ઉજવણીના રસ્તે - ૧
કેટલીક વખત પ્રવાસ એ ‘કોલિંગ’ હોય છે. મતલબ કે પ્રવાસ કરવા પાછળ કોઈ ચોક્કસ
કારણ જવાબદાર ન હોય પણ અંતઃસ્ફૂરણાથી લોકો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રવાસીની
મુલાકાત અને અનુભવો હંમેશ સમૃદ્ધ હોય છે. આવા જ એક પ્રવાસી ભુજના વરુણ સચદે કે જેમણે
આખા વિશ્વના અનેક દેશો, પ્રદેશોને પગ તળે ફેરવેલા છે, એમના પાસે પ્રવાસ અનુભવોનું
મોટું ભાથું છે.
સને ૨૦૨૦ની શરુઆતથી પરિસ્થિતિ પ્રવાસ માટે વિપરીત છે. કદાચ એકાદ બે વર્ષ
આસાનીથી આપણે પ્રવાસ નહીં કરી શકીએ પરંતુ આવા સમયે પ્રવાસીઓને, તેમના અનુભવોને
સાંભળવા માંણવાનું મઝેદાર જરૂર બનશે, સાથોસાથ બે વર્ષમાં આ દિશામાં આપણું જ્ઞાન
અને સમજ વિસ્તૃત થશે તો ભવિષ્યમાં જરૂર ઉપયોગી થશે.
આ સીરીઝમાં વરુણ સાથેના પ્રવાસ અનુભવોની શરુઆત “અસાંજા કચ્છડા”થી જ કરી છે. ભારતનો
સહુથી મોટો જીલ્લો વૈવિધ્યપૂર્ણ વિશેષતાઓ ધરાવે છે તેના વિષે વરુણની આંખેથી પ્રવાસ
ખેડવાની મજા પડશે. કચ્છના મુખ્ય પ્રવાસી આકર્ષણોની વાત કરીએ તો માંડવીનો
દરિયાકિનારો તથા ભુજ અંગે અગાઉ આ બ્લોગ પર વિસ્તૃત આર્ટીકલો લખી ચુક્યા છીએ, જો
તમારે એ મિસ થયું હોય તો આર્ટીકલના અંતમાં આપેલી લીંક પર ક્લિક કરી વાંચી શકશો. કચ્છનું
છેલ્લા લગભગ એક દાયકાથી એક અન્ય પ્રવાસી આકર્ષણ જો પાંગર્યું હોય તો તે છે ‘રણોત્સવ’.
શિયાળામાં લગભગ ત્રણેક મહિના માટે વિશ્વમાં યુનિક એવા ‘સફેદ રણ’ને નિહાળવા, માણવા
લાખો પ્રવાસીઓ કચ્છ તરફ આવે છે. ઘણા કચ્છીઓએ પણ સરકારના પર્યટન વિભાગની પહેલ પછી જ
આ વિસ્તાર જોયો હશે. કારણકે ભુજથી જેમ પશ્ચિમ તરફ મુસાફરી કરીએ તેમ ભૂગોળ વિષમ બને
છે, શહેરોની સંખ્યા ઘટે છે અને છુટા છવાયા ગ્રામ્ય વિસ્તારો વધે છે અને આગળ જતાં
ભારતની પશ્ચિમ તરફની બિલકુલ સીમા આવી જાય છે જેને પાર દેશ જ બદલી જાય. માટે આ તરફ
પ્રવાસીઓની અગાઉ ખાસ અવર જવર હતી નહીં, પરંતુ રણોત્સવ તથા કાળા ડુંગરના પોપ્યુલર
ટુરિસ્ટ ડેસ્ટીનેશનને બાદ કરતાં પણ એ તરફનો કચ્છડો અનેક વૈવિધ્યો અને ખાસિયતોથી
ભરપુર છે તેવું વરુણ કહે છે.
દરેક પ્રવાસીની રૂચી કોઈને કોઈ બાબત
તરફ હોય છે, જેમકે કોઈ પ્રવાસીને ઐતિહાસિક સ્થળો પ્રત્યે લગાવ હોય, કોઈને વાઈલ્ડ
લાઈફ પ્રત્યે તો કોઈને એડવેન્ચર તરફ. જયારે આપણા વરુણને વિશેષ રૂચી કોઈપણ
વિસ્તારની ભાતીગળ, તેની સંસ્કૃતિ, તેની વાર્તાઓ, માન્યતાઓને જાણવા-સમજવામાં છે. તેને
દરેક ખૂણાના માણસને મળવું અને વાતો કરવી તેમની વિશેષતાઓ જોવી સમજવી પસંદ છે. વરુણ
કહે છે કે, દરેક વ્યક્તિની એક કથા હોય છે અને દરેક કિસ્સામાં એક કવિતા હોય છે. આપણા
ભુજથી ખાવડા જતા પટ્ટા પર વરુણે જોયેલ, નિહાળેલ યુનિક ઉજવણીઓ અને તેમની પાછળની કથા
માન્યતાઓની આજે આપણે વાત કરીશું.
આ જ રૂટના (ભુજથી ખાવડા તરફના) એક બીબર ગામની રામલીલાને યાદ કરતાં વરુણ કહે છે
કે, બીબર ઘણું નાનું ગામ છે અને મોટા ભાગની વસ્તી શ્રમજીવી છે. લોકો કામધંધા અર્થે
મોટે ભાગે શહેરો તરફ નીકળી જતા હોય છે. પરંતુ આ ગામનું એક વિશિષ્ટ આકર્ષણ છે
રામલીલા કે જે આજે ઈન્ટરનેટ યુગમાં પણ એટલી જ લોકપ્રિય છે. આ રામલીલાની ખૂબી એ છે
કે તે કોઈ નાટક કંપનીના કલાકારો દ્વારા નહીં પરંતુ ગામના જ લોકો દ્વારા ભજવવામાં
આવે છે. કામ અર્થે બહાર ગયેલ શ્રમજીવીઓ પૈકી મોટા ભાગના નવરાત્રીના દિવસો દરમ્યાન
ગામમાં આવે છે જેની પાછળનું મુખ્ય કારણ છે આ રામલીલા. સહુ લોકો સાથે મળીને રામલીલા
તૈયાર કરે, સ્ટેજથી માંડીને પાત્રોની ભજવણી સહિતનું તમામ કામ ગામલોકો જાતે સંભાળે,
અને કોઈ પ્રોફેશનલ રાઈટરની મદદ વગર. વળી, પ્લેમાં હાસ્યરસ પણ હોય, વીરરસ પણ હોય
અને કરુણરસ પણ હોય. કલાકારોનો અભિનય એવો કે જોનારના રૂંવાડા ઉભા થઇ જાય. આ રામલીલા
નિહાળવી એ જરૂર માણવા જેવો અનુભવ છે. નવરાત્રી પુરતું એ ગામની મુલાકાત લેવા જરૂર
લેવા જેવી છે તેવું વરુણ ઉમેરે છે.
નવરાત્રીની વાત ચાલુ છે તો અન્ય ત્રણ ગામોનો તે ઉલ્લેખ કરે છે. આ ત્રણ ગામો છે
લોડાય, કોટાય તથા ધ્રંગ. ત્રણેય ગામડામાં નવરાત્રીની ઉજવણીની રીત નવલી જ છે. રબારી
આયર વસ્તી ધરાવતા આ ગામોની કન્યાઓ તથા સ્ત્રીઓ આખું વર્ષ નવરાત્રી માટે પોતાનો
ડ્રેસ જાતે સીવે છે. અને નોરતામાં જાતે બનવેલ ચણીયાચોળી પહેરીને ગરબે રમે છે. આ
ગરબાના સ્ટેપ્સ પણ તદ્દન યુનિક હોય છે. વરુણ કહે છે કે, તેણે મુલાકાત લીધી તે વખતે
એક ગામમાં ફક્ત સ્ત્રીઓ ગરબે ગુમતી હતી અને જયારે બીજા ગામમાં ફક્ત પુરુષો રમતા
હતા. અહીં લોકો માને છે કે, ગરબો એ ગર્ભનું પ્રતિક છે અને નવ દિવસ એ નવ મહિનાનું
રૂપક છે.. કેટલું સુંદર. અહીં ગરબીઓમાં ગાયકો નથી હોતા માત્ર વગાડનારા હોય છે અને
તાલ પર લોકો રમે છે. તો આ વિશિષ્ટ ઉજવણી પણ માણવા જેવી છે.
ભાતીગળ નવરાત્રીની ઉજવણી..
આ વિસ્તારની બીજી વિશિષ્ટ ઉજવણીઓ વિષે વાત કરીએ તે પહેલાં આ વિસ્તારના ગામો
અને લોકોનો ઈતિહાસ જણાવતા વરુણ કહે છે કે, સને ૧૯૭૧ના ભારત પાકિસ્તાન વચ્ચે
ખેલાયેલ યુધ્ધમાં, ૧૬ ડીસેમ્બરના યુદ્ધ પૂરું થયું અને બાંગ્લાદેશ અલગ થયું.
પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી અલગ થયું અને તેમાં ભારતની ભૂમિકા રહી જેથી યુદ્ધ બાદ
પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થવા લાગ્યા. જેથી ભારતે આવા હિંદુઓ કે જેમને
પાકિસ્તાનમાં વસવું વસમું થઇ પડ્યું હતું તેમના માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા.
જેમાં શરણાર્થી તરીકે આવેલા અનેક લોકોમાં સોઢા હિંદુઓ પણ શામેલ હતા. તમામ
શરણાર્થીઓને ભારતમાં રહેવાની જગ્યા અને ખેતી માટે જમીન આપવામાં આવી જેમાં આ સોઢા
શરણાર્થીઓનો એક મોટો હિસ્સો કચ્છમાં આવ્યો અને ભુજથી ખવડા જતા રસ્તા પર તેમને
પોતાના રહેણાંક વસવાટની વ્યવસ્થા કરી આપવામાં આવી. જેમાંથી એક વૃદ્ધ વડીલને મળવાનો
વરુણને મોકો મળેલો. જેઓની કથા પણ અદ્ભુત છે. તેઓ પાકિસ્તાનમાં શિક્ષક તરીકે કામ
કરતા. ૧૯૭૧નાં યુધ્ધમાં સૈનિકોની અછત થતાં જીવ પર આવેલા લશ્કરે યુવા નાગરિકોને
સૈન્ય તાલીમ આપવા માંડેલી જેમાં આ વૃદ્ધે પણ તે સમયે તાલિમ લીધેલી.. જો કે બાદમાં
યુધ્ધમાં હાર થતાં હિંદુ નાગરિકોની દેશ પ્રત્યેની નિષ્ઠા આક્રોશના જુવાળમાં વિસરાઈ
અને તેમને માટે ખુબ મુશ્કેલીઓ ઉભી થવા લાગી. જેથી આ વૃદ્ધે પહેલા પોતાના પરિવારને
ભારત મોકલ્યો અને બાદમાં ત્યાંથી પોતાની તમામ મિલકત સમેટી સને ૧૯૭૨માં ઊંટ પર
બેસીને ફક્ત એક પેટી અને અજરખ સાથે કચ્છમાં આવેલા.. એ તમામ વસ્તુઓ તેમણે હજુ
યાદગીરી સ્વરૂપે સાચવી રાખેલી છે. કચ્છના વેડાર ગામે તેમના પરિવાર કબીલાને આશ્રય
મળતાં તેઓએ અહીં આવીને શિક્ષક તરીકે નોકરીની માંગણી કરી તે માટે જરૂરી દસ્તાવેજો
પણ પાકિસ્તાનથી મંગાવીને રજુ કર્યા પરંતુ વહીવટી ગૂંચોને કારણે ભારતમાં સરકારી
શિક્ષકની નોકરી ન મળી. અજબ બાબત ત્યારે બની કે જયારે તેઓ ૬૦ વર્ષના થયા ત્યારે
તેમને પાકિસ્તાન તરફથી પત્ર આવેલ જેમાં તેઓને તેમણે ત્યાં કરેલી નોકરી બદલ પેન્શન
કલેઈમ કરવાની ઓફર આવી..
આમાંના કેટલાય સોઢા પરિવારો હજુ પણ વર્ષોવર્ષ તેમના પાકિસ્તાનમાં રહી ગયેલા
કુટુંબ પરિવારને મળવા જાય છે પરંતુ તેમને ખેદ એ વાતનો છે કે ખાવડાથી પાકિસ્તાન
નજીક થતું હોવા છતાં તેમને પંજાબ કે રાજસ્થાનથી ટ્રેઈન પકડવી પડે છે.. આ સોઢા
પરિવારો આજે પણ થરપાકર પાકિસ્તાનની પદ્ધતિથી હોળી ઉજવે છે અને માટે તે પ્રસિદ્ધ
છે. તે હોળી તેમજ ધ્રંગ અને હબાય, મેકરણદાદા ધામ માટે પ્રખ્યાત લોકકથાઓ અને એપીક્સ
વિષે જાણીશું આવતા બ્લોગમાં..
વેલ, અંતમાં એક જરા ઓફ ધ ટ્રેક વાત કરીએ. જયારે આજે કોરોનાકાળ ચાલી રહ્યો છે
અને હજુ આવતા છ એક મહિના સુધી સંપૂર્ણ મુક્તિ મળવાની નથી ત્યારે મોટાભાગની છોકરીઓ
અને સ્ત્રીઓને આઉટફિટસ ખરીદીમાં મુશ્કેલી જરૂર સર્જાતી હશે. કારણકે, બજાર જવામાં
ભય રહે. ઓનલાઈન શોપિંગ એક સારો વિકલ્પ છે પણ હજુ પર્સન ટૂ પર્સન પ્રકારનો રસ્તો
વધુ સંતોષકારક છે તેવામાં અમારી મિત્ર શ્વેતા ધોળકિયાનો ઉલ્લેખ કરવો ઘટે. પોતાના
શોખથી ‘શ્વેત બુટીક’ ચલાવતી શ્વેતા અત્યારે સંપૂર્ણ બુટીક ફીઝીક્લ કોન્ટેકટમાં
આવ્યા વિના ચલાવે છે. તેણી કહે છે કે અત્યારે લગ્નસરા કે તહેવારો અનુરૂપ હેવી
ટ્રેડીશનલસની ખરીદી મોટે ભાગે બંધ છે પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કરતી સ્ત્રીઓને ડીસંટ
કુર્તીઝ અને હોમમેકર્સને પણ કમ્ફર્ટેબલ રહે છતાં ટ્રેન્ડી લાગે તેવા વસ્ત્રોની
ડીમાંડ વધી છે. છ સાત મહિનાથી માત્ર ઘરમાં પહેરવાના ડ્રેસીસના વોર્ડરોબને પણ એક
તબક્કે અપગ્રેડ કરવાની જરૂર ઉભી થઇ છે. રૂટીન વેરની કુર્તીઓ કે જે બીબાંઢાળ કરતાં
કૈક અલગ હોય જેમાં કોઈ ક્રિએટીવીટી હોય અને દેખાવે ટ્રેન્ડી હોય તેની સતત ડીમાંડ
આવી રહી છે અને તેના ઓર્ડર્સ શ્વેતા ફોન અથવા ફેસબુક પેજના આધારે સ્વીકારે છે.
ગ્રાહકની ઈચ્છા અને જરૂરિયાત મુજબ ફોટોઝ તેમની સાથે શેર કરવામાં આવે અથવા ફેસબુક
પેઈજ પર લેટેસ્ટ ઓપ્શન શેર કરવામાં આવે તેમાંથી ગ્રાહક પોતાને અનુકુળ પેટર્ન અને
મટેરિયલ સિલેક્ટ કરે, જાતે કોઈ ક્રિએટીવ આઈડિયા હોય તો જણાવે અથવા અમારી ક્રિએટીવ
શ્વેતાની ક્રિએટીવીટી પર છોડી દે. ત્યારબાદ ગ્રાહકો પોતાના મેઝરમેન્ટસ આપી દે અને
શ્વેતા ઇનહાઉસ સ્ટીચીંગ માટે રાખેલા ટેઈલરની મદદથી સરસ મજાનો ડ્રેસ તૈયાર કરાવી
પાર્સલ કરાવી આપે. તો તમારા પોતાના માટે કૈક વિશિષ્ટ બનાવડાવવા ‘શ્વેત’ના ઓફીશીયલ
ફેસબુક પેઇજને લાઈક કરી શકો અને કોન્ટેક્ટ કરી શકો શ્વેતાનો...
ચાડવા રખાલ : https://travelcrazycouple.blogspot.com/2019/01/blog-post_9.html?m=1
ભદ્રેશ્વર :
http://travelcrazycouple.blogspot.com/2019/02/blog-post.html
ભુજ ૧ :
https://travelcrazycouple.blogspot.com/2019/03/blog-post_11.html?m=1
ભુજ ૨ :
https://travelcrazycouple.blogspot.com/2019/03/blog-post_18.html?m=1
Wah...jordar
ReplyDeleteAwesome...
ReplyDelete