યોગા સે હી હોગા

યોગનો ઉદભવ:-

આજ કાલ પ્રચલિત બનેલા આ શબ્દના મૂળિયાં ખોદવામાં આવે તો તે ૫૦૦૦ વર્ષ જેટલાં પ્રાચીન જણાઈ આવે છે! માનવ ઇતિહાસના સૌ પ્રથમ ગ્રંથ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળી આવેલ છે. યોગનો ઉપયોગ પ્રાચીન ભારતમાં કરવામાં આવતો હતો પરંતુ તેને ચોક્કસ સ્વરૂપ આપવાનું અને તેનું દસ્તાવેજીકરણ કરવાનો શ્રેય મહર્ષિ પતંજલિને જાય છે. યોગની શોધ થવાના મૂળ કારણો એવા જણાય છે કે શરીરને વિવિધ વ્યાધિઓથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે અને સાથે તે સમયે ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી વિલક્ષણ ખોજ માટે જવાબદાર એવું ધ્યાન અને એકાગ્રતા હાસલ કરવા માટે યોગનું કૌશલ્ય વિકસાવવામાં આવ્યું હશે.

શા માટે લાંબા સમય સુધી યોગ ભુલાયો ?

ખુબ લાંબા સમય પહેલા અસ્તિત્વમાં આવી ગયેલ આ એક ક્રાંતિકારી કૌશલ્ય લાંબા સમય સુધી અવગણ્ય બની ગયેલું. તેનું કારણ એવું હોઈ શકે કે એક સમયે જે ધ્યાન, શોધ ખોળ, આત્મ સાક્ષાત્કાર તરફનો જે ઝુકાવ હતો તે ક્રમશઃ વિસરાતો ગયો હશે. લોકો ભૌતિક જીવન તરફ દોરવાતા ગયા, જે દરમિયાન દેશ પર આશરે ૮૦૦-૯૦૦ વર્ષ સુધી વિવિધ બારાતુ આક્રમકો અને શાસકો આવતા રહ્યા, જેઓ દેશની સંસ્કૃતિની ઘણી બાબતોને ઈરાદાપૂર્વક ઓળંગતા રહ્યા, દેશ તે પછી ગરીબી, તકલીફો, દૂષણોમાં સપડાતો રહ્યો અને માટે જ્યાં અસ્તિત્વ ટકાવવું જ એક સવાલ હોય ત્યાં લાઈફ સ્ટાઈલનો વિચાર આવવો જ અશક્ય હતો માટે એ વિસરાતો ગયો હશે.

આધુનિક સમયમાં યોગ શા માટે પ્રચલિત બન્યો છે? 

આઝાદી બાદ ભારતે ફરી સ્વતંત્ર રીતે પગભર બનવા અને પ્રગતિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની સંસ્કૃતિની વિસરાયેલ ગૌરવપૂર્ણ બાબતોને ફરી ઉજાગર કરી. એ સમય દરમિયાન વિકસિત અને વિકાસશીલ દેશોએ અનુભવ્યું કે ઉચ્ચ મધ્યમ અને તવંગર વર્ગ ઝડપથી “લાઈફ સ્ટાઈલ” ડીસીસીઝનો ભોગ બની રહ્યો હતો. સંઘર્ષ કરીને બે પાંદડે થયેલા લોકોએ તેમની પાછલી અવસ્થામાં દવાખાનાના ચક્કરો અને ખર્ચ જોયા. તબીબી સારવાર અને દવાઓ ખૂબ ઝડપથી વિકસી છે એમાં ના નહી પણ તે રોગ થયા પછીની પીડામાં રાહત છે, નિરોગીપણું નથી! સમાજને ક્યાંકને ક્યાંકથી અહેસાસ થવા લાગ્યો કે નીરોગી અને સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે! આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ કસરતો, સ્વસ્થ શરીર અને બીજી કોઈ ટેકનીક હોય તો તેની જરૂરત પર લોકો ધન ખર્ચવા તૈયાર થવા લાગ્યા. જીમ, જીમ ટ્રેનર, ડાયેટીંગ, ડાયેટ પ્લાનર, ઓર્ગેનિક ફૂડ એ બધું ફટાફટ ટ્રેન્ડી બનવા લાગ્યું અને યોગાના જાણકારો પણ પ્રકાશમાં આવવા લાગ્યા.

શું યોગા ફક્ત આસનો પુરતું મર્યાદિત છે?

આસનોથી આવતી લૌચિકતા અને શરીરના આંતરિક અવયવોને મળતી કસરત એ હકીકત હવે જરા પણ વિવાદાસ્પદ નથી. પણ યોગ ફક્ત આસનો પુરતો મર્યાદિત માનવાની ભૂલ મોટા ભાગના લોકો કરી રહ્યા છે. યોગ પ્રથમથી જ આઠ અંગો ધરાવે છે. યમ, નિયમ, આહાર, પ્રત્યાહાર, આસન, પ્રાણાયામ, ધારણા સમાધિ. એક પછી એક પગથીયું ચડતા જવાનું છે અને સમાધિના લક્ષ્ય સુધી પહોંચવાનું છે. જે મોર્ડન વર્લ્ડમાં શબ્દ છે ડાએટ એ આહાર પ્રત્યાહાર રૂપે પહેલાથીજ યોગના અંગ તરીકે સમાવિષ્ટ છે. પ્રાણાયામ એટલેકે બ્રીધીંગ સ્કીલ કેટલી અસરકારક હોઈ શકે એ એક જાદુઈ સત્ય છે.

યોગના સ્ટાર પ્રચારકો:-

ભારતમાં વિસરાયેલ યોગને પુનઃજીવિત કરવામાં મહત્વનો ફાળો સ્વામી વિવેકાનંદજીનો માનવામાં આવે છે. “નીઓ હિંદુ” પ્રકારના કેટલાક મોર્ડન આધ્યાત્મિક ગુરુઓએ આમાં મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે. જો કે યોગા એટલે હિંદુ કે કોઈ ધર્મનું કૃત્ય ગણવાની ભૂલ ફરી વાર કરવી પોષાય એમ નથી. આ એક ફિટનેસ વધારતી અને આધ્યાત્મ તરફ પ્રેરતી સ્કીલ જ છે. મૈસોરના કૃષ્ણમાચાર્ય એ આધુનિક યોગના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે. પાછળથી રાજકારણ અને પતંજલિ બ્રાંડ સાથે જોડાઈ ગયેલા બાબા રામદેવજીએ પણ ઠેર ઠેર યોગાસનો પ્રાણાયામના સેશન યોજીને યોગને લોકપ્રિય બનાવેલ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આશરે આઠેક વર્ષ પહેલાં ૨૧મી જુનને યોગા-ડે તરીકે ઉજવવાનો લીધેલ નિર્ણય પણ યોગ જાગૃતિ માટે ખૂબ અગત્યનો સિદ્ધ થયો છે.

યોગા સે હી હોગા :-

યોગા વિશેની આ બધી માહિતીઓથી તો ઈન્ટરનેટ ઉભરાય છે, પણ મજેદાર વાત એ છે કે યોગ પર પી.એચ.ડી. કરવા જેટલું પણ જ્ઞાન હોય તોય પૈસાભાર પણ સ્વાથ્ય લાવતું નથી, મહત્વની છે એની પ્રેક્ટીસ. ખરી તકનીક શીખીને તેને રોજીંદા જિંદગીનો એક ભાગ બનાવી શકાય તો એ જીંદગી બદલી નાખતા પરિણામો લાવે છે. તો સૌને યોગા કરવાની પ્રેરણા અને સફળ પણે તેને જીવનનો ભાગ બનાવી શકાય એવી શુભકામના.

Comments

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)

'વ' વાર્તાનો 'વ'