મુસાફર-૧
આપણા આર્ટીકલોમાં વાત જયારે યાત્રાની ચાલતી હોય છે ત્યારે કેટલાક યાત્રીઓને મળીએ નહીં કે તેમના અનુભવોનો સમાવેશ કરીએ નહીં તો વાત અધુરી રહી જાય. 'મુસાફર' સીરીઝમાં આપણે એવા જ મુસાફરોને મળીશું. મુસાફરીનો બહુ રસપ્રદ ફાંટો છે ટ્રેકિંગ. બને ત્યાં સુધી એકાંતવાળી કુદરતી જગ્યાઓ કે જ્યાંની ભૂગોળ થોડી સામાન્ય કરતાં વધુ ચેલેન્જીંગ હોય. નદી, ટેકરા, દરિયો, જંગલ કે બરફવાળી જગ્યાઓ. જે સુખ-સગવડો વચ્ચે આપને ઉછર્યા છીએ તેનાથી દુર પોતાની જાત અને કુદરતને જાણવાનો રસ્તો છે ટ્રેકિંગ. તેના માટે કાં તો તમે ‘હાર્ડકોર’ હોવા જોઈએ અથવા તો એ તમને ‘હાર્ડકોર’ બનતાં શીખવી દે. આજે આપણે એવા એક યુવા ટ્રેકર વિષે વાત કરીશું.
ભુજ, કચ્છના અજય ભરતભાઈ કટ્ટા, જેમની ઉમર આશરે ત્રીસ વર્ષ છે અને અત્યાર સુધી આશરે ત્રીસથી પાંત્રીસ નાના મોટા ટ્રેકસ કરી ચુક્યા છે. એમની ટ્રેકિંગની પ્રવૃતિમાં રસ કઈ રીતે અને ક્યારથી જાગ્યો એ બાબતે પૂછતાં તેઓ કહે છે કે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉમરે છાપામાં ટ્રેકિંગ કેમ્પની જાહેરાત વાંચી હતી, કુતુહુલ જાગતાં તેઓએ આ અંગે ઇન્ક્વાયરી કરી. વેકેશનનો સમય હોઈ તેઓએ માઉન્ટ આબુના ૭ દિવસના કેમ્પને જોઈન કરવાનું નક્કી કર્યું અને આ ટ્રેક કેમ્પમાં એમને જે કંઇ જોવા, જાણવા, અનુભવવા મળ્યું તે પછી તેમને આ પ્રકારના કેમ્પસનો નશો જાગેલો. ત્યારપછી જયારે પણ મોકો મળે ત્યારે તેઓ ચુકતા નથી. માઉન્ટ આબુના કેમ્પ પછી એક ટ્રેકિંગ કરાવતી સંસ્થા દ્વારા એક વખત હિમાલયન ટ્રેક અંગેના ચિત્રો, તેમાં વપરાતા સાધનો વિગેરેનું એક પ્રદર્શન યોજાયેલું. આ પ્રદર્શન તેમના માટે ખુબ ફેસીનેટિંગ રહેલ હોવાનું તેઓ જણાવે છે. તેઓ કહે છે કે તેમને નવી લાગેલી કે છેક હિમાલય સુધી લોકો કઈ રીતે જતા હશે? અને તે દિવસે મનમાં આવા ચેલેન્જીંગ કેમ્પમાં જવાનો તેઓએ નિર્ધાર પણ કરેલો.
પોતાના દૈનિક કામો, જવાદારીઓમાંથી તેઓ કેવી રીતે શોખની પ્રવૃતિમાં સમય ફાળવી શકે છે અને કઈ રીતે સામાજિક, આર્થિક રીતે મેનેજમેન્ટ કરે છે એ સવાલનો તેમને આપેલો જવાબ ખરેખર સ-રસ છે. તેઓ કહે છે કે એક વખત કોઈ પ્રવૃતિમાં રસ પડે પછી તમે જાતે બધું એડજસ્ટ કરવા લાગો છે અને બધું આપોઆપ ગોઠવાતું રહે છે.. ઘણીબધી ફરિયાદોના જવાબ આ વાક્યમાં આવી જાય છે.
તેમના તમામ પ્રવાસ અનુભવોને આવરી લેવાનું તો મુશ્કેલ છે પણ યાદગાર બે ત્રણ ટ્રેકિંગ અનુભવો વિષે પૂછતા તેઓ સહુ પ્રથમ ઉલ્લેખ કરે છે ઉત્તરાખંડમાં આવેલ ‘રૂપકુંડ’ ગ્લેશિયર લેકનો. દરિયાની સપાટીથી ૪૮૦૦ મીટરની ઉંચાઈએ આવેલ ચરમોલી ગઢવાલનો આ વિસ્તાર ટ્રેકિંગ માટેની શ્રેષ્ઠ સાઈટ્સ પૈકીની એક ગણવામાં આવે છે. ત્યાં તમે જાતે જવા માંગતા હોવ તો દિલ્હી કે દેહરાદુનથી કાઠગોદામ સુધીની ટ્રેન અને ત્યાર પછી બસની સુવિધા મળી રહે છે.
આ ટ્રેકના બે અનુભવોને ખાસ તેઓ ટાંકે છે. તેઓ કહે છે કે, આ વિસ્તારની વિચિત્રતા એ છે કે ક્યારેક એક દિવસમાં તમને ત્રણેય ઋતુઓનો અનુભવ થઇ જાય છે. અગાઉથી આશરો માંડી શકતો નથી એક વખત આખો સામાન્ય દિવસ વિતાવ્યા પછી ટ્રેકથી થાકેલા સહુ રાત્રે પોતાના ટેન્ટમાં ઊંઘતા હતા ત્યારે અચાનક પુષ્કળ ઝડપે પવન ફૂંકાવા લાગ્યો. જોત-જોતામાં ટેન્ટ પવનના જોર સામે નમતું જોખવા લાગ્યા અને એક પછી એક એમ ત્રણ ટેન્ટ ઉડી ગયા.. આવી તોફાની રાત્રીમાં એ ટેન્ટ શોધવા જવું અને પાછા લગાવવા શક્ય નહોતા પણ બાકીના ટેન્ટસ બચવવા જરૂરી હતા. તેમણે ટેન્ટને ઉડતા અટકાવવા ભારી વસ્તુઓ તરીકે ટ્રેકર્સના બેગ્સ મુક્યા અને એ રીતે મુશ્કેલીથી બાકીના ટેન્ટસ ઉડતા બચાવી શકાયા. જે લોકોના ટેન્ટ ઉડી ગયા હતા તેમને બાકીના ટેન્ટસવાળા સાથે શેરીંગ કરીને રાત્રી વિતાવવાની વ્યવસ્થા કરવી પડેલી. આવી તોફાની રાત્રે એકાંત જગ્યામાં કોઠાસૂઝ અને હિંમત સિવાય કઈ કામ આવી શકે નહી.
આ જ ટ્રેકનો બીજો એક અનુભવ અજય શેર કરતાં જણાવે છે કે આ પ્રકારના ટ્રેકમાં જંગલો અને પહાડો વચ્ચેથી પસાર થવાનું હોય છે. કોઈ પાકા રસ્તા કે સાઈન બોર્ડસ હોતા નથી. દિશા અને અનુભવના આધારે કાચી કેડી પકડીને ચાલવાનું હોય છે અને સહુએ સાથે રહેવું એટલું જ જરૂરી હોય છે. રૂપકુંડ ટ્રેક વખતે બે ટ્રેકર્સ વાતવાતમાં પાછળ રહી ગયા હતા. પહાડો અને જંગલો વચ્ચે તેઓને જયારે ખ્યાલ આવ્યો કે ગ્રુપથી તેઓ વિખુટા પડી ગયા છે ત્યારે તેમની પાસે કોઈ સહાયનો રસ્તો ન હતો કારણકે આવા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક આસાનીથી ઉપલબ્ધ હોતા નથી. તેઓ દિશાના જાણકાર કે અનુભવી ન હોવાને કારણે જે કેડી એમને નજરે ચડી તેના પર ચાલવા લાગ્યા અને સદનસીબે તેઓ એક ગામડે પહોંચી ગયા. ત્યાંના લોકો પાસે પોતાની પરિસ્થિતિની વાત કરી. ગામલોકો ખુબ સજ્જનતાથી વર્ત્યા. બન્ને ગભરાયેલા ટ્રેકર્સને ચા પાણીની વ્યવસ્થા કરી આપી અને અવારનવાર આ જગ્યાએ ટ્રેકિંગ કેમ્પસ આવતા હોવાની તેઓને જાણ હોતા પોતાના પ્રાઇવેટ વાહનથી બન્ને જણાને પાછા બેઝ કેમ્પમાં મૂકી આવેલા.
પહાડી વિસ્તારના આ અનુભવ પછી તેઓ પોતાનો ભગવાન મહાવીર અભયારણ્ય અને દૂધસાગર વોટરફોલ, ગોઆના એક રસપ્રદ ટ્રેક વિષે જણાવે છે. પણજીની ઉત્તર તરફ લગભગ ૨૪૦ ચો.કી.મી.ના વિસ્તારમાં આ અભયારણ્ય ફેલાયેલું છે. પશ્ચિમી ઘાટના ગીચ જંગલો અને ઝરણાથી છવાયેલો આ વિસ્તાર રાની પશુઓ તથા નવીનતમ પક્ષીઓ માટે પણ પ્રસિદ્ધ છે. ગોઆ તેના બીચીઝ, વોટર સ્પોર્ટ્સ વિગેરે માટે પ્રખ્યાત હોઈ અજયભાઈ કહે છે તેમ પુષ્કળ બાયોડાયવર્સીટી ધરાવતા આ ટ્રેક પર આવ્યા પછી તેમને નવાઈ લાગેલી કે આ એ જ ગોઆ છે? અજયભાઈ આ જગ્યાએ ટ્રેક પર તેમના પત્ની સાથે ગયેલા.
આ ટ્રેક પર સતત એક ગાઈડ સાથે આપવામાં આવતો ન હતો પરંતુ બેઝ કેમ્પ પરથી તેમને ગાઈડ કરી ગ્રુપ વાઈઝ મોકલવામાં આવતા હતા. આ રીતે ગ્રુપમાં છતાં થોડા થોડા અંતરે સહુ ચાલતા હતા ત્યારે રસ્તામાં અજયભાઈ તથા તેમના પત્નીને કોઈ પ્રસંગ કે લગ્ન હોય તેવા બેન્ડવાજાનો અવાજ સંભળાયેલો. આસપાસ શોધતા કઈ દેખાયું નહી... અજયભાઈએ જયારે અમને જણાવ્યું કે આખું અભયારણ્ય માનવવસ્તી રહી છે ત્યારે અમારા પણ રીતસર રૂંવાડા ઉભા થઈ ગયેલા.. એમને આવા વિચિત્ર અવાજો કાઢતા કોઈ પક્ષી કે જીવજંતુઓ પણ ક્યાંય દેખાયા નહી. એમના કેમ્પ લીડરે તે રાત્રે એક અજીબ વાત કહેલી કે અનેકવાર લોકો આવા અવાજ સાંભળેલા હોવાનું જણાવે છે. પરંતુ કોઈ ચોક્કસ સ્ત્રોત કે પૂર્તતા આજ દિન સુધી મળી નથી. બીજા દિવસે જયારે તેઓ નેક્સ્ટ બેઝ કેમ્પમાં ગયા ત્યારે આ કેમ્પ એક ઉજ્જડ થયેલ ગામના મકાનોના ખંડીયેરમાં બનાવાયો હતો.. એ વાત અજયભાઈ તથા તેમના પત્નીને વધુ વિચિત્ર અને થોડી ડરામણી લાગેલી. તેઓ આ કિસ્સાના અંતમાં કહે છે કે લોકો ક્યારેક કોઈ ચોક્કસ જગ્યાની વિચિત્રતા કે પવિત્રતા વિષે વાત કરતા હોય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ, અને તે જગ્યાની અદબ પણ જાળવવી જોઈએ.
અન્ય એક યાદગાર ‘સંદકફૂ ટ્રેક’ કે જે દરિયાની સપાટીથી ૩૬૩૬ મીટરની ઉંચાઈ પર આવેલ પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જીલ્લામાં આવેલ પહાડની ટોચ પરનું સ્થળ છે. તેમની વાત કરતા તેઓ કહે છે કે દાર્જીલિંગ આસાનીથી પહોંચી શકાય તેવું સ્થળ છે. કુલ ૫૫ કિમી લાંબો અને ખુબ સુંદર એવો આ ટ્રેક મુશ્કેલ હોવાનું પણ તેઓ જણાવે છે. તેઓએ શિયાળામાં જાન્યુઆરિ માસમાં આ જગ્યાએ ટ્રેકિંગ કરેલું. તેઓ જણાવે છે કે ફ્લાઈટમાં તેઓ દાર્જીલિંગ ગયેલા ત્યારે નીચે દેખાતા હિમાલયની ગિરિમાળાના દ્રશ્યો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ભારત નેપાળની બોર્ડર પર આવેલ આ ટ્રેક માટે પાંચ અલગ અલગ જગ્યાએ કેમ્પીંગ કરવું પડતું હોય છે જે પૈકી ત્રણ કેમ્પ તો નેપાળ વિસ્તારમાં આવે છે. તેઓએ જયારે ટ્રેક શરુ કરેલો ત્યારે માઉન્ટ કંચનજંગા એટલે કે ભારતની ઊંચામાં ઉંચી પીક સ્પષ્ટ નિહાળતા તેઓ અતિશય રોમાંચિત થઇ ગયા હતા. લગભગ આખે રસ્તે આ રેંજ તેમને દ્રશ્યમાન હતી. આ ટ્રેક દરમ્યાન જો વાતાવરણ સાફ હોય તો માઉન્ટ એવરેસ્ટ સહીત વિશ્વની ઊંચામાં ઉંચી સાત પીક તમે જોઈ શકો, એ વસ્તુ સાંભળવી જ કેટલી અદ્ભુત છે તો તેમનો તો અનુભવ કેટલો અદ્ભુત રહ્યો હશે. જો કે, અજયભાઈ કહે છે કે તેમના કમનસીબે વાતાવરણ ધુમ્મસિયું હોવાને કારણે સારી એવી રાહ જોવા છતાં તેઓ સાતેસાત પીકના દર્શન કરી શકેલા નહીં. તેઓ એક અદ્ભુત અનુભૂતિ વિષે જણાવે છે કે સાંજે તેઓ આખા દિવસનો ટ્રેક પતાવી કેમ્પ પર આવે ત્યારે ચોમેર આંખો ઠરે તેવી લીલોતરી હોય અને તેઓ આ દ્રશ્ય જોઈ નિરાંતે ઊંઘી જાય એને બીજા દિવસે સવારે કેમ્પમાંથી બહાર આવે ત્યારે નજરો જ બદલી ગયો હોય.. તેઓ સવારે હિમાલયે લીલોતરી પર શ્વેત ચાદર ઓઢી લીધી હોય.. અજયભાઈ કહે છે કે તેઓ તથા તેમના પત્ની ધારે તો પણ આ દ્રશ્યો તેમના દિમાગમાંથી ખસેડી શકે તેમ નથી.
કલા પોખરી લેક પાસેની નાની ટેકરી.
મુસાફરી અને
તેમાંય ટ્રેકિંગ સદંતર ખાવાના ખેલ તો નથી જ. તમારી ફિટનેસ, ધીરજ, અગવડ સહન કરવાની
શક્તિ, નીડરતા, હિંમત અને સહનશક્તિના પારખાં થઇ જાય છે. આટલા પ્રાથમિક ગુનો
અપનાવવાની તૈયારી હોય તો આવા અદ્ભુત અનુભવોને ચૂકવા જેવા નહી.
આ આર્ટીકલ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો : https://www.thelitthings.com/2020/09/Trekking-journey-young-trekker%20.html?m=1
👌👌👌mst
ReplyDeleteThanks a lot for sharing my experiences. Very well written. All the best for future articles.
ReplyDeleteNice experience and very well described
ReplyDeleteNiyati antani
Nicely written...keep sharing good thoughts
ReplyDeleteજોરદાર..અજયભાઈની મુલાકાત લેવી પડશે..
ReplyDelete