક્ષણો પૂરતી સંપૂર્ણ શાંતિ પ્રસરી જાય છે. ત્યારબાદ જો કે થોડી જ ક્ષણો બાદ કેમેરાની ક્લિકસથી આખું પ્રાંગણ ગુંજી ઉઠે છે અને સહુ કોઈ આ અદભુત ક્ષણને કેમેરામાં કેદ કરવા મથે છે. જો, તમે મૈસોર જવાનું પ્લાનિંગ કરો તો પ્લીઝ અમારી ખાસ વિનંતી રહેશે કે મહેલ જોવાનો પ્રોગ્રામ રવિવાર કે જાહેર રજાના દિવસે જ ગોઠવશો.
મહેલનો એક ગેટ |
* ચામુંડા માતા મંદિર (ચામુંડી હિલ) :
હવે ફરી યાદ કરીએ ચામુંડી દેવીને, ભારતમાં મોટેભાગે દેવીના મંદિરો ટેકરી પર આવેલ હોય છે તેમ ચામુંડી માતાનું મંદિર પણ મૈસોરની ખુબ સુંદર ટેકરી પર આવેલું છે. અને ટેકરીનો રસ્તો પણ છેક સુધી કાર જઈ શકે તેવો સરસ. ફિટનેસ શોખીન લોકો અહીં જોગીંગ માટે અથવા સાઈકલ કે બાઈક રાઈડ માટે વહેલી સવારે નીકળી પડે છે. વહેલી સવારે ખુશનુમા વાતાવરણ સાથે આહલાદ્ક સૂર્યોદયનો જોવાનો પણ લાભ મળે છે. ટેકરી પર આવતાં વળાંકો પર ઉભા રહેવાથી ઠંડી હવા સાથે આખા મૈસોરનો નઝારો જોવા મળે છે. સદગુરૂ જગ્ગી વાસુદેવ, જે પોતે મૈસોરના છે તેમણે ચામુંડી હિલના આવા જ કોઈ વળાંક પર થયેલી અનુભૂતિ એમના શબ્દોમાં વર્ણવેલી છે. ટેડ ટોક્સ નામનો એમનો વિડીયો પણ યુ ટ્યુબ પર જોવા મળી શકશે.
મંદિરનું પરિસર તેમજ તેની બાંધણી, તેના ઘુમ્મટનો પ્રકાર, કોતરણી, સ્તંભો તેમજ આંતરિક રચના અન્ય દક્ષિણના મંદિરો જેવી છે. મંદિરની બહાર કમળના ફૂલો સાથેની પૂજાની સામગ્રી વહેંચાય છે જે ખુબ જ સુંદર રીતે સજાવેલ હોય છે. મંદિરથી થોડે જ આગળ માહિસાસુરનું ખુબ મોટું પુતળું આવેલું છે જેની આસપાસ શોપિંગ તેમજ નાસ્તા માટેની હારબંધ દુકાનો આવેલી છે. જ્યાં અસ્સલ લોકલ ટેસ્ટનો ઇન્ડીયન નાસ્તો મળે છે, જેનો લાભ લેવા જેવો ખરો.
વોડીયાર વંશના રાજાઓ પણ ચામુંડી દેવીના પરમ ભક્ત છે જેથી મહેલનું મુખ પણ ચામુંડી હિલની દિશામાં જ રાખવામાં આવેલ છે.
* સેન્ડ મ્યુઝિયમ :
ચામુંડી માતા મંદિરથી ઉતરતાં જ ટેકરીની તળેટીમાં આવેલું સેન્ડ મ્યુઝીયમ પણ ખાસ જોવા જેવું છે. રેતીની શિલ્પકારીનું આખા ભારતમાં આવેલું આ એકમાત્ર મ્યુઝીયમ છે. આ બનાવનાર યુવતી પણ ભારતની એકમાત્ર રેત શિલ્પકાર છે. અંદર પ્રવેશતાં જ ગણેશજીની ભવ્ય મૂર્તિ આપણું સ્વાગત કરે છે. અને તે બાદ તો એક પછી એક ૧૫૦ આસપાસના રેત શિલ્પ અચરજમાં મુકે છે.
મૈસોરમાં થતી દશેરાની ભવ્ય ઉજવણી વિષે તો લગભગ સહુએ સાંભળ્યું હશે. દિવસો સુધી આખા મૈસોરને નવોઢાની જેમ શણગારવામાં આવે. અને આખા મૈસોરમાં બસ ફક્ત દશેરાની ઉજવણી વિષેની જ ચર્ચા હોય. આ દિવસો દરમ્યાન કર્ણાટકના નામી કલાકારો પોતાની કળાનું પ્રદર્શન કરે. દશેરાના દિવસે શણગારેલા હાથીઓ સાથે નીકળતું વિશાળ શોભાયાત્રા વૈશ્વિક સ્તરે પ્રચલિત છે.
મૈસોર એ સ્વચ્છતા, ટેકનોલોજી, કુદરતી સૌન્દર્ય એ બધાયની સાથે સાચા અર્થમાં સંસ્કૃતિનું શહેર છે. સંસ્કૃતિનો કુચડો અર્થ આપણે ફેન્સી ડ્રેસ જેવા કપડાં અને આપણે ક્યારેય જોતા, સાંભળતા ના હોઈએ તેવા સંગીત, નૃત્ય અને કોતરણી સાથે કરી દીધેલો છે. હકીકતે સમયના વહેણ સાથે પોતાની આગવી અદામાં વિકસવું તેને કદાચ સંસ્કૃતિ કહી શકાય. અહીં આધુનિકતાના વિરોધની કોઈ વાત જ નથી. મૈસોર સોફ્ટવેર ક્ષેત્રમાં નામ કાઢી લીધા બાદ પણ ચંદન અને કાષ્ઠની કારીગરી તેમજ સિલ્કના પરંપરાગત વસ્ત્રોના ઉદ્યોગમાં પકડ ઝાલી રહ્યું છે. અહીંના લોકોમાં ટેકનોલોજીનો સ્વીકાર જરૂર છે પણ આધુનિક દેખાઈ જવાની ઉતાવળ નથી તેમજ પ્રવાસીઓના આધુનિક દેખાવ પ્રત્યે કોઈ છોછ કે અણગમો પણ નથી. પોતાની ભાષા પ્રત્યે હજુ પણ તેમને ગૌરવ અને પ્રેમ છે. હિન્દી, અંગ્રેજી ના સમજવાની કોઈ ભોંઠપ નથી. જરૂર પૂરતા શબ્દોથી આપણી સાથે તેઓ વાત વ્યવહાર કરી લે છે. હરવા ફરવાના સ્થળોએ લાઉડ મ્યુઝીક, બિનજરૂરી દેકારો કે મોટે મોટેથી ભાવનાઓનું પ્રદર્શન જલ્દીથી જોવા મળતું નથી. એક સ્વયંભુ શિસ્ત આ પ્રજામાંથી શીખવા જેવું છે. પોતાના પરંપરાગત ખોરાક શૈલી, ઘરનું રાંધેલું ભોજન અને ફળો જેમાં પણ ખાસ કરીને કેળાં તેમને જરીપુરાણા લગતા નથી અને જંક ફૂડને સ્ટેટ્સ સિમ્બોલ ગણી લેવાની તેમને જરૂર લગતી નથી. આ બધી બાબતો આપણા મૈસોર સફરને વિશેષ બનાવે છે.
મૈસોર જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે પ્રમુખ આતુરતા, રહેવા-જમવાની સગવડો વિષે જાણવાની હોય તે સ્વાભાવિક છે, પરંતુ અમારા કાયમી યજમાન ફોરમ તથા મંથન છાયાની મહેમાનગતિ અને હરવા ફરવામાં ગાઈડલાઈનને કારણે આ બધી પળોજણ અમારા ભાગે આવી ન હોવાના કારણે કોઈ વિશેષ માહિતી પરિસી શકાય તેમ નથી. આ બ્લોગમાં રહેલી કેટલીક બારીક માહિતીઓ પણ તેમને આભારી છે. લગભગ બારેમાસ આહલાદક વાતાવરણ ધરાવતું અને ફરવા જઈએ તો વસી જવાની ઈચ્છા થાય તેવા આ શહેર વિષે વધુ વાતો આવતા અંકે...
Good 👌
ReplyDeleteThank u himal
Deleteખૂબ જ મજેદાર. આવતા અંક ની રાહ રહેશે
ReplyDeleteખૂબ આભાર પૂજન :)
Deleteabehub varnan.....
ReplyDeleteThanks a lot :)
Deleteખુબ સુંદર વર્ણન...હવે પછીની સાઉથની મુલાકાત માં ચોક્કસ સમાવવા લાયક સ્થળ. ..
ReplyDeleteચોક્કસ સમાવજો. અને અનુભવ શેર કરજો :) આભાર
Delete