મજાની વાતો

આજે થોડાક બાળક બની જઈએ. કોઈ લોજીક વગર, કોઈ જજમેન્ટ લીધા વગર, કોઈ ભૂત ભવિષ્યના વિચાર વગર, કોઈ સારા નરસાના સિક્કા માર્યા વગર કોઈના ઓપીનીયનની પરવા કર્યા વગર બસ મજાની વાતો કરીએ અને વાગોળીએ. અને તે પણ કોઈ પણ જાતના ઈલેક્ટ્રોનિક મીડિયાની કાખઘોડી લીધા વગર જ. યસ આપણે સ્વીકારે જ છૂટકો કે આપણે માટે બધા ફનના ફંડા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ વગર નિરાધાર છે. અને કદાચ આપણે પણ..... ઠીક છે ફેસબુક અને વોટ્સેપની પણ મજા છે. વેલ હાલો જલસામાં ડૂબકીઓ મારવા.

એ ય ને મમ્મીના ખોળામાં માથું રાખીને પડ્યા રહેવાનું. અહિયાં કોઈ સેન્સર બોર્ડ નથી કે તમારી ઉમર કેટલી છે કે તમારું સામાજિક સ્ટેટસ શું છે એની રોકટોક કે ન આર્થિક સ્થિતિ વચ્ચે આવે. બસ મસાલાની વાસ વાળી સાડીની સોડમ અને થાક, જવાબદારીઓ કે તાણની રેખાઓ છતાં બાળક માટે સતત નીતરતી મા...

સવારે ઉઠતા વખતે પ્રાત સંધ્યામાં ભલે ત્રણ ત્રણ કટકા ગાળો આપીએ પણ જરા બારી ખોલીએ ને જે ઉજાસ આવે, કેસરિયું આકાશ અને ઉડતા પક્ષીઓ, ક્યાંક સાઈડમાં એમજ ઉગી નીકળેલા છોડવા પર ખીલી ઉઠેલા ટચૂકડા ફૂલો કે શાળા એ જતા ફૂલો  આ હા હા... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા.






શિયાળામાં નહાઈને  થરથર કરતા બાથરૂમમાંથી નીકળીએ ને પછી ગેલેરીમાં સનબાથ. નેચરલ હીટ. ક્યા બાત હૈ. ગોઆનો બાઘા બીચ યાદ આવી ગયો અને સામે ઉનાળાની મોડી સાંજમાં રખડવા જવાની મજા. પરસેવે નહાઈ જતા હોઈએ ને શીતળ પવન મળે તો ઓટોમેટીક ટાઈટેનીકનો કેટ વિન્સ્લેટ પોઝ આવી જાય વિધાઉટ એની રીટેક. ઉનાળામાં ‘યે રાતે યે મોસમ નદીકા કિનારા યે ચંચલ હવા’ નો લુત્ફ પણ ઉઠાવી શકાય. ગુજરાતમાં નદી ઓલ્વેઝ અવેલેબલ ઓપ્શન નથી પણ બાકી નું બધું ચોક્કસ મળે. 

“મુજે જો ચીઝ પસંદ હૈ ઉસકા મઝા સિર્ફ રાત કો આતા હૈ...” વાળા ડાયલોગમાં વિદ્યા બહેન સાવ ખોટા નથી. ચાંદો દિવસે દેખાય? તો પછી? ટમટમતા તારા અને ઉજળી ચાંદની. શીતળતા તો રાતના સ્વભાવમાં છે. રાતનો સ્વભાવ મિસ્ટેરીયસ પણ ખરો સ્ત્રીઓ જેવો. અને એ જ એની મજા છે. કોઈપણ આકૃતિ ભળાય તો ખરી પણ સ્પષ્ટ દર્શન ન થવા દે એટલે આપણે એનો તાગ મેળવવા આપણા મગજ અને હૃદય પર જોર આપવાનું. દરેક પગલે ચાન્સ રહે. ડેન્જરસ ખરું પણ ખેડ્યા પછી ચસ્કો લાગી જાય. અને આવું કરવાથી આપણે આપણી જાતથી વધુ નજીક આવીએ અને વધુ પોતાને ઓળખીએ. જો આપણે એ અંધારાથી ભય લાગે તો આપણો સ્વભાવ નીરૂ અને અને અધુરી દેખાતી આકૃતિઓ જોવાનો આહલાદ મળે તો આપણે પ્રેમી માણસ. અને ઓલા ડીસ્કવરી ચેનલના મેન એન્ડ વાઈલ્ડ વાળા બેર ગ્રીલ્સની જેમ ફંફોસવા, રખડવા, જોખમો ખેડીને મજા લેતા હોઈએ તો આપણે સાહસિક માણસ. આપણે આમાંથી કોઈ પણ જાતની ફીલિંગ જ ન આવતી હોય તો આપણે માણસ કે કેમ એ જ વિચારવું પડે.


વેલ, રાતનો સ્વભાવ આમ આલ્કોહોલિક પણ ખરો. ક્યારેક કોક વિરાન રોડ પર ફક્ત ચાંદની અને તારલીયે મઢેલા અફાટ આકાશની નીચે હવાના સુસવાટા ને વૃક્ષો ને સરસરાટનો ધ્વનિ સાંભળતા સાંભળતા હાલ્યા જવાનો એક્ચુઅલી નશો ચડે છે.  “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા....” ની એડમાં દેખાતું સફેદ રણ કદી જોયું છે? ફોટા પડાવવાનું ટેન્શન મૂકીને રાતે બસ શાંતિથી ચાંદનીમાં  હીરા જેમ ઝગારા મારતા જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી શ્વેત  ઝળહળતા મીઠાંના ક્રિસ્ટલ્સનો નજારો જોયો હોય તો સાચે જ મૂક થઇ જવાય. રીયલી સ્પીચ લેસ.

રાતની વાતમાં ઘુસતા જશું તો ખોવાઈ જશું... મજાનો રઝળપાટનો વ્યાપ તો હજી ક્યાંય ક્યાંય ફેલાયલો  છે. પણ એ પતંગિયા જેવો છે પકડાય નહિ પણ એને ઉડતો જોવાનો જ ઉમંગ છે. જેમ આઈસ્ક્રીમ જીભ પર એક ઘડીમાં ઓગળી જાય, જેમ દરિયામાં ફીણો જગાવતું ઘેઘુર અવાજવાળું શક્તિશાળી મોજું આપણા પગને પલાળે, ચહેરા પર છાલક ઉડાડે અને ગલગલીયા કરતો રેતી ઉસેડીને ખેંચતો ને પાછો હાલ્યો જાય, જેમ તેજનો લીસોટો કરતી ઉલ્કા આકાશમાંથી દોડી જાય જેમ હૃદયને સ્પર્શતો કોઈ ગઝલનો શેર સોંસરવો હાલ્યો જાય જેમ કાનમાં પડેલો કોઈ કોઈ સુંદર સ્વર અને સુર ભલે શબ્દો ન સમજાય પણ કાનમાંથી સુંદરતા પીવડાવતા ચાલ્યા જાય એમ મજા તો બસ આવેને ચાલી જાય.

વરસાદના ફોરાં ઝીલવાનીને નવી નવી ફૂટેલી કુંપળોની પૂછા કરવાની મજા, ફૂલો તો રાજીના રેડ પડ્યા હોય. નાની મોટી લતાઓ વીંટળાતી આવેને ચડતી આવે.  ને કોકને આધાર ન મળે ને જમીન પર ફેલાય ઈ યે ગાલીચા જેવી મસ્ત દેખાય. “વેલ”, આ તો દેખાવ ની વાત છે.... બાકી એ ગાલીચા પર બેસવાનો અખતરો કરવો હોય તો પોતાના ખર્ચે ને જોખમે. નાનકડા ભરાયલા ખાબોચિયા પર ટીપા પડે ને જે નાના નાના વમળો  બનાવે ને ભૂંસે એ તો દેખતે હી બનતા હૈ. કાળું ભમ્મર આકાશ કામ કરવા ન દે એ ત્રાસ. આવામાં નોકરીએ જવું કે નિશાળમાં ભણવું કોને ગમે? અને વરસાદ વરસીને ખમૈયા કરે ત્યારે આપણે બાળક ન હોઈએ તો પણ જે બાળકો હોય એના સાથે હોડીઓ બનાવીને તારવાની કેવી મજા. ચોમાસા ભેગા વધુ રહેશું તો પ્રેમમાં પડી જાશું.

તો પછી મસાલા તુલસી એલચી વાળી ચાય, ગરમા ગરમ રોટલીના ફૂલકા, મેથીના ગોટા કે ક્રિસ્પી ઢોસા, ધુમાડા નીકળતા સીઝ્લર્સ અને દમ આલુનો કાઈ વાંક?

ગરબાની રાત જામે અને ગરબા રમતા-રમતા થાક ચડવાને બદલે ઉત્સાહ, ઉન્માદ વધે બસ જાણે સાચા અર્થમાં “કહી દો સુરજ ને કે ઉગે નહિ કાલો...” થઇ જાય એને તો મજા નહિ પણ ટેસડો કહેવાય.

આ બધાની ખાસિયત શું છે ખબર છે? કે એમાં કાઈ કરવાનું નથી, કોઈ ફોર્સ નથી કોઈ દબાણ નથી કોઈ બનાવટ નથી, કોઈ ફાયદો નથી કે નથી કોઈ નુકસાન.... કશું છે તો એ છે સાહજિકતા. બસ જે સહજ છે એ જ છે મજા. સહજ છે એ જ છે પ્રકૃતિ,એ જ છે ભક્તિ અને કદાચ એ જ હશે ઈશ્વર. નહી તો કોમ્પ્લીકેટેડ ભજનો શીખવા નરસિંહ કે મીરાં કઈ યુનીવર્સીટીમાં ગયા હતા?

અને હા સમી સાંજે શરીરનું માંડ માંડ બેલેન્સ સાચવીને, ધૂંધળી થઇ ગયેલી નજર અને કાન સુધી અસ્પષ્ટ પહોચતા અવાજ, અને દુખતી પીઠ અને ઘૂંટણ છતાં બસ હાથમાં હાથ નાખીને ચાલ્યા જતા કપલને જોવાની કે અનુભવવાની તક કદી મળી છે?  જે દિવસે મળે તે દિવસે દુનિયાના પરમ આનંદ એટલેકે પ્રેમનો અર્થ વગર શબ્દોએ સમજાઈ જશે. કદાચ એ દ્રશ્ય એક અનુભૂતિ કે એક યાદગીરીથી વધીને એક સપનું બની જાય.....

Comments

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)

શ્રધ્ધાના રસ્તે - 2