પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

 Pain demands to be felt…..

આ ટોપિક થોડો ડાર્ક છે... કાળી અમાસની રાત જેવો. અંધારું કોને ગમે ? આપણે તરત રોશની કરવા દોડીએ. અને થોડી વાર માટે અચાનક લાઈટ જાય તો કેવી હાલત થાય? બસ મૂંઝાઈ જઈએ. એવું જ છે પીડાનું પણ. પીડા કોઈને ગમે નહિ. પણ જેમ દિવસ પછી રાત નક્કી જ છે એમ સમયાંતરે પીડા પણ નક્કી જ છે, આ આર્ટીકલ નું હેડીંગ બાંધ્યું એ પુસ્તક... “ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સપણ પીડાદાયક પુસ્તક છે... પણ એટલું સુંદર અને ઓરોજીનલ છે કે એ પીડા વારંવાર ભોગવવી ગમે. આ વાક્યનો અર્થ હું જેટલી વાર વિચારું એટલી વાર વધુ ગહન લાગે છે.

આપણે શરદીથી સ્વાઈન ફ્લુ સુધી કે કબજીયાતથી કેન્સર સુધી એક વખત વિચારી જોઈએ.... બધું જ પીડાદાયક તો છે જ, અરે, દાઢનો દુખાવો હોય તોય કેવા ગાંગા કરી નાખે આપણે. તે દિવસે કામ ન સૂઝે આપણે. આપણી ડાર્લિંગ પત્ની પર પણ ગુસ્સો આવે અને વ્હાલી મમ્મી પર પણ. દૂધ વાળો આવે અને દૂધ લેવા એકદમ દોડો અને પગનો અંગુઠો દરવાજાના સ્ટોપરમાં ભટકાઈ જાય તો કેવું થાય? દુધવાળાની માતા અને બહેનોનું આવી બન્યું... લોલ! અને જલ્દી જલ્દી બટેટા પૌંઆ વઘારવામાં હાથ કડાઈને અડી જાય ત્યારે પિયરમાં બેઠેલી મા અને એની ય મા યાદ ન આવી જાય? શાંતીથી સાઈકલ પર ફ્રેન્ડસ સાથે વાતો કરતા ઘરે મમ્મી એ શેનું શાક બનાવ્યું હશે એ વિચારતા વિચારતા ઘરે આવતી છોકરીઓને, એક માગેલી બાઈક પર સવાર, ભંગારીયા રસ્તા પર ફોર્મ્યુલા ૧ ની પ્રેક્ટીસ કરતો લબરમૂછિયો અમથી હેરાનગતી ના ભાગરૂપે ઓઢણી ખેંચવા બિચારીની ગરદનમાં બળતો ઉઝરડો પાડી દે તો ? ચીસ નીકળી જાય એવી પીડા થાય. ચા ન મળી હોય અને માથું ભમતું હોય કે પછી આખો દિવસ ઢસરડા કરીને પગમાં તોડ થતી હોય.... એ બધું જ ‘પેઈન’. મેડીકલ પરિભાષામાં જોઇએ તો પેઈન પોતે કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણા સ્કુટરમાં કેમ પેટ્રોલ ખતમ થવા આવે અથવા પ્રિન્ટરમાં પાનું ફસાઈ જાય અથવા કારનો દરવાજો ખુલ્લો હોય ત્યારે કેવી પેલી લાઈટ બ્લીંક થાય.... એવી રીતે બોડીમાં કઈ પણ કેમિકલ લોચો થાય તો એનું ઈન્ડીકેટર છે પેઈન એ પોતે કોઈ લોચો નથી એક્ચ્યુઅલી.

એ પેઈન શારીરિક પીડાનું જ હોય એવું ઓછું જ છે? ગહેરી દોસ્તીનો અચાનક અંત આવે તોય હાલત ખરાબ થઇ જાય અને કોઈ અંતરંગી આપણે છોડીને જાય ત્યારે? જગ સુના સુના લાગે રે.... જીવનના અમુલ્ય વર્ષો જેની પાછળ ખર્ચી નાખ્યા હોય એ કદર કરવાને બદલે વખોડે ત્યારે? જે ૯૦ ટકા લાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરી અને કેમેસ્ટ્રીમાં પેપર વખતે તબિયત બગડી અને પેલોઅચાનક આગળ નીકળી જાય ત્યારે? ઓફીસમાં પગ મુકતાની સાથે બોસ નાક હાથમાં પકડાવી દેતો હોય અને તો પણ બડે બે આબરૂ હો કેનોકરી કરવી મજબૂરી હોય ત્યારે? કલેજાનો ટુકડો બીમાર હોય ત્યારે? થાય છે ને પીડા... થાય જ. છાતી છત્રીસની હોય કે ચાલીસની દર્દ તો થાય જ. કોઈ કહે પુરુષોને ઓછું થાય અને સ્ત્રીઓને વધુ થાય.. હવે એ માપવાનું કોઈ સાધન તો નથી મારી પાસે પણ હા, કુદરતે લાગણીઓને અનુભવવાની વિશિષ્ટ ક્ષમતા નારીઓને પ્રદાન કરી છે એ હકીકત છે. વેલ મેઈન તો પ્રેમમાં ભંગ થયો તો ? એ તો બહુ ખતરનાક.. જેટલો સુંદર પ્રેમ એટલી જ તીવ્ર એના ભંગની પીડા. પ્રેમ ન થાય તો ચાલે પણ થયા પછી ભંગ થાય તો એ મરણતોલ ફટકો પડે. એકલા સફર કરતા હોઈએ ત્યાં સુધી તો ચાલે પણ... એક વાર કોઈના હાથમાં હાથ નાખી વાતો કરતા ચાલવાની આદત પડી જાય પછી એકલા ચાલવામાં શ્વાસ રુંધાઈ જાય... એક કળા હૃદયી વ્યક્તિને કોઈ કોર્પોરેટ બેન્કિંગમાં જીવન કાઢવાનું આવે તો એ પણ પીડા દાયક છે અને વતનમાં જેનો આત્મા રહી ગયો છે એને ભૂમિથી દુર વસવાનું આવે તો એ પણ પીડા છે.

પીડાની એક અદા છે જ્યાં સુધી એ પૂરે પૂરી અનુભવાય નહિ ત્યાં સુધી જાય નહિ. આપણે ગમે તેટલા ફેસબુક કે વોટ્સેપ પાછળ સંતાઈએ કે ગેમ્સમાં ડૂબી જઈએ એ પીડા ત્યાં બહાર ઉભી જ હોય છે ધીરજથી. જ્યાં સુધી એને ભોગવીએ નહિ, રડીએ નહિ, હીબકા ના ભરીએ, પીડાઈએ નહિ ત્યાં સુધી એ જાય નહિ. પછી એ એક દિવસની વાત હોય કે આખા આયખા ની એ પીછો ન છોડે. અને હકીકતે એ બિચારી ઈન્ડીકેટર છે આપણા હૃદય અને મગજ વચ્ચેના દ્વિભાષની, વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની ખાઈની, જે હકીકત છે એને હૃદય શા માટે સ્વીકારતું નહિ હોય એ મને ક્યારેય સમજાતું નથી. અને પીડા ને આવવા દઈએ તો સાલી બહુ સખ્ત જાન છે બહુ તકલીફ આપે છે પણ ભયાનક ગરમી પછી વળતા પરસેવાથી આંતરિક ઠંડક થાય એમ પીડાઈ રહ્યા પછી એક આંતરિક શાંતિ મળે છે... પ્રસુતિ પછી બાળક નો ચહેરો જોયા જેવી શાંતિ... પણ હા પૂરું પીડાયા પછી જ એ આવે છે... હજી બાકી હોય ને આપણે શોર્ટ કટમાંથી ભાગવાની કરીએ તો એ સંકોચાઈ ને આપણા માંજ ક્યાંક સમાઈ જાય છે... અકળામણ રૂપે... ગુસ્સા રૂપે... કે દબાણ રૂપે એ ક્યારેક ગરમીમાં ફૂટતી અળાઈઓની જેમ ફૂટ્યા કરે છે પણ એ રહે તો છે જ. યા તો એને પૂરે પૂરું સરેન્ડર થવું પડે યા તો લડવું પડે અને બંને તકલીફદેહ તો છે જ. હજી એક ઓપ્શન છે એના સ્વરૂપમાં રૂપાંતર. એ પીડા કોઈ ઉત્તમ સાહિત્ય, અદ્ભુત સંગીત કે ચિત્ર કે પછી મહાજ્ઞાનીને જન્મ આપી શકે... પણ એ બહુ રેર ટ્રાન્સફોમેશન છે... બાકી જે પીડા છે એનાથી ભાગવાનો કોઈ રસ્તો જ નથી એ હકીકત સ્વીકારીને પસાર થવા માટે તૈયાર થઇ જવું એ એક જ ઉપાય છે....


        એક રહસ્યમય હકીકત એ છે કે દરેક પીડાની પાછળ એક સત્ય હોય જ છે અને જયારે એ પીડાનો અંત આવે ત્યારે જ એ સત્ય પ્રકાશમાં આવે છે. દરેક પીડાને એક પોતીકું સત્ય હોય છે એકદમ ઓરીજીનલ.. એકદમ શુધ્ધ... માંના દૂધ જેવું. પણ એ કોઈ એન્સાક્લોપેડીયામાં નથી મળતું જાતે જ ભોગવીને શોધવું પડે છે અને દરેક ચાલક, બહાનાબાજ કે પછી કાયર વ્યક્તિ કે જે પીડામાંથી છટકી જાય છે એના હાથમાંથી સત્ય પણ છટકી જાય છે... અને પીડા તો પ્રેમમાં પણ છે છતાં કેવો સુંદર, સુંવાળો અને આજીવન હૃદયને સમીપ અહેસાસ છે એ.... પીડા ઘણી સુંદરતમ વસ્તુઓનો ભાગ છે... એને સ્વીકારવું જ પડે...

      ‘’એ તમામ પીડાઓ અને તકલીફો કે જે મારા હૃદયને નિર્મળ, મનને તૃપ્ત અને દિમાગને બુધ્ધ બનાવે તેમને હું હમેશા આવકારું છું.’’

 

Comments

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

શ્રદ્ધાના રસ્તે (way to faith)

'વ' વાર્તાનો 'વ'