ઓફ ધ બીટ - સહપ્રવાસીઓ..


પ્રવાસ વિષે લખતા કે વાંચતા હોઈએ ત્યારે ફક્ત પ્રવાસના સ્થળો જ નહીં પરંતુ પ્રવાસ સાથે સંકળાયેલી અન્ય તમામ બાબતો જેવી કે, ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, ગેસ્ટ હાઉસીસ, હોટેલ્સ, લોકલ લોકો, ગાઈડસ, ફોટોગ્રાફી વિગેરે બાબતો પ્રવાસ પર અસર કરતી હોય છે.

જો કે, આપણે આ તમામ બાબતોને આપણી પોતાની ઈચ્છાના બીબામાં ઢાળવા માટે પેકેજ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં સર્વાંશે આ બધા અનુભવો ટાળી શકાતા નથી.

ભારત જેવા અધધ વસ્તી ધરાવતા દેશમાં ક્યાંય પ્રવાસ કરવા નીકળો એટલે અનેક લોકોનો પરિચય કે પરચો થયા વિના રહે નહીં. તેમાંયે લાંબી મુસાફરી દરમ્યાન સહપ્રવાસીઓનો અનુભવ પ્રવાસ અને મૂડ બન્ને પર અસર કરે છે. કદાચ આવા અનુભવોથી ભય પામીને જ આપણે ટોળામાં પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ કે જેથી “જાણીતાપણા”ના કમ્ફર્ટઝોનને આપણે છોડવો પડે નહીં.

અમારા પ્રવાસો દરમ્યાનના સહ-પ્રવાસીઓને લગતા કેટલાક અનુભવો આજે શેર કરીએ. ઘણા વર્ષો પહેલા અમે ત્રણ છોકરીઓ ટ્રેનમાં વડોદરા તરફથી કચ્છ તરફ પ્રવાસ કરી રહેલ હતી ત્યારે કચ્છ નજીક આવતાં અમે બેઠાં હતા એ લગભગ આખો કોચ ખાલી થઇ ગયો, અને ઢળતી સાંજના ટાંકણે એક અસ્થિર દિમાગનો વ્યક્તિ એકલો એકલો કંઈ બબડતો કોચમાં આમતેમ રખડવા લાગ્યો. એ એક કલાક ખુબ મુશ્કેલ ગયો, ત્યારે કોઈ દૂર કે અંતરિયાળ સ્થળોએ રેલ્વેની મુસાફરી એકલી છોકરીઓ માટે અસલામત બની શકે તેવો અનુભવ થયેલો.

ટ્રેઈન મુસાફરી વિષે વધુ વાત કરીએ તો સ્લીપર અથવા થર્ડ એસી કોચિસમાં વચલી બર્થવાળાની હાલત કફોડી થતી હોય છે. એમની ઈચ્છા શક્તિનું ખાસ મહત્વ રહેતું નથી, કારણકે દિવસ દરમ્યાન વચલી બર્થ ખોલી શકાતી નથી, તેવે સમયે સહ-પ્રવાસીઓ વધુ મહત્વના બની જાય છે. એક વખત મુંબઈથી કચ્છ તરફ આવતાં અમને બન્ને વચલી બર્થ મળેલી, ઉપર, નીચે તેમજ સામે તમામ સીટ્સ પર બુરખાધારી આધેડ સ્ત્રીઓ હતી જેથી અમને શરુઆતમાં એમની ઉમર પ્રમાણે ઠાવકા વર્તન અને શાંતિની અપેક્ષા હતી. પણ ફક્ત દસ મીનીટમાં મોટે-મોટેથી અટ્ટહાસ્યો, નોન વેજ જોક્સ, બુમો પાડી એકબીજાને બોલાવવું અને ખાવુંપીવું શરુ થતાં ઓલરેડી અગાઉના પ્રવાસથી થાકેલા અમને એ લોકોને થોડી શાંતિ માટે રીક્વેસ્ટ કરવી પડેલી કારણકે તે સમયે અમારો દીકરો પણ ઘણો નાનો હતો, અને અમારા આશ્ચર્ય વચ્ચે એ લોકોએ જવાબ આપેલો કે અમે તો એકબીજાને મળવા જ આવેલા છીએ, તમને શાંતિ જોઈતી હોય તો બીજે જતા રહો”!

આવો જ કંટાળો ટ્રેનમાં ચિક્કાર સામાન લઈને ચડતા લોકો કરાવે છે. એક ટીકીટમાં દસદસ મુસાફરો જેટલો સામાન ઢસેડીને ભારતીય રેલવેને વસૂલ કરતા લોકો એટલા સ્માર્ટ હોય છે કે ચડતાંની સાથે જ આખા ડબ્બામાં બધી જ સીટો નીચે ફટોફટ પોતાનો સામાન ઘુસાડી દેતા હોય છે, અને પોતે આરામથી લાંબા થઈને ઉપર જઈ ઊંઘી જતા હોય. બાકીના મુસાફરો સામાન માટે ભલે હેરાન થતા...




સામાનની વાત પરથી એક દક્ષીણ ભારતીય ભલા અન્નાયાદ આવી ગયા. કચ્છથી છેક ભારતની દક્ષીણે આવેલ નાગરકોઇલ તરફ જતી નાગરકોઇલ એક્સ્રેસમાં થર્ડ એસી કોચમાં ત્રણ સીટો અમારા ફેમિલીની હતી, વચ્ચેની બે સીટો ગોઆ ફરવા જતી છોકરીઓની અને બાજુની સીટ એ તરફની કોઈ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાની હતી. વડોદરા પહોંચતા પહોંચતા પેલી છોકરીઓએ આખો ગ્રાઉન્ડ ફ્લોરસામાનથી ચીતરી દીધેલો. જયારે નીચેની બર્થના ખરા માલિકચડ્યા ત્યારે પગ મુકવાની પણ જગ્યા રહી નહોતી. પણ પહેલા મહાપુરુષે એકપણ શબ્દ બોલ્યા વિના બધો જ વેરાયેલો સામાન વ્યવસ્થિત ગોઠવી દીધો અને પોતાનો સામાન જેટલી જગ્યા મળી તેમાં એડજસ્ટ કર્યો. છેવટે એક નાનું બેગ પોતાના બર્થ પર જ રાખી અને લંબાવ્યું.. (બેસી શકાય તેમ હતું જ નહીં), અને છેક ગોઆ આવતા સુધી તેઓ કોઈ ચીડ વિના સુતેલા જ રહ્યા. જયારે ગોઆ સ્ટેશને જગ્યા થઇ ત્યારે છેક એમણે બેઠક લીધી ! ફક્ત શાંતિ જાળવવાથી જ ક્યારેક મદદ થઇ જતી હોય છે.

બીજા એક પ્રવાસ દરમ્યાન બેંગ્લોરની કોઈ કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અમારો સહપ્રવાસી બનેલો. એય ને મસ્ત પત્તા રમતાં રમતાં બેંગ્લોર-અમદાવાદનો લાંબો રસ્તો કેમ કપાઈ ગયો એ ખબર જ ના પડી. અન્ય એક પ્રવાસમાં એક લગભગ આધેડ વયના જૈન પરિવારના સભ્યો સાથે હતા. બપોરથી શરુ થયેલ પ્રવાસમાં રાત્રી સુધી એ પરિવારની સ્ત્રીઓ સફાઈ પૂર્વક તેમનાં સામાનમાંથી ચા, કોરો નાસ્તો, ભોજન, છાશ વિગેરે ક્રમાનુસાર જૈન રીવાજો મુજબના સમયે કાઢતી, પીરસતી રહી. સાથે લાવેલા સામાનમાં ડીશો, ચમચીઓ, ગ્લાસ બધું જ એ રીતે કાળજીપૂર્વકનું હતું જાણે તેઓ પોતાના ઘરમાં જ બેઠેલા હોય! કાંદો લસણ ખાતા પરિવારજનો માટે અલગથી ચટણી, ડુંગળી વિગેરેનું પેકિંગ તો ખરું જ. આ બધું સમયે સમયે પીરસતી અને ફરી સફાઈપૂર્વક આટોપતી સ્ત્રીઓને જોઈ આનંદ આવેલો. પેલા આધેડ પરિવારો પૈકી એક કપલ બહુ ફાઈન હતું જેમાં શ્રીમતિજી એમના શ્રીમાન માટે દર કલાકે કૈક ને કૈક બનાવી રહ્યા હતા. કોઈએ શ્રીમતીજીને પૂછ્યું કે, “તમે કેમ નથી ખાતા”? ત્યારે એમના શ્રીમાને હસતાં હસતાં જવાબ આપેલો કે, “એ જીવવા માટે ખાય છે અને હું ખાવા માટે જીવું છું.” પેલા શ્રીમતીજીએ અંતમાં કહેલું, “આમ પણ ટ્રેનમાં બીજું કામ શું હોય? કંઇક નાસ્તો બનાવું તો મારો સમય પણ જાયને..”

ઓછું વધુ ટ્રાવેલ કરનાર સહુ ટ્રાવેલર્સને આવા અનુભવો થયા જ હશે, અપડાઉન કરતા મિત્રો પાસેતો પીરસવા આખું ભાણું હશે, તો તમે પણ તમારા કોઈ અનુભવો કમેન્ટમાં શેર કરશો તો અમને ખુબ ગમશે. અંતમાં, સહુને સારા અને સહકારી સહ પ્રવાસી બનવાની શુભેચ્છા..


મિત્રો, આ વખતે બ્લોગમાં એક નવીન સૂચન મુકીએ. ભુજ શોખીન શહેર છે, લોકોને ખાણીપીણી અને પહેરવા ઓઢવાનો મસ્ત ચસ્કો છે. કંઇક નવું પહેરવાની હોંશ સતત સહુ પર સવાર રહે છે. બજારના અઢળક વિકલ્પો ઉપરાંત જો તમે કંઈ નવું ઈચ્છતા હોવ તો ‘શ્વેત બુટીક’નો લાભ લેવા જેવો છે. કાપડના મટેરિયલમાં ટકાઉપણું અને ડીઝાઇનમાં ડીસન્સી પસંદ કરતી લેડીઝ માટે અધધ વિકલ્પો તો નહીં પણ ચોઈસેસ્ટ સિલેકશન રાખતી અને ‘IN HOUSE STITCHING’ કરાવી આપતી મારી મિત્ર શ્વેતા ધોળકિયાના બુટીક - શારદામણી, નવરોઝી એસ્ટેટ, અદાણી મેડીકલ કોલેજની સામે, સેઇન્ટ ઝેવિયર્સ સ્કુલ પાછળની મુલાકાત લેવાનું સજેશન છે અને હા, તમે નિરાશ નહીં થાઓ. 

Comments

  1. વાહ મજા પડી ગઈ. આવા અનુભવો તો બધાને થતા જ હોય છે પણ એને શબ્દો નું સ્વરૂપ આપવું અઘરું હોય છે

    ReplyDelete
  2. મજા આવી જુના દિવસ યાદ આવી ગયા

    ReplyDelete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પોળોનું જંગલ, સાબરકાંઠા

ભદ્રેશ્વર, કચ્છ.

શ્રધ્ધાના રસ્તે - 2