ઉજવણીના રસ્તે ૨.

લાંબા સમય પછી આપને આપણા બ્લોગને ટુ બી કન્ટીન્યુ કરીએ રહ્યા છીએ. આપણે જેમના પ્રવાસની વાત કરી રહ્યા હતા એ અખંડ પ્રવાસી સદા ભમરાની માફક એક સ્થળ પરથી બીજા સ્થળ પર ભમતા રહે છે. એક વખત પ્રવાસ શરુ કર્યા બાદ તેમની કોઈ અવધી હોતી નથી, કોઈ પ્લાનિંગ હોતા નથી કે જેવા આપણા સૌના હોય છે. આપણે કઈ તારીખે નીકળીશું એ નક્કી કર્યા પહેલાં જ ક્યારે પરત આવીશું એ નક્કી કરી નાખીએ છીએ. આપણે બંધ માળખામાં જીવવાનું માફક આવી ગયું છે. જયારે વરુણ કોઈ ટાઈમટેબલને આધીન નથી રહેતા, કોઈ સ્થળ પર કેટલો સમય વિતાવવો એ તેઓ નહીં પણ તે સ્થળ નક્કી કરે છે. માટે છેલ્લા મહિનાઓથી ભારતના દક્ષીણ વિસ્તારના ભ્રમણ પર રહેલા વરુણ સાથે વાતચીત કરવાનો મોકો અમે શોધી રહ્યા હતા. વરુણ હંમેશા પોતાના પ્રવાસ, અનુભવો, સ્થળો, લોકો વિષે વાતચીત કરવા આતુર રહે છે પરંતુ એવો સમય ગોઠવવાની વાર રહે છે.

વર્ષોથી વિશ્વના અનેક દેશોને સતત ખુંદી રહેલા, કોઈ પણ સંજોગો પ્રવાસને એક કોલિંગ તરીકે અપનાવી તેને વફાદાર રહેનારા વરુણ પોતાના બ્લોગ, ચેનલ વિગેરે મારફતે જનસામાન્યના સંપર્કમાં રહેવાના પ્રયાસમાં હતા. કેટલાય લોકો એમના ફોલોઅર પણ હતા પણ જેટલી નિષ્ઠાથી તેઓએ પ્રવાસ ખેડેલો તેટલા લોકપ્રિય થવામાં કંઇક ઓછું રહેતું હતું. ખુદ એક સદ્ધર પરિવારનું એકમાત્ર સંતાન હોવાથી ચોક્કસપણે પૂરતી આરામદાયક સ્થિતિમાં ઉછરેલ તથા અમેરિકા મધ્યે અભ્યાસ પૂરો કરી કામે લાગેલ તેમ છતાં આ બધા વૈભવથી દુર કોઈ પ્રવાસી જીવ જાગી ઉઠતાં બધું ત્યજીને પ્રવાસે નીકળેલ. તે પણ એક કોમન મેન જેવા આરામદાયક અને ચીઅરફૂલ નહીં પરંતુ સેન્ડવીચીઝ વેંચીને, કોઈ કુરિયરવાળા સાથે ડીલીવરી માટે જઈને, ખુલ્લા વગડામાં ટેન્ટમાં રાત્રીઓ વિતાવીને, દિવસો સુધી રાઈસ અને કેચઅપ પર રહીને, માઇલોની પદયાત્રા કરીને, ઊંઘ્યા વિનાની રાત્રીઓ વિતાવીને તેણે જે મેળવ્યું તે અચાનક આવી રીતે ચમકશે તેની વરુણને ખુદને કલ્પના નહીં હોય. કોરોના કાળ આવતાં પ્રવાસો તદ્દન થંભી ગયા ત્યારે તે પોતાના વતન ભુજ પહોંચ્યો અને ત્યાર પછી થોડી છૂટછાટ થતાં દ્વિચક્રી વાહનથી કે ચાલતાં જ આસપાસના સ્થળોની મુલાકાતે નીકળી પડતો જ્યાં તેની નજરમાં આવ્યો કળિયા ધ્રો’.. અને આ કળિયા ધ્રોના તેણે પાડેલ ફોટોગ્રાફ્સ ન્યુયોર્ક ટાઈમ્સમાં મોકલ્યા અને આ વર્ષના વિશ્વના મુલાકાત લાયક ટોપ બાવન સ્થળોમાં તેમણે સ્થાન મેળવ્યું ત્યારે અચાનક વાઈરલ બની ગયેલા આપણા વરુણને ક્યાંથી ખબર હશે કે આખી પૃથ્વીના ૩૨ દેશોના પ્રવાસ પછી પોતાના ઘરથી ૩૨ કિમીના અંતરનું સ્થળ જ તેને પ્રખ્યાત બનાવશે. ખેર, આખરે વરૂણભાઈ ફરી હાથમાં આવતાં આપણું આર્ટીકલ આગળ વધારીએ.

આપણે ગત બ્લોગમાં વાત કરેલ તે મુજબ પાકિસ્તાનથી ૧૯૭૧નાં યુદ્ધ પછી ભારત તરફ આવેલ સોઢા લોકોને ભુજથી ઉત્તર તરફ ખાવડા વિસ્તાર તરફ જમીનો આપવામાં આવી અને ગામો વસાવવામાં આવ્યા. આ લોકોની ઘણી પ્રથાઓ હજુ પણ આપણાથી અલગ છે અને તેમાંય હોળીકા દહનની ઉજવણી તદ્દન અલગ છે. આ નિરાળા હોલિકા દહનની વાત કરતાં પહેલાં એક વખત હોલિકા દહનના મહાત્મયની કથાને રીફ્રેશ કરી લઈએ.



માન્યતા મુજબ અસુર કુળના રાજા હિરણ્યકશ્યપનો પ્રજા પર કાળો કેર હતો. પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી. અને આ અસુર પણ જેવો તેવો નહીં.. તેણે તપસ્યાથી એવી સિદ્ધિઓ હાંસલ કરેલી કે તેને હથિયારથી મારી ન શકાય, તે ન દિવસે મરે કે ન રાત્રે, ન અંદર મરે કે ન બહાર, કોઈ શસ્ત્ર તેનો વધ કરી ન શકે, તેને ન માણસ મારી શકે કે ન જાનવર.. આવી અઘરી શરતોને લીધે તેનો વધ અશક્ય હતો અને તે મદથી છાકટો થયો હતો. તેણે કોઈ પણ પરમ શક્તિના આહવાન પર મનાઈ ફરમાવી દીધી હતી કારણકે તે ખુદ જ સર્વેસર્વા બની ચૂક્યો હતો. તેવામાં તેનો જ પુત્ર પ્રહલાદ ભક્ત જીવ તરીકે ઉપસ્યો. તે સતત પરમશક્તિમાં શ્રધ્ધા રાખતો અને દ્રઢપણે તેને પૂજતો. સત્કાર્યો કરતો અને નિર્ભયપણે કોઈ મહાન શક્તિ એટલે કે ઈશ્વરની પૂજા કરતો. તેની દ્રઢ ભક્તિથી પ્રભાવિત થઇ સ્વયમ વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરેલો, ધગધગતા થાંભલા સાથે ભેટવાની પ્રહલાદને તેના પિતાએ સજા કરતાં તેઓએ થાંભલામાંથી પ્રગટ થયા જેમાં તેમનું અડધું  માનવનું અને બાકીનું અડધું સિંહનું બન્યું, તેઓએ કોઈ હથીયારના ઉપયોગ વગર ન્હોરથી હિરણ્યકશ્યપને સંધ્યા સમયે મહેલના ઉંબરા પર બેસીને ચીરી નાખેલો. આ વાતથી ગીન્નાયેલી તેની અસુર બહેન હોલિકાએ પ્રહલાદ સાથે વેર લેવાનું નક્કી કરેલ. તેણીને આગથી ન બળે તેવી ચુંદડીનું વરદાન હતું જે ઓઢીને પ્રહલાદ સાથે ધગધગતી આગમાં બેઠેલી. પણ ઈશ્વરકૃપાથી ચુંદડી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકા ભસ્મ થઇ. એ દિવસની ઉજવણી રૂપે ફાગણ મહિનાની પૂર્ણીમાના હોલિકા દહન કરવામાં આવે છે. તે દિવસના બીજા દિવસે વસંતના આગમનરૂપે રંગોના પ્રતિક તરીકે ધૂળેટી ઉજવવામાં આવે છે જે ઋતુકાળની ઉજવણી છે. મૂળ હોળીના તહેવાર સાથે ઉપરોક્ત દંતકથા સંકળાયેલી છે.



એ દંતકથાને અનુરૂપ ઉજવણી આપણા સમાજમાં કરવામાં આવે છે. હોલિકા દહનના પ્રતિકરૂપે લાકડા કે છાણા એકઠા કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે તથા ઋતુને અનુરૂપ વસ્તુઓ જેવી કે ધાણી, ખજુર, નાળીયેર વિગેરેથી તેને પૂજવામાં આવે છે. એ હોળી સદંતર રાખ પામી જાય બાદ કેટલાક વિસ્તારોમાં તેના અંગાર પર માટીના વાસણમાં બટેટા, ચણા વિગેરે પકવી પ્રસાદ પણ કરવામાં આવે છે. પરંતુ આપણે જે વેડાર ગામની હોળીની વાત કરવા જઈ રહ્યા છીએ તેની ઉજવણી ખરેખર ઘણી નિરાળી છે. મૂળ થરપાકર કે જે વિભાજન પછી પાકિસ્તાનમાં આવેલ ત્યાં વસતા લોકો દ્વારા આવી હોળી ઉજવવામાં આવતી જે વારસો હવે ફક્ત વેડાર ગામ પુરતો સીમિત રહ્યો છે. તેમની ઉજવણી તેમની માન્યતા મુજબ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણી હોડીમાં છાણા કે લાકડાથી હોળી પ્રગટાવવામાં આવે છે જયારે આ વિસ્તારમાં ચોક્કસપણે આકડાની લાકડીઓ સૂકવી તેનાથી હોળી પ્રગટાવવામાં આવે છે. આ આકડાની સુકવેલ લાકડીઓને એકમેક પર થપ્પી કરી હોળી જેવી થપ્પી રચાય પછી છેલ્લી એક લાકડી ઉભી ગોઠવવામાં આવે છે જેને તેઓ પ્રહલાદનું પ્રતિક મને છે. હોળી નીચેથી પ્રગટાવવામાં આવે છે, જયારે જ્વાળાઓ ઉપર ગોઠવાયેલ પ્રહલાદની લાકડી સુધી પહોંચે એટલે ગામનો યુવાન તેને બહાર કાઢી લે છે કારણકે તેમના મત મુજબ હોલીકાનું દહન થવું જોઈએ નહીં કે પ્રહલાદનું. આ પ્રહલાદને પણ ઝાળ લાગવાથી તે દાઝ્યો હશે તેવી માન્યતા સાથે ગામના યુવાનો થોડા થોડા અંતરે જ્યાં નાનકડું તળાવ છે ત્યાં સુધી ઉભા રહે છે અને દોડીદોડીને રીલે રેસની માફક એકબીજાના હાથમાં પ્રહલાદની લાકડી પકડાવતા રહે છે અને અંતમાં ઉભેલ યુવાન તેને પાણીના સ્ત્રોતમાં બોળે કે જેથી દાઝેલા પ્રહલાદને શાતા વળે. કેટલું અદ્ભુત... બસ આ છે સંસ્કૃતિ.. બીબાઢાળ નહીં પણ અનોખું. માન્યતાને માન અને પરંપરાને પ્રેમથી અપનાવવામાં આવે. આવી નિરાળી, અનોખી હોળી નિહાળવા બદલ વરુણ પોતાને ધન્ય ગણતો હશે અને આપણે તેના મુખેથી સાંભળ્યા પછી પોતાને ધન્ય ગણીએ.

ખેર, વરુણની વાત આ ધન્યતા સાથે સમાપ્ત થાય એમ નથી. હાલમાં વાઈરલ થયેલા ‘કાળિયા ધ્રો’ વિષે વાત કરવાની તો હજુ બાકી છે અને એ બ્લોગ એટલો જ હ્રદયસ્પર્શી બની રહે જેટલી એ જગ્યા છે... તો મહેનત વસૂલ..


Comments

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પોળોનું જંગલ, સાબરકાંઠા

ભદ્રેશ્વર, કચ્છ.

શ્રધ્ધાના રસ્તે - 2