મહાબળેશ્વર – મહારાષ્ટ્ર




કોરોનાએ જયારે વિશ્વનો બરાબર ભરડો લીધો છે ત્યારે જ્યાં સુધી અકસીર ઈલાજ હાથ ના આવે ત્યાં સુધી લોકડાઉન અને સામાજિક અંતર જ માત્ર વિકલ્પ છે. જયારે અમારો ટ્રાવેલ બ્લોગ લોકોને સારા પ્રવાસ માટે ઉત્સાહિત કરવાના આશયથી બનાવાયો છે પણ હાલ જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી વર્ચ્યુઅલ પ્રવાસનો આનંદ લઈએ.

ગુજરાતી હોવ અને ફરવાના શોખીન પણ હોવ તો મહાબળેશ્વરનું નામ તો સાંભળ્યું જ હોય. ગુજરાતને અડકીને આવેલા મહારાષ્ટ્રમાં આવેલું આ હિલ સ્ટેશન ખુબ પ્રખ્યાત છે. સહ્યાદ્રીની ગિરિમાળાઓથી ઘેરાયેલા આ પર્યટન સ્થળને “હિલ સ્ટેશનોની રાણી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમારો પ્રવાસ અનુભવ જોતાં આ ઉપમા વ્યાજબી લાગી.

પુણેથી આશરે ૧૨૫ કિમી અને મુંબઈથી આશરે ૨૫૦ કિલોમીટરે સતારા જીલ્લાના આ હિલ સ્ટેશન પર પહોંચવા ઘણી સગવડો મળી રહે છે. સરકારી નિગમ સંચાલિત બસો અંગે બહુ ખ્યાલ છે નહીં પરંતુ ખાનગી બસો, વધારે સગવડદાયક વોલ્વો બસો તેમજ પ્રાઇવેટ ટેક્સીના વિકલ્પો પુણેથી સરળતાથી અને સારી માત્રામાં મળી રહે છે. મુલાકાતનો અનુકુળ સમયગાળો જોઈએ તો વધુ આવન-જાવન દિવાળીના કે મે-જુન દરમ્યાનના વેકેશનમાં જ હોય છે, પણ જો વેકેશનનો બાધ ના હોય તો સપ્ટેમ્બરથી જાન્યુઆરી એટલે કે મોન્સુન પછી તરત જવાનું વધુ પસંદ કરવું જોઈએ કેમકે એ દરમિયાન બધાય વોટરફોલ્સ ‘ચાલુ કન્ડીશન’માં હોય છે. જો કે, લગભગ કોઈપણ સમયે આ જગ્યા સુંદર, ઠંડક વાળી અને આનંદદાયક હોય છે. આજે અમારા ત્યાંના અનુભવો વર્ણવીએ.

અમને ત્યાં ઉતરતાં તરત જ એક વસ્તુ ખુબ ગમી ગયેલી. ત્યાં પહોંચી બસમાંથી ઉતરતાં જ બાકી પર્યટન સ્થળની માફક અહીં પણ ટેક્સી ડ્રાઈવર્સ ઘેરી વળ્યા ડેસ્ટીનેશન પર લઇ જવા માટે. લંચ ટાઈમ થતો હોવાથી વિચાર્યું પહેલા લંચ કરીએ પછી હોટેલ પર પહોંચીએ, અને તે દરમ્યાન કોઈ જાણકાર પાસેથી અમને જવાના સ્થળ સુધી આશરે કેટલું ટેક્સી ભાડું થાય તે પણ જાણી લઈએ. જમતાં જમતાં જ હોટેલ માલિક સાથે આ બાબતે વાત કરતા જાણ્યું કે અહીં પર્યટન વિભાગ અને ટેક્સી એસોશિયેશન દ્વારા જગ્યા મુજબના ટેક્સી દર ફિક્સ થયેલા છે તેઓનો ચાર્ટ પણ આપણે જોઈ શકીએ. અને હા, કોઈ ડ્રાઈવર તેનાથી એક પણ રૂપિયો વધુ લે નહી.. આ અનુભવ અમારી માટે નવીન હતો, અને હકીકતે અમારા ત્યાંના રોકાણ દરમિયાન જેટલી પણ વાર અમે ટેક્સી કરી, કોઈપણ સમય થયો હોય છતાં અમારી પાસે ફિક્સ ભાડું જ વસુલવામાં આવ્યું અને તે ભાડું રીઝનેબલ જ હતું. આવી રીત જો બધાય પર્યટન સ્થળોએ અપનાવવામાં આવે તો કોઈને છેતરાવાની ભાવના કે બાર્ગેઈન કરવાની લાલચ જ ના થાય. કોઈપણ પર્યટન સ્થળે લોકો હરવા ફરવાના આશયથી જ ગયા હોય તો જો લોકલ ટ્રાન્સપોર્ટનો અનુભવ સારો રહે તો પચાસ ટકા રાહત થઇ જાય છે અને એ માટે મહાબળેશ્વરને અમારા કોમ્પ્લીમેન્ટસ.



 મહાબળેશ્વરમાં રહેવા માટે બજારમાં જ ઘણી હોટેલ્સ છે જે પૈકી MTDCનું રિસોર્ટ એક સરસ વિકલ્પ છે. અહીં ચાંપલી લકઝરીના બદલે જંગલની ‘rawness’ નો અહેસાસ થાય છે. પ્રમાણમાં છેડે આવેલું હોવાથી રાત્રીના ઝાડના પાનની સરસરાટી. નિશાચરોનો સહેજ બિહામણો લાગતો અવાજ, સવારના પક્ષીઓની કિલકારીઓ દિવસમાં શાંતિ અને રાત્રીના સન્નાટાનો અનુભવ કરવો હોય અને તે પણ કમ્ફર્ટ સાથે તો આ રિસોર્ટ સારો વિકલ્પ છે. કેટલાક લોકોને અમુક ફિક્સ ડીઝાઇનવાળા આઉટીંગ પસંદ હોય છે જેમાં ચમકતી ટાઈલ્સો અને સ્ટાઈલીશ ફર્નીચરવાળા રૂમ્સ, સ્વીમીંગ પૂલ, લાઉડ મ્યુઝીક, થોડો કોલાહલ, બજારની ઝાકઝમાળ એ બધી પ્રવૃતિઓ હોય તો જ વેકેશનની મજા આવે, એમાં કશું ખોટું નથી જેવી જેની ચોઈસ પણ આવા લોકોને કદાચ આ રિસોર્ટ ઓછો માફક આવે તો તેઓ અન્ય લકઝરીયસ રિસોર્ટ વિષે સર્ચ કરી શકે છે. MTDCનો રિસોર્ટ જંગલથી નજીક અને વૃક્ષોથી છવાયેલ હોવાને કારણે અહીની સવાર છત પર વાંદરાઓના તોફાની કુદકાઓના અવાજથી થાય છે... અને હા, અહીં દરેક રૂમમાં એન્ટ્રીમાં બે દરવાજા હોય છે, એક જાળીદાર દરવાજો અને ત્યારબાદ મેઈન લાકડાંનો દરવાજો. મેઈન દરવાજો ખુલ્લો હોય તો કોઈ ઇસ્યુ નહીં પણ જો બંને દરવાજા ખુલ્લા રાખ્યા અને તમારો સામાન પણ દરવાજા પાસે રાખ્યો તો એ સામાન અડધા કલાક પછી કોઈ વૃક્ષની ડાળી પર લટકતો મળે એની સંભાવના ખરી.. J અમને પણ પાંચ મિનીટ રૂમ ખુલ્લો રાખીને પરત આવતાં એક વાંદરા મહેમાનનો લાભ મળ્યો હતો ખરો.
કપિરાજ મોકાની તલાશમાં 

હવે સાઈટ્સીન્સની વાત કરીએ તો ગૂગલ પર માહિતી મળી જ રહેશે છતાં ટૂંકમાં ચર્ચા કરીએ. અહીં બીજા બધા હિલસ્ટેશન પર હોય તેવા કોમન પોઈન્ટ્સ તો છે જ, જેવા કે સનરાઈઝ-સનસેટ પોઈન્ટ્સ, ઇકો પોઈન્ટ, ઘણાબધા વોટરફોલ્સ અને હવે એવી પણ જગ્યાઓ અમુક સ્થળોએ છે કે જેમાં નીચે દેખાતી ખાઈમાં સિક્કો ફેંકો તો એ રીવર્સ પવનને કારણે ફરી ઉપર આવે. આ બધાય પોઈન્ટ્સ જોવાલાયક છે.. (ફરવા ગયા હોઈએ તો જોવાના જ હોય ને ;) ). પણ અમુક પોઈન્ટ્સ એવા પણ છે જે મહાબળેશ્વરને બીજાથી અલગ તારવે છે. જેવા કે,

પ્રતાપગઢ ફોર્ટ :

મહાબળેશ્વરથી આશરે પચીસ કિલોમીટર દુર આવેલ છત્રપતિ શિવાજી મહારાજે બનાવેલ આ કિલ્લો ઇતિહાસના શોખીનોની સાથે ટ્રેકિંગના શોખીનો માટે પણ સરસ જગ્યા છે. છેક ૧૬૫૬માં મહારાજ દ્વારા બનાવવામાં આવેલ આ કિલ્લો ઘણી લડાઈઓનો સાક્ષી રહી ચુક્યો છે. તળેટીમાં આવેલ મ્યુઝીયમ પણ ખુબ માવજતથી રાખવામાં આવેલ છે. અહીં વહેલી સવારે પહોંચી જવું હિતાવહ છે કેમકે જો ઉનાળુ વેકેશનમાં ગયા હોઈએ તો કિલ્લાની છેક ઉપર સુધી જવામાં બપોર પડતાં થાક લાગે તેવું બને. મહાબળેશ્વરથી અહીં જવા માટે પ્રાઇવેટ ગાડી પણ કરી શકાય, જો કે શેરીંગ જીપ કે એસ.ટી બસ ઈકોનોમિકલ ઓપ્શન છે.

સ્ટ્રોબેરી ફાર્મ :
મહાબળેશ્વરમાં હજુ તો પ્રવેશ પણ ના કર્યો હોય તે પહેલાં જ સ્ટ્રોબેરીના મોટા પોસ્ટર્સ તમારું સ્વાગત કરતા હોય. ઇન્ડિયાની પ્રખ્યાત બ્રાંડ મેપ્રો જેવી કેટલીય કંપનીઓના સ્ટ્રોબેરી ફાર્મ અહીં આવેલા છે. મહાબળેશ્વરનું વાતાવરણ સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે એકદમ અનુકુળ છે. સ્ટ્રોબેરી ફાર્મની મુલાકાત માટે જનરલી કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. સ્ટ્રોબેરીના નાના, નાજુક છોડને જોવાની લીલા ફૂલમાંથી નીકળી રહેલી સ્ટ્રોબેરી જોવાની એક અનેરી મજા આવે છે. ફાર્મની પાસે જ ફાર્મ માલિકની શોપ હોય છે કે જેમાં સ્ટ્રોબેરી શેક, સ્ટ્રોબેરી તેમ જ અન્ય સ્ટ્રોબેરીની આઈટમ્સ મળે છે. પણ અમારા અનુભવ પ્રમાણે તમારે ત્યાંનો સ્ટ્રોબેરી શેક તો જરૂર ટ્રાય કરવો જ જોઈએ. તાજી તાજી સ્ટ્રોબેરીનો તાજો શેક આખા પ્રવાસનો થાક ઉતારી આપશે.

બોમ્બે પોઈન્ટ :



આમ તો આ પોઈન્ટ એક બીજા પોઈન્ટ્સ જેવો પોઈન્ટ છે જેમાં સનસેટ સરસ દેખાય છે. પણ અહીં જવાનો રસ્તો અમને ખુબ પસંદ આવ્યો. MTDCનું ગેસ્ટ હાઉસ અહીંથી લગભગ એકાદ કિલોમીટર જ દુર હોવાથી અમારી મોર્નિંગ અને ઇવનિંગ વોક લગભગ રોજ આ પોઈન્ટ પર થતી. સાંજના સમયે સહુ પ્રવાસીઓ વિહીક્લથી અહીં આવેલ હોય એટલે તેઓના ગયા બાદ આ પોઈન્ટ પરની શાંતિ અલગ જ અનુભવ આપતી. અમે છેલ્લે નીકળીએ ત્યારે માત્ર આપણો પગરવ અને અવનવા પક્ષીઓનો અવાજ જ સંભળાય. આવો અવિસ્મરણીય અનુભવ જે પોઈન્ટ પર થાય તે ગમતો પોઈન્ટ બની જ જાય. હા, આ પોઈન્ટ્સ પર બાળકો માટેની ગેમ્સ અને ઘોડેસવારી પણ છે.

મહાબળેશ્વરની બજાર પણ સરસ છે. અહીં ચંપલો અને મોજડીઓ સરસ હાથ બનાવટની મળી રહે છે. તે ઉપરાંત અનેકવિધ ફ્લેવર્સમાં ચીક્કીઓની દુકાનો ઠેરઠેર મળે છે. નાનીનાની જેલી સ્વીટ્સ અને અન્ય સ્ટ્રોબેરી બનાવટની મીઠાઈઓ પણ સરસ મળે છે. મેપ્રો તેમજ અન્ય બ્રાન્ડના શો-રૂમ જેવી દુકાનોમાં અધધ પ્રકારના એસેન્સ શરબતો, ક્રશ સ્ક્વોશ, ચોકોલેટસ, જેલી સ્વીટ્સ અને બીજું કેટલુંય મળે છે. કોલ્ડ-ડ્રીન્કસ કે શરબતોમાં અદ્ભુત કોમ્બિનેશનમાં ફ્લેવર્સ મળે છે અને તમને તદ્દન નવીન ફ્લેવર પર શંકા હોય કે ભાવશે કે કેમ તો તેને ચાખવાના પણ વિકલ્પ ખુલ્લા હોય છે. જો કે, આવી શોપ્સમાંથી ઢગલાબંધ ખરીદી કર્યા પછી અમારા થેલા એટલા ભરી થઇ ગયા હતા કે વળતી વખતે માંડમાંડ ટ્રેઈનમાં ચડાવ્યા પછી જયારે એ જ ટ્રેઈનમાં ફેરિયાઓ એ જ ચીક્કીઓ અને સ્વીટ્સ વહેંચતા દેખાયા ત્યારે આઘાતના માર્યા દુખી ગયેલા હાથમાં નાનકડો એટેક આવી ગયેલો ! (મોરલ ઓફ ધ સ્ટોરી : અતિ લોભ તે પાપનું મૂળ). મતલબ કે, ઉપડે એટલી ખરીદી કરજો.

જો કે, ત્યાંના લોકલ લોકો આર્થિક રીતે ખુબ સામાન્ય, જીવન ધોરણ પણ પ્રાથમિક, શરીરે તદ્દન એકવડિયો બંધો ધરાવતા અને બિનજરૂરી બોલચાલ ટાળતા લોકો છે. હા, જો કઈપણ માર્ગદર્શન જોઈએ તો વ્યવસ્થિત આપે છે. જંગલ વિસ્તાર હોવાને કારણે વરસાદનું વધારે પ્રમાણ, રસ્તા બંધ થઇ જવા વગેરેની તકલીફો તેમજ આધુનિક સાધનોના અભાવને કારણે બારમાસના ખોરાક, કપડાં તેમજ મકાન માટે તેઓ પુરાતન પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે. તેમ છતાં તેઓને પોતાની જીવનશૈલી અને આવા પ્રમાણમાં દુર્ગમ કહી શકાય તેવા વિસ્તાર તરફ સંતોષ અને આદર હોય તેવું જણાયું.

અમે ત્રણ દિવસ મહાબળેશ્વર ફરેલા પણ ચોખ્ખી હવા, સુંદર દ્રશ્યો, ઠંડકવાળું વાતાવરણ અને રીલેક્સ મૂડના કારણે પ્રવાસનો જરાય થાક જણાયો જ નહીં. મોટાભાગના પોઈન્ટ્સ પર ખાવાપીવાના વિકલ્પો પણ મસ્ત હતા. તાજી સમારેલી કાકડી, ટામેટા, મૂળા અને ફળો પર ચટપટો મસાલો છાંટીને આપે એટલે હેલ્થ અને ટેસ્ટ બન્ને જામેલા રહે. મોટાભાગના લોકલ લોકો સહકારની ભાવના ધરાવતા, પ્રવાસીઓ માટે મદદગાર અને માર્ગદર્શીઓ હતા. જે જગ્યાએ પ્રવાસીઓના મૂડ અને આદર જળવાતા હોય એ જગ્યાનો અનુભવ આનંદદાયક બની જતો હોય છે. અને છેલ્લે એક મજાની વાતથી વિરમીએ. પ્રવાસ દરમિયાન અમારા ડ્રાઈવરને અમે પૂછ્યું કે “તેઓ ધારે તો વધુ નફો રળી શકો, ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી શકો અને એવું તો બધે ચાલતું જ હોય છે તો તમે શા માટે નિયમો ફોલો કરો છો ?” તેનો જવાબ તેણે શાંતિથી આપતાં કહ્યું કે, “અમારા લોક્લ્સ પાસે નાની મોટી ખેતી કે થોડા પશુઓ સિવાય દુર્ગમ વિસ્તાર હોવાને કારણે કમાણીના ખાસ વિકલ્પો નથી, બારેમાસ ચાલે તેટલું ભેગું કરવા અમને ટુરીઝમ જ મદદરૂપ બને છે. એટલે એ અમારી રોજી-રોટી કહેવાય, તો તેના માટે આદર રાખવો જ પડે ને.” બસ, આટલા માટે જ મહાબળેશ્વર જજો.

આ વેકેશનમાં ફરવા માટે રાખેલ રકમ ફરવામાં વાપરી તો શકાશે નહીં... તો અમારી અત્રેથી વિનંતી છે કે તે રકમ પૈકીનો કેટલોક સન્માનનીય હિસ્સો PM CARESમાં આપજો. અને આપ્યા પછી આ બ્લોગમાં “I DID” લખજો જેથી અમે અને અમારા બીજા મિત્રો તમને એપ્રીશીયેટ કરી શકીએ. Link for PMCARES fund is https://www.pmcares.gov.in/en/

Stay home, stay safe !!


Comments

  1. સરસ વર્ણન.
    ગયા દિવાળી વેકેશનમાં જ ગોવા-સતારા-મહાળેશ્વર-પંચગની-શિરડી-ત્ર્યંબકેશ્વરનો પ્રવાસ કરેલો. ઉમદા જગ્યાઓ... એફિન્સટન પોઈન્ટ,માલ્કમ પોઈન્ટ,વિલ્સન પોઈન્ટ,સનસેટ પોઈન્ટ , એલિફન્ટ હેડ, લિંગમાલા ફોલ્સ... વગેરે... ઉમદા વાદળ ભર્યુ વાતાવરણ...

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર હરેશભાઈ..

      Delete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પોળોનું જંગલ, સાબરકાંઠા

ભદ્રેશ્વર, કચ્છ.

શ્રધ્ધાના રસ્તે - 2