દીવ, કેન્દ્રશાસિત પ્રદેશ
વેકેશન પૂર્ણ થઇ ચુક્યું છે,
આ વેકેશનમાં ગરમીએ તમામ રેકર્ડ તોડ્યા છતાં વેકેશન તો ગરમીઓમાં જ મળે છે, જો કે
તેનું પણ કારણ છે કે ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં જ્યાં ઘણીખરી જગ્યાઓએ મે મહિનાનું
તાપમાન ચાલીસી વટાવી ગયું હોય તેમાં બાળકો પાસે પચાસ અન્ય વિદ્યાર્થીઓ સાથે
વર્ગમાં બેસાડીને છ સાત કલાક લેશન કરાવવું જરાય માનવીય નથી. બહારનું તાપમાન ૪૫
ડીગ્રી કે તેથી વિશેષ આંબે એટલે શરીરમાં રહેલા પ્રોટીનમાં વિકૃતિ જન્મ લેવા માંડે
છે, પાચન નબળું પડે છે, પાણીની સતત તાણ વર્તાય છે અને લૂ તો વળી અલગ જ બલા છે
ત્યારે બાળકો તો ઠીક પુખ્તોની હાલત પણ બગડવા માંડે. જો કે હવે મોટાભાગની કોર્પોરેટ
ઓફિસો અને ધંધાદારીઓની ઓફિસો એ.સી બની ચુકી છે, પરંતુ ૨૪ કલાક તો તેમાં પણ વિતાવી
શકાય નહીં. પાછુ દિવાળીથી ઉનાળા સુધી એટલે કે લગભગ પાંચ થી છ માસ સતત કામ કર્યા
પછી કંટાળો પણ આવે જ ને? બ્રેક તો બનતા હૈ.
બાળકો ઘરમાં હોય, બહાર તડકો
ભડાકા દેતો હોય એટલે વધારે રમવા પણ ન દેવાય, ઘરમાં માતા પિતા વ્યસ્ત હોય, રમવાવાળા હમ ઉમ્ર ભાઈ કે બહેન હોય એ લોકો સાથે પણ પંદર દિવસમાં સારાસારી પૂરી થઇ હોય અને
મારામારી શરુ થઇ ગઈ હોય, ટીવી સતત જુએ કે મોબાઈલ રમે એ પણ ઉચિત નહિ, તો પછી થોડો
પ્રવાસ કરવામાં કશું ખોટું નહીં. એકબીજા સાથે રહેવાનો મોકો પણ મળે, રીલેક્સ પણ
થવાય અને અનેક વસ્તુઓ જાણવા, શીખવા, અનુભવવા મળે. જો કે ચિક્કાર ગરમીમાં સહુ ફરવા
જવા માટે ઠંડક વાળા વિકલ્પો જ શોધતા હોય તે સમજી શકાય તેવી વાત છે, તો ઠંડક માટે ય
તો ઉંચાઈ પર એટલે કે હિલ સ્ટેશનમાં જવું પડે અથવા દરિયા કિનારે કારણ કે પાણીની
તાપમાન અને ઉષ્ણતાને લગતી જે પ્રોપર્ટી છે તેના હિસાબે દરિયા કિનારા નજીક વાતાવરણ
વાતાવરણ સમ રહે છે, ઉનાળો પ્રમાણમાં ઠંડો અને શિયાળો પ્રમાણમાં હુંફાળો રહે છે.
ગુજરાત દરિયા બાબતે સહુથી વધુ નસીબદાર છે કારણ કે ભારત જેવા દ્વીપકલ્પમાં સહુથી
વધુ કોસ્ટલાઈન ધરાવતું રાજ્ય ગુજરાત છે જેની ફરતે અરેબીયન સમુદ્ર એ રચેલ ૧૬૦૦
કિમીનો કિનારો છે, એ હિસાબે ખાડી વિસ્તાર કે ઊંડા પાણીવાળો કિનારો ધરાવતા બંદરો
તેમજ કાદવ કીચડ ધરાવતા વિસ્તારોને બાદ કરીએ તો પણ પુષ્કળ બીચીઝનો ગુજરાતને લાભ મળે
છે, જેની સામે ઓફિશિયલી રહેવા જમવાની સારી વ્યવસ્થા તેમજ સિનિક પોઈન્ટ્સ ધરાવતું
કોઈ હિલ સ્ટેશન હોય તો તે સાપુતારા એકમાત્ર વિકલ્પ બની રહે છે જે અહીં ક્લિક કરી વાંચી શકો છો. બીચ તો જાણે ઘણા, પણ મસ્ત હરવા ફરવાના સ્થળો હોય, સનસેટ તેમ
જ સનરાઈઝ જોવાની વ્યવસ્થા હોય, દરિયા કિનારે થોડી મોજમસ્તીના વિકલ્પો હોય, સારા
રહેવા જમવાના વિકલ્પો હોય, બાળકો માટે ગમ્મત, ટીનેજર્સ માટે એડવેન્ચર, યુથ માટે
રોમાન્સ, ફેમીલી માટે કમ્ફર્ટ અને ટોપ ઓફ ઓલ ટુરિસ્ટ માટે આઝાદીનું વાતાવરણ હોય
તેવી જગ્યાઓ શોધવામાં આવે તો ગુજરાતમાં દીવને પહેલો નંબર આપવો પડે.
હાલે ઘણી ગુજરાતી ફિલ્મોમાં
દીવને સારું એવું પબ્લીસાઈઝ કરવામાં આવ્યું છે, લવની ભવાઈમાં ખાસ્સા સીનમાં લગભગ
આખું દીવ કવર કરવામાં આવ્યું છે, ગુજરાતી બેકગ્રાઉન્ડ પર બનેલ હિન્દી ફિલ્મ કાયપો
છે માં પણ દીવના સીન્સ છે, તે સિવાય પણ અનેક હિન્દી, ગુજરાતી, ફિલ્મો અને
સિરીયલ્સમાં દીવની સુંદરતાનો ઉપયોગ કરવામાં આવેલ છે. થોડો વર્ષ પહેલા અમે દીવની
મુલાકાત લીધેલ ત્યારે મહિમા ચૌધરી અભિનીત કોઈ ફિલ્મનું શુટિંગ નજીકમાં ચાલુ હતું.
દીવ ભારતનો કેન્દ્ર શાસિત
પ્રદેશ અને ભૌગોલિક રીતે એક ટાપુ છે, જો કે નજીકમાં નજીકના શહેર ઉના સાથે તેને બે
બ્રિજથી કનેક્ટ કરવામાં આવેલ છે. બ્રીજ પર બનાવવામાં આવેલ રોડ એટલો સુગમ છે કે
શરૂઆતની એકાદ બે મુલાકાતો દરમ્યાન મને એવું રીયલાઈઝ પણ નહોતું થયું કે દીવ એક ટાપુ
છે, કોઈ નજીકનું શહેર જ હોય એટલી સુચારુ રીતે તેને જોડવામાં આવેલ છે. દમણ અને દીવ
એ રીતે બનેલ કેન્દ્રશાસિત પ્રદેશનું પાટનગર પાછું દમણ છે જે બંને વચ્ચે રોડ રસ્તે
જતાં ૫૦૦ કિમીથી પણ વધુ અંતર છે. દીવ જવા માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી, થોડા વર્ષો
પહેલા સુધી બસમાં જવા માટે પણ વેરાવળ નજીકમાં નજીકનો વિકલ્પ હતો જ્યાંથી સિંગલ
પટ્ટી ખડખડિયા રોડ પર ઉના અને પછી ત્યાંથી દીવ જઈ શકાતું પરંતુ છેલ્લા થોડા
વર્ષોમાં પરિસ્થિતિમાં ખાસ્સો સુધાર થયો છે અને દીવ સુધી ડાયરેક્ટ બસો પણ ખાસ્સી
વધી છે. આ તરફના રોડ રસ્તાઓના બાંધકામમાં કચાશનું કારણ એ પણ છે કે ગીરનું જંગલ પણ
અડીને આવેલ છે, જેથી ત્યાંથી પસાર થવું અગવડભર્યું હોવાની સાથોસાથ ફોરેસ્ટ
વિસ્તારમાંથી પસાર થવાનો લાભ પણ મળી શકતો. દીવ સાથે ગીરના એ રૂટ પરના એકાદ બે
સ્થળો પણ લઇ શકાય જેમ કે તુલસીશ્યામ મંદિર અને પોતાનું વાહન હોય તો ગીર ટુરીઝમનો લાભ
પણ લઇ શકાય. એ રૂટની જગ્યાઓએ સિંહો મળી જવા એ કોઈ અત્યંત દુષ્કર નથી. કેટલાક વર્ષો
પહેલાં દીવથી વળતાં મોડું થયેલ અને અમે જંગલના બદલે અન્ય રસ્તેથી આવતા હતા ત્યારે
જંગલમાંથી વટાતા ન દેખાયેલ પણ રોડ પર પહોંચી આવેલ એક સિંહણના દર્શન થયેલ ખરા.
અહાહા, રોડ પરથી પસાર થતી એ સિંહણની નિર્ભય આંખ અને ચાલ જોતાં જ ખ્યાલ આવી ગયો કે
કેમ પંચતંત્રમાં સિંહને જંગલનો રાજા કહ્યો છે.
બાય ધ વે, અન્ય કેન્દ્ર શાસિત
પ્રદેશોની માફક તે વેલ મેઇન્ટેઇન્ડ
છે, સુંદર અને પહોળા સુગમ રસ્તાઓ, સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પ્રાથમિક સુવિધાઓ
આસાનીથી હાજર હોવાને કારણે પ્રવેશતાની સાથે ગુજરાતના જે શહેરોનો પ્રવાસ કરીને તમે
પહોંચ્યા હોવ તેના કરતાં ચોક્કસ પણે તફાવત ઉડીને આંખે ચડશે. આશરે ૩૫ થી ૪૦ વર્ગ
કીમીમાં ફેલાયેલા ટાપુના શહેરના રહેણાંક વિસ્તારના ખાસ્સા ૪૦૦ વર્ષ સુધી સદર
વિસ્તાર ગોઆની માફક જ પોર્ટુગીઝ હકુમતમાં રહેલો જેના કારણે પોર્ટુગીઝ સંસ્કૃતિની ઝલક
અહી નજરે ચડ્યા વિના રહે નહીં. ઈતિહાસ જોવામાં આવે તો લગભગ ઈ.સ. ૪૦૦ના અરસાથી
મૌર્ય વંશના શાસકો દ્વારા તે સમયે સૌરાષ્ટ્ર કહેવાતા આ પ્રાંતમાં સૂબાઓ નીમી શાસન
ચલાવવામાં આવતું, સમ્રાટ અશોક અને તેમના પછી તેમના પુત્ર સુધી આ શાસન ચાલ્યા બાદ
મુસ્લિમ આક્રમકોએ સોમનાથ અને આસપાસના પ્રદેશને જીતી લેતાં થોડા સમય મુસ્લિમ શાસકોના
શાસનમાં સદર વિસ્તાર રહેલ અને બાદમાં સને ૧૪૯૮માં ભારતનો જળમાર્ગ શોધાયા બાદ લગભગ
૧૫મી સદી અર્ધી પસાર થયેલ ત્યારે પોર્ટુગીઝ શાસકો સદર વિસ્તાર પર વિજય મેળવવામાં
સફળ ગયેલા અને અંગ્રેજ શાસનની સદી વીતવા છતાં દીવ દમણ અને ગોવા પોર્ટુગીઝ શાસકોના
નેજામાં રહેલ જે ભારતને અંગ્રેજ શાસકોમાંથી આઝાદ મળ્યાના લગભગ દોઢ દસકા બાદ મુક્ત
થયેલ.
દીવના
જોવાલાયક સ્થળોમાંથી મુખ્ય સ્થળોની વાત કરીએ તો પોર્ટુગીઝ શાસન દરમિયાન બનાવવામાં
આવેલો ફોર્ટ આજે પણ સાબુત છે, દીવના પશ્ચિમ કાંઠા તરફ આવેલ આ કિલ્લો રક્ષણાર્થે
બનાવવામાં આવેલ તથા મજબુત બાંધકામ ધરાવતા દરિયાના મોઢા પર ઉભેલા કિલ્લામાં ફરવાનો
અવસર ચૂકવા જેવો નથી. પાનીકોટા ફોર્ટ કે જે દીવની જેલ તરીકે લાંબો સમય વપરાતી રહી
તે પણ નજીકમાં જ જોઈ શકાય છે. દીવમાં આવેલ પ્રખ્યાત ચર્ચો પૈકી સેન્ટ પોલનું ચર્ચ
સુંદર બાંધણી ધરાવતું વિશાળ ચર્ચ છે, જો કે અમને ચર્ચમાં રહેલ શાંતિ વધુ પ્રિય છે.
આઈ.એન.એસ કુખરી નામનું ભારતીય નૌકાદળનું જહાજ ૧૯૭૧ના યુધ્ધમાં તેમાં રહેલ આપણા
સૈનિકો સહીત પાકિસ્તાની ટોરપીડોથી ઘાયલ થઇ જળસમાધી પામેલ તેની સમાધિના માનમાં આ જ
નામનું મેમોરીયલ બનાવવામાં આવેલ છે. ગંગેશ્વર મંદિર કિનારા પર આવેલ રસપ્રદ જગ્યા
છે જ્યાં શિવલિંગોની સ્થાપના નીચાણમાં કરવામાં આવેલી છે અને દરિયાની ભરતીના મોજા
દ્વારા તેમાં જળ અભિષેક થાય છે. આ ઉપરાંત ત્યાંની સંસ્કૃતિ અને દરિયાઈ જીવનને
અનરૂપ બે મ્યુઝીયમ પણ આવેલ હોવાનું જાણમાં છે પરંતુ અમોએ મુલાકાત લીધેલ ન હોઈ તે
અંગે વિશેષ કશું લખવું ઉચિત નથી. સાથે જ નાઈડા કેવ્ઝ પણ ફોટોગ્રાફરો માટેનું સ્વર્ગ છે, જો કે રસ્તો થોડો દુર્ગમ હોવાથી અજવાળામાં જવું હિતાવહ છે.
નાઈડા કેવ્સ |
દીવાદાંડી પર ચડીને નજરો જોવા મળે અને સુદૂરના વ્યુ સાથે સેલ્ફી લેવાનો ચાન્સ પણ ખરો. વોટર સ્પોર્ટ્સના શોખીનોને નાગવા બીચ પર વિકલ્પો મળી રહેશે, અને શાંત બીચ પર રેતીમાં ચાલવાના, છીપલાં વીણવાના કે તરવાના આશીકો માટે એકાંતમય બીચ પણ નજીકમાં મળી રહે! અહી ફરવા માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર આસાનીથી ભાડે મળી રહે છે. પેટ્રોલ સાથે એ દિવસનું ભાડું ચૂકવો અને મન ફાવે ત્યાં ફરો. રસ્તામાં આવતા મોટા સાઈનબોર્ડસને કારણે કશી મુશ્કેલી નડે નહી. ગુજરાતીઓને ફૂડ તો સારું અને અવનવું જ જોઈએ તો દીવમાં પણ ખાણીપીણીના ઘણા વિકલ્પો મળે. રહેવા માટે અનેક પાધરી હોટેલ્સ અને લકઝરી રીઝોર્ટસ પણ ખરા. જો કે, પડોશમાં જ માસી રહેતા હોય એવો સંયોગ અમારા જેવા કિસ્મત વાળાને જ મળે.. હહાહા.
ગુજરાતનો પ્રોહિબીશનનો કાયદો અહીં દીવ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે ના નડે તેથી આલ્કોહોલના આકર્ષણને લીધે પણ કેટલાક પ્રવાસીઓનો ઝોક દીવ તરફ રહે છે. જો કે, ચોરીછૂપીથી આલ્કોહોલ ગુજરાતમાં ના પ્રવેશે તેની ચોક્કસાઈ માટે લોકલ પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ થતું રહે છે. અઠવાડિયું લઈને નીકળ્યા હોવ તો સોમનાથ, ગીર, તુલસી શ્યામ અથવા જૂનાગઢને સાથે જોવાનું વિચારી શકાય.
સેન્ટ પોલ ચર્ચ. |
ગંગેશ્વર મહાદેવ |
અમને લાગે છે કે દરિયાનું પોતાનું કોલિંગ હોય છે, ભાગ્યે જ કોઈ હશે જેને સમુદ્રતટનું આકર્ષણ ના હોય, કદાચ દરિયો માણસ મનને અનુરૂપ છે તેના સતત ઉછળતા મોજાની જેમ આપણા મનમાં પણ ઉથલપાથલ થતી રહે છે. ભરતી માફક રોજ ઉશ્કેરાઈએ અને ઓટની માફક રોજ થાકતા આપણે એ ના એ કિનારે પછડાયા કરીએ છીએ. એકાંત કાંઠા પર દરિયાનો ઘૂઘવાટ અને પવનનો સુસવાટ, પાણી પગને સ્પર્શે તેમ ક્ષિતિજને નીરખીને બસ ચાલ્યા જ કરવાનો આનંદ! સૂર્યને ઉગતા કે આથમતી વખતે આકાશની રંગોળી નિહાળવાની નિરાંત ક્યાં ક્યારે આપણને સાંપડે છે?
સુંદર સ્થળોની મુલાકાત લેવામાં એ સુંદરતાનો કોઈ અંશ કવચિત આપણામાં પ્રવેશે છે ! તો સહુ મુલાકાતીઓને સુંદરતા મુબારક.
ફોટો કર્ટસી : અર્પિત માંકડ, આરોહી માંકડ.
Chello para bahu gamyo dariyo ane management svbhav �� --.jahnvi antani
ReplyDeleteખૂબ ખૂબ આભાર જાહનવી બેન.
DeleteBahu saras lakhyu chhe....ane sache avu chhe j ....swachchh ane sundar
ReplyDeleteયસ જયતી.. ખૂબ ખૂબ આભાર.
DeleteVery nice...
ReplyDeleteThanks a lot :)
Deleteસરસ વર્ણન.
ReplyDeleteખૂબ આભાર.
Deleteઅરે વાહ... આટલું વિસ્તૃત વર્ણન! મજા આવી ગઈ વાંચીવાની....
ReplyDeleteખૂબ આભાર સરલા'દી
DeleteDiu તો બહુ બધી વાર જઇએ છીએ પણ આટલું બધુ ફરવા લાયક છે નહોતી ખબર....ફોર્ટ અને ચર્ચ ની મુલાકાત લીધી છે, પણ નાઈડા કેવ્સ જોવું પડશે....
ReplyDeletethanks a lot..
Delete