લાઈફ લાઈન - જય વસાવડા


 

આપણે આયખું જેમના સંગાથે પસાર કરીએ, એ લોકો આપણા જીવનનો હિસ્સો બની જતા હોય છે. આપણા માતા-પિતા, ભાઈ-બહેનો, મિત્રો-પડોશીઓ કે સહકાર્યકરો ઉપરાંત આપણે આપણા સમયના પ્રભાવકો સાથે પણ ઉછરતા હોઈએ છીએ. આપણે કોઈ ક્ષેત્રનું આકર્ષણ હોય જેમ કે, કોઈને શેર-માર્કેટનું હોય તો કોઈને એડવેન્ચરનું, કોઈને ફેશનનું તો કોઈને ચિત્ર કે હસ્તકળાનું, કોઈને પુસ્તકોમાં ડૂબકી મારવી ગમે તો કોઈને સુરો પ્રત્યે પ્રેમ હોય, કોઈને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય તો કોઈને ફિલ્મોનો ફિતૂર હોય. મારા માનસપટ પર બાળપણમાં ચિત્રકથાઓ પલાઠી મારીને બેસી ગયેલી. પંચતંત્ર, રામાયણ-મહાભારતની કથાઓ, અરેબીયન નાઈટ્સ, અલીબાબા ચાલીસ ચોર અને સિંદબાદ જહાજી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોની કથાઓ અને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ... કેટલીક કથાઓ આજે પણ તાદ્રશ છે જયારે કેટલીક વિસારે પાડી દીધી છે.

 

સમય અને પ્રાયોરીટી બદલાતા રહ્યા, વાંચન ઓછું વધતું થતું રહ્યું, રસના પુસ્તકો ઉમરની સાથે બદલાયા પણ એ શોખ જિંદગીના રોડની સમાંતર ચાલતી ફૂટપાથ જેમ સાથે રહ્યો. ઘણી વખત તેની ઉપર ચડીને નોલેજ અને વિઝડમ ધરાવતું સાહિત્ય વાંચીને ચાલી લીધું તો ક્યારેક કોઈક નાનકડી કોમિક કે હાસ્યકથાના બાંકડે બેસીને થાક ખાઈ લીધેલો. જરા સમજણા થયા પછી છાપાં અને ખાસ કરીને તેમાં આવતી રંગબેરંગી પૂર્તિઓનો ચસ્કો ચડેલો. રજાના દિવસે ઘરના સભ્યોના ટ્રાફિક વચ્ચે આપણે એ પૂર્તિ કઈ રીતે હાથવગી કરવી એની મથામણ ચાલતી. એક સમાચારપત્રની રવિ-બુધની પૂર્તિમાં જય વસાવડા સાહેબના આવતા આર્ટિકલથી એમનો સથવારો શરુ થયેલો. વર્ષો સુધી ઓલમોસ્ટ નિયમિત રીતે એમના લખાણો વાંચેલા. સમજ અને વિવેક ડેવલપ કરવાની અને ખરું ખોટું સમજવાનો ઠહેરાવ આવ્યો ત્યાં સુધી એમના આર્ટીકલ્સ ફક્ત મસ્ત શબ્દો, હ્યુમર, ઇન્ફર્મેશન અને સેટાયર્સ માટે વાંચતા રહ્યા. વર્ષો બાદ પરણીને ઠરી ઠામ થયેલા “હમો” સાથે લેખમાં ચર્ચાયેલ મુદ્દા બાબતે ચર્ચા કરવાવાળા પતિદેવ આ જર્નીમાં ઉમેરાયા હતા. પતિદેવ જયજીના ફેન એટલે જે લખાયું એ બધું ખરું એવી તરફેણમાં ચાલે. જયારે “હમો” ઓપીનીયનમાં ડીફર થવાની લીબર્ટી લઇ લઈએ. અહીં વાત એ મુદ્દાના કે ખરા ખોટાપણાની નથી પણ લેખક સાથે ચાલુ રહેલ સંગાથની છે.

 

જીવનના થોડા વર્ષો ઘણા બીઝી રહ્યા. એ દરમિયાન ઈન્ટરનેટે કોઈ વાયરસની માફક અધધધ ઝડપે મ્યુટેટ થઈ વિશ્વની અર્ધી આબાદી પર કબજો જમાવી લીધો. જયારે હું ઘોડિયું, ગેસ-સીલીન્ડર, શાક-પાન, ઓફિસનો સમય, લોનના હફ્તા અને સામાજિક ટ્રાફિકમાંથી જરા બહાર આવી ત્યારે ખબર પડી કે લેખક સાહેબ તો યુટ્યુબ પણ ગજવી રહ્યા છે. દરમિયાન એમના પુસ્તકો “મમ્મી-પપ્પા” અને “જય શ્રી કૃષ્ણ” પતિદેવ પહેલી તકે ખરીદી આવેલા અને મેં પણ માણેલા. એમના પુસ્તકો અને લેખો વાંચવા કરતાં માણવા લાયક હોય છે. મારામાં જેમણે વાંચનનો શોખ સીંચન કરેલો એવા મારા પપ્પા પાસેથી “વેકેશન સ્ટેશન” પણ ઠામી લીધેલું છે પણ વાંચવાનું બાકી છે.

 

 

ત્યારસુધી મારો જયજી સાથેનો સફર દોસ્તી (વન સાઈડેડ એમ કોણ બોલ્યું?) જેવો કહી શકાય મતલબ ક્યારેક હું એમના લખાણો સાથે એગ્રી કરતી ક્યારેક ડીસેગ્રી, એમની કોઈ ટીપ્પણીમાં મોજ પડી જતી તો ક્યારેક આપણી અપેક્ષાથી જુદું આવે તો જજમેન્ટલ પણ થઈ જવાતું છતાં સાથ છૂટ્યો નહીં. એમ પણ મને લોકો બદલવા પસંદ નથી. કોઈ નક્કી થઈ જતા અંતરથી બધા સાથે ચાલતા રહે છે. એક એકપક્ષીય સેલ્ફ અક્લેઇમ્ડ મિત્રતામાં એક દિવસ ટર્નીંગ પોઈન્ટ આવ્યો. પતિદેવ સોશ્યલ મિડીયાથી જયજીના સંપર્કમાં રહે. એક દિવસ એમનો મારા નાનકડા શહેરમાં કાર્યક્રમ યોજાયો. હોલની બહાર સુધી ડોકા કાઢીને સાંભળવા આવેલી મેદની વચ્ચે એમણે પતિદેવનું અભિવાદન ઝીલ્યું! એ દિવસની લાઇવ સ્પીચે મારી અંદર એક દરવાજો ખોલી નાખ્યો. લોકો કહેતા બધું ગુગલ પર મળે છે હવે, આવા લેખ લખવા એ કોઈ મોટી વાત નથી. મને વિચાર આવતો કે જેમને વર્ષોથી વાંચ્યા એ “કોપી-પેસ્ટ” ઇન્સાન નીકળે તો તો નિરાશા થાય. પણ એ દિવસે એમને જે હાવભાવ સાથે બોલતા જોયા એ ઓરીજીનલ હતા. એમના શબ્દો અને બોલનાર વચ્ચે તાદાત્મ્ય હતું. એ દિવસે એક વાત નક્કી થઇ ગઈ કે આ ઇન્સાન પોતા પ્રત્યે ખરો છે. દુનિયા આખીની ફિલસુફી ચેક કરવા જેવડી હું મહાન નથી પણ એક લેખક જે કન્ટેન્ટ અમારામાં વર્ષો સુધી રેડે છે એમાં એ પોતે કમસે કમ વિશ્વાસ કરે છે અને એ એમનું પોતાનું તો સત્ય છે જ. આ બાબત મહત્વની રાહત હતી. તે પછી તો કેટલાયની અરજન્ટ પ્રકારની મેડીકલ નીડમાં એક્ટીવલી મદદ કરી અને આવી પ્રવૃતિઓમાં એમનો કાયમી સહયોગ જોયો ત્યારે બધા ખાડા પુરાઈ ગયા.



 

એમનું લેટેસ્ટ પુસ્તક ‘લાઈફ લાઈન’ હમણાં જ વાંચ્યું. એમના પુસ્તકોની એક ખૂબી હોય છે ‘એસ્થેટિક’. પુસ્તક ગાર્નિશ કરેલી ડીશ જેવું હોય. પેપર ક્વોલીટી સરસ. આ વખતે મુખપૃષ્ઠ વધુ ગમ્યું. પહાડો, ઝરણા, લીલોતરી, પ્રકાશ જેવી કુદરતથી સજાવેલી સુંદરી એવી જિંદગીના હોઠ એક ધડાકે પ્રાણ ઉડાડી દેતા મૃત્યુના સીધા રીપ્રેઝ્ન્ટેટીવ હથીયારો કે જે મેટાફોરીકલી શહેરો, પોલ્યુશન, સ્કાય સ્ક્રેપર્સ અને અંધારા ધુમ્મસથી છવાયેલ ભૂતાવળના હોઠ પર ચુંબન કરવા જઈ રહ્યા છે! જય ભાઈ જો આ બ્લોગ કોઈ રીતે તમારા સુધી પહોંચે તો એક વાત કહેવાની કે ચાલીસની થયેલી આંખોને ફોન્ટની સાઈઝ આ વખતે જરા કઠી. બિચારી જોડકી બહેનો કલાકમાં થાકી જતી હતી. એની વે, આર્ટીકલ્સના કલેક્શન પ્રકારનું આ પુસ્તક જયજીની વાંચન યાત્રા અને વિચાર યાત્રામાંથી પસાર થાય છે. હવે કોઈ કહેશે એમાં શું? વાંચેલું લખવામાં શું મોટી વાત? તો વાત જાણે એમ છે કે સામાન્ય લોકો ફ્રી હોય ત્યારે ટોપ ટેન મોબાઈલ ઇન માય બજેટ કે પછી ડાયાબીટીસ જડમૂળથી ભગાવવાના સુટકા કે પછી છાપું કે ગમતી ફિક્શન વાંચશે, વધીને પોતાના વિષય, જેમકે વકીલ હોય તો કાયદા કે ડોક્ટર હોય તો મેડીકલ રીસર્ચનું વાંચન કરશે પણ સિતાંશુ યશચંદ્ર મહેતાની જટાયુનો આસ્વાદ કોણ માણશે? કદાચ ૧૦૦માંથી ૧૦ ગુજરાતી વિષયનો અભ્યાસ કરેલા કહેશે કે અમે વાંચ્યું છે તો એમાંથી ૪ લોકોએ હરિવંશરાય બચ્ચનની “જીવન કી આપાધાપી....” નહીં વાંચી હોય. અને બાકી રહેલા ૬ પૈકી ૪એ સિલ્વીયા પ્લાથ કૃત “મિરર” જરૂર નહીં વાંચી હોય. અને એ ચુંટેલા બે મેધાવીઓ એ “ડેડ પોયેટ્સ સોસાયટી” કે “પ્લેન્સ ટ્રેઇન્સ ઓટોમોબાઈલ્સ”થી લઇને “ચલો દિલ્લી” સુધીની ફિલ્મો કે નહીં જોઈ હોય કે યાનીનો કોન્સર્ટ નહીં માણ્યો હોય અને એમને બ્રેડ પીટની ફેસ બ્લાઈંડનેસ વિષે જાણકારી નહીં જ હોય. હવે આપણે એના માટે વસાવડા સાહેબ સાથે ખોટી સ્પર્ધામાં ઉતરવાની જરૂર નહીં. સિમ્પલ રસ્તો એ કે જય વસાવડાએ આ પંથ કાપી નાખ્યો છે તો આપણે સીધો એમનો લાભ લઈએ. નવે નવ રસનો જેમાં સમાવેશ થાય છે એવા પુસ્તકમાં એમની મારી સાથે જ વધેલી ઉમર અને ઉમર સાથે મારી જ માફક સ્વીકાર, પ્રતિકાર અને અંગીકાર દેખાય છે. જે સ્પિરિચ્યુઅલ ટચ આવે છે અનેક જગ્યાએ... એ માટે એમના ઘુંટાઈને બ્લેન્ડ થયેલા વિચારોને નમસ્કાર. કોઈ આર્ટીકલ આપની પસંદ, ના-પસંદની સાથે ઓછું સેટ થતું હોય એવું બને કે કોઈ વાત નિયમિત વાચકોએ લેખમાં વાંચી લીધી હોય માટે પુનરાવર્તિત લાગે એમ પણ બને. પણ આપણા વીતી ગયેલા સમયના સર્જકો બિચારા તે સમયે વલોવાયા હોય પણ આજે આપણે આળોટી આળોટીને એમના વખાણો લીક્વીડ સોપથી સ્ટેનલેસ સ્ટીલનું વાસણ ઘસતા હોઈએ એમ ઘસીને એમનું નામ ઉજળું કરીએ છીએ. એમાં વાહ વાહી તો વખાણ કરનારને મળી... ઓલા બાપડાઓને જીવતે રાજી કર્યા હોત તો? હવે ભૂતકાળમાં પાછા તો જઈ નહીં શકાય પણ વર્તમાનના સર્જકોમાંથી આપણે જેન્યુઈનલી જે યોગ્ય લાગે એમના પુસ્તકો કમ-સે-કમ ખરીદીને વાંચીને સપોર્ટ કરીએ. જેન્યુઈન વાંચનથી જેન્યુઈન સર્જનને ઓટોમેટીકલી પ્રોત્સાહન મળે છે. જય હો જયભાઈ - ઉત્તમને પામતા રહો અને પીરસતા રહો એવી શુભકામના.  

       

       

 

Comments

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)

'વ' વાર્તાનો 'વ'