રણકાંધીના શહેશાહ - હાજીપીર
કેટલાક સ્થળો મનોરંજનના અર્થમાં “પર્યટન
સ્થળ”ની કેટેગરીમાં કદાચ ન મુકી શકાય, છતાં પણ જરૂર મુલાકાત લેવા લાયક હોય છે. આવું
એક સ્થળ છે અમારા કચ્છના છેક સીમાડે આવેલ સોદ્રાણાના શહેનશાહ હાજીપીર દાદાની
દરગાહ.
ભારતની પશ્ચિમે ગુજરાત અને
ગુજરાતની પશ્ચિમે આવેલા કચ્છના પણ છેક પશ્ચિમ સીમાડે પાટનગર ભુજથી આશરે ૧૨૦કિમીના અંતરે
આવેલ આ દરગાહ લગભગ ઉજ્જડ એવા રણ વિસ્તારમાં આવેલી છે. કચ્છની ઉત્તર પૂર્વમાં આવેલ
મીઠાનું રણ રણોત્સવ અને હેલ્લારો ફિલ્મ થકી પ્રચલિત બન્યું છે જયારે પશ્ચિમ તરફ
આવેલ પ્રમાણમાં વેરાન પ્રદેશ પર્યટન ક્ષેત્રે વિકસિત થયેલો નથી. આ પ્રદેશની
પ્રતિકુળ ભૂગોળના કારણે ખાસ વસ્તી ધરાવતા ગામો પણ જૂજ છે. તેમ છતાં હાજીપીર દાદાનો
મહિમા અને પરચાને કારણે યાત્રિકો આ તરફ જતા હોય છે અને માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની
બસો પણ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ વાહનોથી પણ દરગાહની મુલાકાતે જઈ શકાય પરંતુ આખરી
૩૦કિમીના રસ્તા ખાસ સારી સ્થિતિમાં રહ્યા નથી.
લગભગ બધાજ ધર્મોના લોકો જેમને આદર આપે
છે, પૂજે છે અને પોતાની ઈચ્છા-માનતાઓ લઈને જાય છે તેવા હાજીપીર દાદાની કથા કૈક એવી
છે કે, તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે
આવ્યા હતા. તેઓ સેનામાંથી નિવૃત્તિ મેળવી બાજુના જ નારા ગામ ખાતે સ્થાયી થયા
હતા. તેઓ બહારવટિયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હોવાતી
તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ 'ઝીંદા પીર' કે 'વાલી પીર' તરીકે પણ ઓળખાય
છે.
સાવ ઉજ્જડ વનના તદ્દન છેવાડે કોઈ માણસ
ફક્ત વિષમ પ્રકૃતિના ખોળે એકલા વિતાવવાનું પસંદ કરે તો તેને દેવત્વ પ્રાપ્ત થયા
વિના રહે? આવા સત ધરાવતા માનવીઓ મૃત્યુ પછી પણ તેમની અસર, આભા છોડી જતા હોય અને
તેથી લોકોની મનીષાઓ મૃત્યુપરાંત પણ પૂર્ણ જરૂર કરે. આવા હઝરત ઝકરિયા અલી અકબર
હાજીપીર રહેમતુલ્લા અલ્લેહની દરગાહની મુલાકાત લેતી વખતે વિશાળ દરગાહ અને તેની
બાજુમાં આવેલ તળાવ સિવાય કોઈ વિશેષ પર્યટક આકર્ષણ નથી. વધુમાં આ જગ્યાનો ધાર્મિક આદર
રહે તેવી ચીજોની નાનકડી બજાર સિવાય અન્ય કોઈ મનોરંજક પ્રસાધનો ઉપલબ્ધ ના હોવા એ પણ
અમારી દ્રષ્ટીએ નોંધપાત્ર વસ્તુ છે. મોટેભાગે ફક્ત મનોરંજન માટે કરાતા
પ્રવાસોમાંથી ભૂગોળ જાણવાનો અને આધ્યામિક નિષ્ઠાની બાદબાકી થઈ જતી હોય છે. જયારે
આ દરગાહના દર્શન પછી શાંતિની અનુભૂતિ થયા વિના રહે નહી. માટીના રમકડાં, તળાવની
માટીના ટુકડા અને અન્ય નાનીમોટી હાથ બનાવટની વસ્તુઓની દુકાનોમાં ઘણા સસ્તા દરે મળી રહે છે, આવી
‘અસ્સલ’ ચીજો ખરીદી શકાય.
હાજીપીરની દરગાહની આસપાસ વસેલા નાનકડા
ગામમાં લોકો દયાળુ અને માયાળુ છે, દરગાહની અંદર દર્શન માટે પ્રવેશતી વખતે જયારે
અમારા પુત્રને માથે ઢાંકવા રૂમાલ ફંફોસતા હતા ત્યારે દરગાહના દરવાજે ઉભેલ વૃદ્ધે
સસ્મિત કહ્યું કે “બાળકને કશું ના હોય” ત્યારે ધર્મ નિરપેક્ષતાના પ્રવચનની કોઈ
જરૂર રહી નહી. બહાર ચંપલો ઉતારીને અંદર જતાની સાથે નાનકડી બાળકીએ ચપ્પલો જાતે
ઉઠાવીને લાઈનમાં મુક્યા પછી ફક્ત આશાભરી આંખે જોતી હતી. પૂજાપાની દુકાનોમાં કોઈ
બિનજરૂરી દુરાગ્રહ કે શ્રદ્ધાળુઓને લૂંટી લેવા ભાવો ન હતા. લેડીઝ વોશરૂમની તપાસ કરતા
એક સ્ત્રીને પૂછ્યું તો તેણી વગર કોઈ ઓળખાણે પોતાને ઘેર લઇ ગઈ કે જ્યાં નળમાં પાણી
પણ ન હતું! પોતે બહારથી ભરી લાવીને રાખેલા પીપમાંથી પાણી ભરી આપીને એ સ્ત્રી કહેતી
કે “તમે હાજીપીરના મહેમાન કહેવાવ!” આવી માનવતા તદ્દન સુકા અને વિષમ પ્રદેશના
લોકોમાં જોવા મળે તો તે જગ્યાનો આધ્યાત્મિક પ્રભાવ જ ગણી શકાય. જો, આ સ્થળની
મુલાકાત લો તો તદ્દન નહિવત નફાના દરે નાનો મોટો વેપાર કરતા લોકોને જરૂર ખુશ કરજો,
બાકી તો ધરાર સમજવા છતાં ફક્ત બ્રાન્ડેડના મોહને કારણે આપણે બમણાં માર્જીનથી પણ ખરીદી
કરતા જ હોઈએ છીએ.
હાજીપીરનો મેળો ચૈત્ર મહિનાના પહેલા
સોમવારે યોજાય ત્યારે પુષ્કળ પ્રવાસીઓથી આ સ્થળ ઉભરાઈ જાય છે, હજારોની સંખ્યામાં
પદયાત્રીઓ કચ્છના આકરા તાપમાં આટલું લાંબુ અંતર દાદાને સલામ ભરવા ખેડે છે. ભુજથી
હાજીપીર જવાના રૂટ પર જો કે નાના મોટા કેટલાક પીકનીક સ્પોટ્સ આવેલા છે જે તમારા એકદિવસીય
પ્રવાસને વિશેષ બનાવી શકે. પરંતુ આજનો બ્લોગ ફક્ત હાજીપીર દાદાને નામે..
કચ્છના રણની વિવિધતા અને વિષમતા, દેશનો
સીમાડો અને ઓલિયાની દરગાહની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.
ખરેખર અદ્ભભૂત વર્ણન. હુ ગયો છુ. પરંતુ તમારો ભાવ જ ઊચો છે.
ReplyDeleteખૂબ આભાર પ્રત્યન્ચ ભાઈ..
Deleteવાહ
ReplyDeleteઆભાર
Deleteવાહ....ખૂબ સુંદર વણઁન....આરોહિ
ReplyDeleteખૂબ આભાર
DeleteThanks a lot..
ReplyDelete