ઓસમ હિલ, ધોરાજી.

ચાલો આજે ગુજરાતમાં એક મીની ટ્રીપ મારી આવીએ. નાની, ચાર પાંચ કલાક ગાળી શકાય તેવી છતાં અત્યન્ત મનોહર જગ્યાની મુલાકાત લઈએ. રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો અને તેમાં આવેલું છે સાવ નાનું ગામ પાટણવાવ. સામાન્ય રીતે રાજકોટથી ધોલેરા તરફ જતાં એ જ હાઇવે તેમજ રસ્તાઓનો નજારો જોવા મળે, પણ પાટણવાવ નજીક આવતાં અચાનક જ નાનકડી ટેકરીઓની હારમાળા દેખાય. આ ટેકરીઓની હારમાળા એટલે ઓસમ હિલ. ઓસમ.. અંગ્રેજીમાં આ શબ્દ છે જેનો મતલબ થાય છે અત્યન્ત સુંદર, અદભુત.. આ હિલ ચોક્કસ અદભુત છે, અત્યન્ત સુંદર છે પણ મારા ખ્યાલ મુજબ તેનું નામ પડ્યું છે ઉપર બિરાજતા માતાજી ઓસમ માત્રી ઉપરથી. હવે, ઓસમ ડુંગરના નામ પરથી માતાજીનું નામ પડ્યું કે માતાજીના નામ પરથી ડુંગરનું એ થોડો રિસર્ચનો વિષય છે. ઓસમ માત્રી એ નાગરોના છાયા તેમજ ઢેબર અવટંક ધરાવતા ગૃહસ્થોના કુળદેવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં નાગર ગૃહસ્થો અહીંની મુલાકાતે આવે છે. ઉપર રહેવા માટેની પ્રાથમિક સગવડ છે તેમ જ પ્રસાદી તરીકે ચ્હા મળે છે. થોડા સમય પહેલાં જ ઓસમને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકેનું બિરુદ મળ્યું છે. દરવર્ષનાં શ્રાવણ માસની અમાસે અહીં તળેટીમાં મેળો ભરા...